નામચીન કલ્પેશ કાછીયાના બેંક એકાઉન્ટની વિગતો મંગાવતી પોલીસ
કલ્પેશ કાછીયાની કોલ ડિટેલના આધારે ૧૦ વ્યક્તિઓની પૂછપરછ થઇ
વડોદરા,ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં ફૂટનો ધંધો કરતા વેપારીએ વ્યાજખોરના ત્રાસથી આપઘાતની કોશિશના કેસમાં માથાભારે કલ્પેશ કાછીયાને પોલીસ શોધી રહી છે. કલ્પેશ કાછીયાના બેંક એકાઉન્ટની વિગતો પોલીસે મંગાવી છે.તેના આધારે તેણે કરેલા ટ્રાન્જેક્શનની તપાસ કરવામાં આવશે.
વારસિયા વિનાયક રેસિડેન્સીમાં રહેતા નરેશભાઇ કેસરીચંદ નેનાની ખંડેરાવ માર્કેટ ખાતે એસ.કે.ફ્રૂટ અને એન.કે.ફ્રૂટ નામની દુકાન ચલાવે છે. ફ્રૂટનો વેપાર કરવા માટે વર્ષ ૨૦૧૨ થી ૨૦૨૦ સુધીમાં સંતોષભાઇ ઉર્ફે બાબુભાઇ ભાવસાર (રહે. રાજસ્થંભ સોસાયટી, રાજમહેલ રોડ) પાસેથી તેમણે ટૂકડે - ટૂકડે ૪૭ લાખ વ્યાજે લીધા હતા. જેની સામે પોણા બે કરોડ જેટલી રકમ ચૂકવી દીધી છે. તેમછતાંય વ્યાજખોર દ્વારા સતત ઉઘરાણી કરીને ધમકી આપવામાં આવતી હતી. આ કેસમાં પોલીસે સંતોષની ધરપકડ કરી પૂછપરછ કરતા કલ્પેશ કાછીયાનું નામ ખૂલ્યું હતું. ત્યારબાદ કલ્પેશ કાછીયો ફરાર છે. પોલીસ કલ્પેશ કાછીયાની કોલ ડિટેલ કઢાવતા ૧૦ વ્યક્તિઓના નંબર મળ્યા હતા. જેની સાથે કલ્પેશ સતત સંપર્કમાં રહેતો હતો. પોલીસને શંકા હતી કે, તેઓ પણ વ્યાજના ચક્કરમાં ફસાયા છે. પરંતુ,તેઓ આ બાબતે પોલીસને કંઇ જણાવવા તૈયાર નથી. દરમિયાન કલ્પેશના બે બેંકમાં એકાઉન્ટ છે. તે એકાઉન્ટમાં થયેલા ટ્રાન્જેક્શનની માહિતી મેળવવા માટે પોલીસે બેન્કને પત્ર લખ્યા છે.તે માહિતી આવ્યા પછી કલ્પેશે કોની સાથે નાણાંકીય વ્યવહારો કર્યા છે ? તે જાણી શકાશે.