સીસીટીવીના આધારે શોધી પોલીસ લખેલી કાર ચાલક સામે ગુનો
- વઢવાણ માર્કેટિંગ યાર્ડ પાસેથી પસાર થયો હતો
- ડેસ્કબોર્ડ પર પ્લેટ શોખ ખાતર મૂકી અને પોલીસમાં ફરજ ન બજાવતો હોવાનું કબૂલ્યું
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર બી-ડિવીઝન પોલીસે રાજકોટ ખાતે રહેતા શખ્સ સામે પોલીસ ન હોવા છતાં પોલીસની ખોટી ઓળખ ઉભી કરવા માટે પોલીસ લખેલ પ્લેટને કારના ડેસ્કબોર્ડ પર રાખી નિયમોના ઉલંઘન બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
સુરેન્દ્રનગર ખાતે પોલીસ વિભાગ દ્વારા કાર્યરત નેત્રમ કમાન્ડ એન્ડ કંન્ટ્રોલ રૂમ દ્વારા બી-ડિવીઝન પોલીસને સીસીટીવીના આધારે ફોટો પાડી જાણ કરવામાં આવી હતી. જેમાં ગત તા.૧૪ મે ૨૦૨૪ના રોજ ડેસ્કબોર્ડ પર પોલીસ લખેલી પ્લેટ સાથે એક કારચાલક વઢવાણ માર્કેટીંગ યાર્ડ પાસેથી પસાર થયો હતો. આથી બી-ડિવીઝન પોલીસે વાહનમાલીકનું નામ અને સરનામું તપાસ કરતા કાર દિલીપભાઈ શામજીભાઈ સાગઠીયા રહે.કોઠારીયા રાજકોટવાળો હોવાનું માલુમ પડયું હતું. આથી કારચાલકને પોલીસ મથકે બોલાવી તેનું નિવેદન લઈ પુછપરછ કરતા માત્ર શોખ ખાતર કારના ડેસ્કબોર્ડ પર પોલીસ લખેલી પ્લેટ રાખી હોવાનો અને પોલીસમાં નહીં હોવાનું જણાવ્યું હતું. આથી બી-ડિવીઝન પોલીસે કારચાલક દિલીપભાઈ શામજીભાઈ સાગઠીયા સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.