Get The App

લૂંટ કેસમાં આરોપી ત્રિપુટીનું સરઘસ કાઢી નવા વર્ષે પોલીસે કાયદાનો દાખલો બેસાડયો

Updated: Jan 2nd, 2025


Google NewsGoogle News
લૂંટ કેસમાં આરોપી ત્રિપુટીનું સરઘસ કાઢી નવા વર્ષે પોલીસે કાયદાનો દાખલો બેસાડયો 1 - image


વરસાણા ચોકડી પાસે  ત્રિપુટીએ એકના ત્રણ કરી આપવાની લાલચે ૩ લાખ લૂંટયા હતા, પોલીસની કામગીરીની પ્રશંસા

ગાંધીધામ: અંજાર અન્ય રાજ્યોના લોકોને લાલચ આપી અંજાર બોલાવી મોટાભાગે છેતરપિંડી અને ક્યારેક લૂંટને અંજામ આપતી ત્રિપુટીને પોલીસે ઝડપી લીધા હતા. હરિયાણાના શખ્સોને એકના ત્રણ કરી આપવાની લાલચ આપી અંજાર બોલાવી તેમણે માર મારી રૂ. ૩ લાખ લૂંટી લેવામાં આવ્યા હતા. આ ગેંગના સભ્યો પૈકીનાં ૩ સભ્યોનું પોલીસે અંજારમાં જાહેર સરઘસ કાઢી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. નવા વર્ષના પહેલા જ દિવસે પોલીસના કડક પગલાં અને લેભાગુ તત્વોવિરુદ્ધ કરેલી કામગીરી સૌને ખૂબ ગમી હતી અને સરઘસ સમયે જ લોકોએ અંજાર પોલીસના ભારોભાર વખાણ પણ કર્યા હતા. 

આ ગુનામાં પોલીસે પકડેલાં સૂત્રધાર જમનશા ભચલશા શેખ, નાસિરશા ભચલશા શેખ (બંને રહે. કનૈયાબે ગામ, ભુજ) અને અબ્દુલ રઝાક જેથડા (ગરાસીયા)નું પોલીસે અંજારમાં સરઘસ કાઢયું હતું. આરોપી નાસિરશાએ વેપારીને ફેસબૂક પર લાલચ આપીને અંજાર બોલાવ્યો હતો.પોલીસે જણાવ્યું કે હજુ ત્રણ આરોપી પકડવાના બાકી છે. જે પણ ટૂંક સમયમાં જ ઝડપાઇ જશે. ઝડપાયેલા આરોપીઓ સાથે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.

પગપાળા સરઘસ રૂપે આરોપીઓને શહેરના મુખ્ય વિસ્તારો માથી લઈ જવામાં આવ્યા હતા. નવા વર્ષના પહેલા જ દિવસે પોલીસે કડક કામગીરી કરી આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢી નવા વર્ષની ઉજવણી કરી હોવાથી લોકોએ પોલીસના ભારોભાર વખાણ પણ કર્યા હતા અને આવા શખ્સોને જો પોલીસે તાત્કાલિક પકડી તેમનું શહેરમાં સરઘસ કાઢે તો લોકો તેમણે ઓળખે, તેમથી ડરે નહીં અને તેમના વિરુદ્ધ ગુનો નોંધાવવા આગળ પણ આવે તેવી હિંમત તેવું પણ જણાવ્યુ હતું. 

અગાઉ પણ એક આરોપીએ 31 લાખનું ચિટિંગ કર્યું હતું

આ ગુનામાં ઝડપાયેલા જમનશા અને તેની ગેંગના સાત સાગરીતો વિરુધ્ધ અગાઉ ૧૮ ફેબ્આરી ૨૦૨૪ના રોજ ૩૧ લાખના ચીટીંગની અંજારમાં ફરિયાદ નોંધાઈ હતી. મુંબઈના અઝીઝ શેખ નામના શખ્સને સસ્તાં ભાવે પ્રોપર્ટીમાં રોકાણ કરી એક કરોડ જેટલું ઊંચું વળતર મળવાની લાલચ આપીને આ ટોળકીએ પ્લોટ ખરીદવાના નામે ૩૧ લાખ રૂપિયા પડાવી લીધાં હતાં. બાદમાં પ્લોટના દસ્તાવેજ ન કરાવી અને નાણાં પણ પરત આપ્યા ન હતા. 



Google NewsGoogle News