Get The App

ભુજના બોરવેલમાં ખાબકેલી ઇન્દ્રાનું મોત... આપઘાત કે હત્યા? પોલીસ તપાસમાં ખુલશે સસ્પેન્સ

Updated: Jan 8th, 2025


Google NewsGoogle News
ભુજના બોરવેલમાં ખાબકેલી ઇન્દ્રાનું મોત... આપઘાત કે હત્યા? પોલીસ તપાસમાં ખુલશે સસ્પેન્સ 1 - image


Indra Suicide Or Murder : ભુજ તાલુકાના કંઢેરાઇ ગામે સોમવારે વહેલી સવારે 540 ફૂટ ઉંડા બોરવેલમાં ખેત મજુર યુવતી પડી જવાના કેસમાં તંત્રની દોડધામ બાદ 32 કલાક પછી યુવતીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. બીજી તરફ બોરવેલ ઢાંકેલો હતો. તો પછી 22 વર્ષની યુવતી અંદર કઇ રીતે પડી તે મોટો સવાલ ખડો થયો છે. યુવતીએ આપઘાત કર્યો હોવાની સંભાવના પ્રબળ બનતાં પદ્ધર પોલીસે તે દિશામાં તપાસ તેજ કરી છે. 

રાજસ્થાનના પ્રતાપગઢની અને છેલ્લા છથી આઠ વર્ષથી પિતરાઇ ભાઇ લાલજીભાઇ સાથે ભુજ તાલુકાના કંઢેરાઇ ગામે વાડીમાં રહેતી 22 વર્ષીય ઇન્દ્રા કાનજીભાઇ મીણા નામની યુવતી મંગળવારે સવારે સવા પાંચ વાગ્યા અરસામાં તેની ભત્રીજી વસુંધરા સાથે બાથરૂમ કરવા ગઇ હતી. ત્યાંથી પરત આવીને વસુંધરાને કહ્યું હું બાથરૂમ કરી આવું તેવું કહીને નીકળી હતી. ત્યારબાદ તિતરાઇ ભાઇ લાલજીભાઇએ પુત્રીને પ્રશ્ન કર્યો હતો કે ઇન્દ્રા ક્યાં છે. ત્યાં તેમના ઘરની ઓસરીથી પાંચ ડગલાં દુર આવેલા બોરવેલમાંથી ઇન્દ્રાનો બચાવ બચાવનો અવાજ સંભળાયો હતો. 

આ પણ વાંચો: ભુજમાં 500 ફૂટ ઊંડા બોરવેલમાં પડેલી યુવતીને બચાવી ન શકાય, 33 કલાક બાદ મળ્યો મૃતદેહ

પ્રથમ લાલજીભાઇએ દોરડી અંદર નાખીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ વાડી માલિકના જણાવ્યા પ્રમાણે અને પોલીસની પ્રાથમિક તપાસમાં બોરવેલ પતરાના તગારા ઉપર પથ્થરાઓ અને ઝાડી ઝાંખરાથી ઢાંકેલો હતો. તો અને 12 સેન્ટી મીટરના ત્રિજ્યાના મોઢું અને 540 ફુટ ઉંડા બોરવેલમાં યુવતી કઇ રીતે પડી ઇન્દ્રાના પિતરાઇ ભાઇએ પોલીસ નિવેદનમાં જણાવ્યું હતું કે ઇન્દ્રાની ડુંગરપરના યુવક સાથે 6 માસ પહેલા સગાઇ થઇ છે. અને રાત્રે ઇન્દ્રાએ તેના ભાવિ પતિ સાથે વાત કરી છે. 

ત્યારે ઇન્દ્રા અને તેના ભાવિ પતિ સાથે વાતચીત બાદ ઇન્દ્રાને મનપર લાગી આવ્યું હોય અને વહેલી સવારે બોરમાં પડતું મુકીને આપઘાતનું પગલું ભરી લીધું હોવાની શક્યતા સેવાઇ રહી છે. બીજી તરફ ઇન્દ્રાનો અને તેના ભાવી પતિનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. ઇન્દ્રા બોરવેલમાં પડી ત્યારે તેની સાથે મોબાઇલ હોવાથી સ્વીચ ઓફ થઇ ગયો હશે. હાલ પદ્ધર પોલીસે એડીની નોંધ કરીને ઇન્દ્રાના મોત પાછળનું રહસ્ય જાણવા તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News