વૈભવી કારો સાથે સુરતને માથે લેનારા વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી, પોલીસે 20 લક્ઝુરિયસ કાર કબજે કરી
Road Show in Surat Student Farewell : સુરતના જહાંગીરપુરા -દાંડી રોડની ફાઉન્ટન હેડ સ્કુલના વિદ્યાર્થીઓએ વૈભવી કાર સાથે રેલી કાઢી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ફેરવેલમાં રોલો પાડવા માટે રીતસર વૈભવી કારનો રોડ શો યોજી કાયદાના ધજાગરા ઉડાવ્યા હતા. જોકે, આ મામલે સુરતની પાલ પોલીસે 20 જેટલી ગાડીઓ જપ્ત કરી છે.
જહાંગીરપુરા -દાંડી રોડ પર આવેલી ફાઉન્ટન હેડ સ્કુલના આચાર્ય સાથે અલગ અલગ મુદ્દે પૂછપરછ કર્યા બાદ જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે 'જો વાલી કસુરવાર ઠરશે તો પોલીસ કે પછી આરટીઓ કાર્યવાહી કરશે અને જો શાળા આ બાબતે કસુરવાર હશે તો એનઓસી રદ થવા સુધીની કાર્યવાહી કરાશે.'
આ પણ વાંચો: સુરતમાં પણ ગાંધીધામવાળી: લકઝરી કારના કાફલા સાથે રેલી કાઢી બોર્ડના વિદ્યાર્થીઓએ ફેરવેલ ઉજવતા વિવાદ
સુરત નજીકના ફાઉન્ટેન હેડ સ્કુલના બોર્ડના વિદ્યાર્થીઓ દ્વારા ફેરવેલ માટે ડી-માર્ટથી છેક સ્કુલ સુધી હાઈફાઈ કારોના કાફલા સાથે રેલી કાઢીને જે ઉજવણી કરાઈ હતી. તે ઉજવણીના શહેરભરમાં ભારે પડઘા પડ્યા છે. એકબાજુ પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ રહી છે.
પોલીસે અત્યાર સુધીમાં 20 કાર ડોટેઈન કરીને જરૂરી કાર્યવાહી ચાલુ રાખી છે. તો બીજી તરફ સુરત જિલ્લા શિક્ષણાધિકારી ભગીરથસિંહ પરમારે જણાવ્યું હતું કે જો વાલીઓએ સંતાન પાસે લાયસન્સ ના હોવા છતાં કારો આપી હશે તો આરટીઓ અને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. અને જો શાળા કસુરવાર હશે તો શાળાની એનઓસી રદ કરવા સુધીની કાર્યવાહી કરાશે.