લાલપુરથી વડોદરા કાર લઈ નિકળેલો કોન્ટ્રાક્ટર યુવાન એકાએક લાપતા બની જતાં પોલીસ દ્વારા શોધખોળ
Jamnagar : લાલપુર તાલુકાના કાનાલુસમાં રહેતો એક કોન્ટ્રાકટર યુવાન પોતાના ઘેરથી કારમાં બેસીને વડોદરા જવા માટેનું કહીને નીકળ્યા પછી એકાએક લાપતા બની જતાં પરિવારજનોમાં ચિંતા પ્રસરી છે. જેનો મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ થઈ જતાં પોલીસમાં ગુમનોંધ કરાવાઈ છે. જેને પોલીસ શોધી રહી છે.
લાલપુર તાલુકાના કાનાલુસમાં રહેતો રાજેશભાઈ કેસુર નામનો 40 વર્ષનો કોન્ટ્રાક્ટર યુવાન, કે જે ગત 12મી ડિસેમ્બરના બપોરે દોઢેક વાગ્યે પોતાના ઘેરથી જમીને મારે વડોદરા કામ છે, તેમ પત્નીને કહીને નીકળ્યો હતો.
જેણે પોતાની સાથે પોતાના તમામ ડોક્યુમેન્ટ પણ રાખ્યા હતા, જે તમામ સામગ્રી સાથે પોતાની જી.જે.10 ડી.એન.8239 નંબરની કારમાં ઘેરથી નીકળ્યા પછી તેનો એકાએક મોબાઈલ ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો, અને તેનો સંપર્ક કરવો મુશ્કેલ બન્યો હતો જેથી તેના પરિવારજનોમાં ભારે ચિંતા પ્રસરી હતી.
આ બનાવ અંગે રાજેશભાઈની પત્ની રીનાબેને મેઘપર પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને પોતાના પતિ લાપતા બની ગયા હોવાની ગુમ નોંધ કરાવતાં મેઘપર પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ એલ.જી. જાડેજા તેની શોધખોળ ચલાવી રહ્યા છે.
ગુમ થનારે પોતાના હાથમાં ચાંદીનું કડુ તેમજ ગળામાં ચાંદીનો ચેન પહેરેલો છે, અને જમણા હાથની કલાઈ ઉપર ૐ તેમજ ત્રાજવું ત્રોફાવેલા છે. જે અંગે કોઈને જાણકારી મળે, તો મેઘપર પોલીસ મથકનો સંપર્ક સાધવા જણાવાયું છે.