બોલો લ્યો! પોલીસ જવાનો બહાર પહેરો ભરતા રહ્યા અને આરોપી બાથરૂમની બારીમાંથી ફરાર
Vadodara News : વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડી અને વિશ્વાસઘાત તથા બોગસ દસ્તાવેજ બનાવવાના કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચ પણ સંલગ્ન આર્થિક ગુના નિવારણ શાખા કરતી હતી. આ ગુનામાં આરોપી દિલીપ અમરસિંહ ચૌહાણ (રહે: શુકુન બંગ્લોઝ ગોરવા મૂળ રહેવાસી દશરથ ગામ ) ને 6 સપ્ટેમ્બરે પકડીને કોર્ટમાં રજૂ કરતા 11મી તારીખ સુધીના રિમાન્ડ મંજૂર થયા હતા. 8મી તારીખે રાત્રે આરોપીને પૂછપરછ કરી સયાજીગંજ પોલીસ સ્ટેશનના લોકઅપમાં મૂકવામાં આવ્યો હતો.
સોમવારે (9 સ્પટેમ્બર) સવારે 10:45 વાગે સયાજીગંજ પોલીસ સ્ટેશનના લોકઅપમાંથી તેનો કબજો મેળવી પોલીસ ભવન ત્રીજા મળે આવેલી આર્થિક ગુના નિવારણ શાખાની કચેરીમાં તેને લાવવામાં આવ્યો હતો. બપોરે 12:00 વાગે કુદરતી હાજત તથા નાહવા માટે જવાનું કહેતા પોલીસ જવાનો તેને આઠમા માળે લઈ ગયા હતા. કુદરતી હાજત કર્યા પછી તે નાહવા માટે બાથરૂમમાં ગયો હતો અને પોલીસ જવાનો બહાર પહેરો ભરતા હતા, તે દરમિયાન બાથરૂમની બારીમાંથી કૂદીને તે ભાગી ગયો હતો. રાવપુરા પોલીસે ગુનો દાખલ કરી આરોપીને શોધખોળ હાથ ધરી છે.