સુરતમાં મૃતકની પત્નીએ કરેલી VIPને સુરક્ષાની વાત સાચી સાબિત થઈ!, ભાજપ કાર્યાલય પર ગોઠવાયો પોલીસ બંદોબસ્ત
Pahalgam Terrorist Attack : પહલગામમાં સુરત સહિત દેશના અન્ય રાજ્યોના પ્રવાસી પર થયેલા આતંકવાદી હુમલાને ચારેય તરફથી વખોડવામાં આવી રહ્યો છે. આ હુમલામાં સુરતના એક વ્યક્તિનું મોત થયું છે તેમની અંતિમ યાત્રા દરમિયાન મૃતકની પત્નીએ કેન્દ્રીય મંત્રી સામે બળાપો ઠાલવી સરકાર સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ ઘટનાના થોડા યમય બાદ ઉધનામાં આવેલા ભાજપ કાર્યાલય પર પોલીસ ગોઠવી દેવામાં આવતાં લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ભાજપ કાર્યાલય પર પોલીસની ગાડી અને સ્ટાફની હાજરી જોતા સુરતમાં ચર્ચા શરુ થઈ છે કે, પ્રવાસીઓ પર હુમલો કાશ્મીરમાં થયો અને પોલીસ બંદોબસ્ત સુરત ભાજપ કાર્યાલય પર ગોઠવી દેવાયો છે.
અંતિમ યાત્રા દરમિયાન મૃતક શૈલેષભાઈની પત્ની શિતલ કથળીયા દ્વારા ભારે આક્ષેપ કરવામાં આવતાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ પણ નિઃશબ્દ બની ગયા હતા. બીજી તરફ લોકોમાં આતંકવાદી હુમલાને પગલે રોષને જોતાં ઉધના ખાતે આવેલ ભાજપ કાર્યાલય પર પોલીસ કુમક ખડકી દેવામાં આવી છે. આ ઉપરાંત હવે શહેરીજનોનાં રોષને ધ્યાને રાખીને ઉધના ખાતે આવેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર બપોર બાદ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે, ભાજપ કાર્યાલય પર પોલીસ બંદોબસ્ત અંગે ભાજપે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું ન હોવાથી અનેક અટકળો થઈ રહી છે. પોલીસ જવાનોની હાજરીને પગલે રસ્તા પરથી પસાર થઈ રહેલા નાગરિકોમાં પણ પોલીસની ગતિવિધિને પગલે જાત જાતની ચર્ચા થઈ રહી છે.
આ પણ વાંચો: 'કાશ્મીર નહીં પણ સરકાર-સિક્યોરિટી સામે વાંધો...', આતંકી હુમલામાં મૃત્યુ પામેલા શૈલેષ કળથીયાની પત્નીની વ્યથા
ધારદાર સવાલો સામે નેતાઓએ મૌન સેવ્યું
શૈલેષભાઈની અંતિમ યાત્રામાં અનેક નેતાઓ પણ જોડાયા હતા. આ સમયે પોતાની નજર સામે જ પતિને ગુમાવનારા શિતલબેનનો ગુસ્સો આતંકવાદીઓની સાથે સાથે સરકારની સિસ્ટમ પણ ફાટી નીકળ્યો હતો. તેઓએ સરકારની સુરક્ષા સામે પણ અનેક સવાલ ઉઠાવ્યા હતા. શિતલબેને નેતાઓને ધારદાર સવાલો કરતાં ચારેતરફ સોંપો પડી ગયો હતો, તો નેતાઓના મોઢા જોવા જેવા થઈ ગયા હતા.
આ પણ વાંચો: પહલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા પિતા-પુત્રની એકસાથે અંતિમયાત્રા નીકળતાં ભાવનગર હિબકે ચઢ્યું
મૃતકની પત્ની શિતલબહેને સરકારની કામગીરી સામે સવાલો ઊઠાવ્યા
શૈલેષ કળથિયાની અંતિમ યાત્રામાં કેન્દ્રિય મંત્રી સી. આર. પાટીલ, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, સાંસદ મુકેશ દલાલ, MLA કુમાર કાનાણી અને વિનુ મોરડિયા જોડાયા હતા. આ નેતાઓની સામે જ મૃતકની પત્ની શિતલબેને સરકારની કામગીરી પર અનેક સવાલો ઊઠાવ્યા હતા, જેના જવાબ નેતાઓ આપી શક્યા ન હતા. પાટીલની હાજરીમાં મૃતક શૈલેષ કળથિયાના પત્ની શિતલબેને કહ્યું કે, 'આ છોકરાઓનું ભવિષ્ય શું? દીકરાને એન્જિનિયર બનાવવો છે, દીકરીને ડૉક્ટર બનાવવી છે. હું કઈ રીતે બનાવીશ. મારે ન્યાય જોઈએ, મારા છોકરાઓનું ભવિષ્ય ખરાબ ન થવું જોઈએ. મારા પતિની આટલા વર્ષની સર્વિસમાં તમે ટેક્સ કાપીને પગાર આપ્યો છે ને? અને ઉપર જતાં અમે કોઈ વસ્તુ ખરીદીએ, ક્યાંય જઈએ તો ફરીથી ટેક્સ. ટોલ ટેક્સ બધા ટેક્સ અમારી પાસેથી લ્યો છો તો મારા ઘરવાળાને જ્યારે જરૂર હતી તો કોઈ સુવિધા નથી મળી તેનો મને ન્યાય જોઈએ.'