રેલવેના કથિત સ્ક્રેપ કૌભાંડમાં એક મહિના પછી પણ પોલીસ ગોથા ખાય છે
પ્રતાપ નગર રેલવે સ્ક્રેપ યાર્ડ ખાતેથી સ્ક્રેપ ભરીને નીકળેલી ટ્રકને શંકાસ્પદ હાલતમાં મકરપુરા પોલીસે ઝડપી પાડી હતી. આ કેસમાં છેલ્લા એક મહિનાથી તપાસનું નાટક ચાલી રહ્યું છે. એક મહિના પછી પણ પોલીસ નક્કી કરી શકી નથી કે, ટ્રકમાં ભરાયેલા સ્ક્રેપમાં લોખંડની સાથે સ્ટીલ છે કે નહીં ? જ્યારે બીજી તરફ હવે ફરિયાદીને ધમકીઓ મળવાનું શરૂ થયું છે. પરંતુ, મકરપુરા પોલીસ કોઇ જ કાર્યવાહી કરતી નથી.
રેલવેમાં પ્રમોશન અને સિલેક્શનન કૌભાંડ પછી હવે સ્ક્રેપમાં કૌભાંડ થયું હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. વેસ્ટર્ન રેલવે પ્રતાપ નગર સ્ક્રેપ યાર્ડ ખાતેથી જય અંબે ટ્રેડર્સને સ્ક્રેપ ભરવા માટેનું ટેન્ડર લાગ્યું હતું. તેઓ દ્વારા રેલવે કર્મચારીઓની સાથે મળી સ્ક્રેપમાં એમ.એસ.ની સાથે એસ.એસ.નું મટિરિયલ પણ ભરી દીધું હોવાના આક્ષેપ થતા મકરપુરા પોલીસે સ્ક્રેપ ભરેલી ટ્રક કબજે કરી હતી. ગત ૨૨ મી જાન્યુઆરીએ ટ્રક કબજે કર્યા પછી પોલીસ દ્વારા ફરિયાદીને કહી ખાનગી એજન્સી પાસે સ્ક્રેપમાં એમ.એસ. અને એસ.એસ. કેટલું છે ? તેની તપાસ કરાવવામાં આવી હતી. પ્રાઇવેટ એજન્સી દ્વારા સ્ક્રેપમાં સ્ટીલ હોવાનું જણાવવામાં આવ્યું હતું. તેમછતાંય પોલીસ દ્વારા તે રિપોર્ટ દબાવી દેવામાં આવ્યો હતો. આ અંગે કોર્ટમાં રજૂઆત થયા પછી હવે પોલીસ તપાસની જવાબદારી રેલવે પર ઢોળી રહી છે. જ્યારે કે પોલીસ દ્વારા એફ.એસ.એલ.ની ટીમ દ્વારા તપાસ કરાવવામાં આવે તો તરત જ સત્ય હકીકત બહાર આવે. પરંતુ, મકરપુરા પોલીસ અને ઉચ્ચ અધિકારીઓને પણ આ કેસમાં કોઇ રસ નહીં હોવાનો આક્ષેપ હવે થઇ રહ્યો છે. આ કેસમાં ફરિયાદ કરનાર અશોક દૂબેને ફોન પર ધમકી આપવામાં આવી રહી છે. દેવેન્દ્ર રાય નામના વ્યકિત દ્વારા ફોન કરીને ધમકી આપવામાં આવી હતી કે, જી.બી. શર્મા સામે કેમ પડયા છો ? તેમાં વધારે રસ લેતા નહીં. જો રસ લેશો તો વડોદરામાં કેવી રીતે રહેશો . તે જોવા જેવું થઇ જશે. આ કોલનું રેકોર્ડિંગ પણ છે. તેમછતાંય મકરપુરા પોલીસ ધમકી આપનાર સામે કોઇ જ કાર્યવાહી કરતી નથી.