જામનગરમાં તળાવની પાળે જૂની આરટીઓ કચેરી નજીક ભારે ટ્રાફિકજામ થતાં પોલીસે ગેરકાયદે ચકરડીઓ બંધ કરાવી
Jamnagar : જામનગરમાં તળાવની પાળે જૂની આરટીઓ કચેરીની પાસેના ભાગમાં ગઈકાલે રવિવારે સાંજે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, અને ટ્રાફિક પોલીસ તેમજ સીટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફને ભારે કવાયત કરવી પડી હતી.
જુની આરટીઓ કચેરીના માર્ગે તેમજ આસપાસના વિસ્તારમાં નાની મોટી હાથ ચકરડી વાળાઓએ કોઈપણ પ્રકારની મંજૂરી વિના ગેરકાયદે હાથ ચકરડી તથા અન્ય બાળકોની રાઇડો ખડકી દીધી હોવાના કારણે ગઈકાલે રવિવારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. સાથો સાથ કેટલીક ખાણી પીણીની રેકડીના ગંજ પણ ખડકાઈ ગયા હોવાથી ભારે ટ્રાફિકજામ થવાથી વાહનોના થપ્પા લાગ્યા હતા.
જે બનાવની જાણ થતાં જામનગરની ટ્રાફિક શાખા તથા સીટી એ. ડિવિઝનનો પોલીસ સ્ટાફ તળાવની પાળે દોડી ગયો હતો, અને સૌ પ્રથમ કેટલીક ચકરડીઓને બંધ કરાવી હતી, ઉપરાંત આડેધડ ઉભેલી રેકડીઓને પણ માર્ગ પરથી દૂર કરાવીને વાહન વ્યવહારને પૂર્વવત બનાવ્યો હતો.
કેટલાક ઘોડાગાડીવાળાઓના કારણે પણ ટ્રાફિક જામ થતો હોવાથી તેઓને પણ કડક સૂચના આપવામાં આવી હતી.