ગુજરાતમાં આકરી સુરક્ષા અને ટેક્નોલોજી સાથે પોલીસ ભરતી, જાણો કઇ વસ્તુઓ પર છે પ્રતિબંધ
Police Bharti 2025 : ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ગુજરાત પોલીસ દળમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેકટર અને લોકરક્ષક કેડર વર્ગ-3ની નીચે જણાવેલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની ભરતી પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી છે. જેથી હવે અગાઉ પોલીસ ભરતી અને અન્ય ભરતીમાં ઊભી થયેલી ગેરરીતિઓથી ભરતી દૂર રહે એ માટે સઘન સુરક્ષા વચ્ચે એકદમ સચોટ પોલીસ બંદોબસ્ત અને ટેક્નોલોજી સાથે પોલીસ ભરતીની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે.
ગુજરાત પોલીસ દળમાં 472 જગ્યા બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેક્ટર PSI અને 12000 જગ્યાઓ લોકરક્ષક- LRDની કુલ 12472 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જેમાં કુલ 10,73,786 ઉમેદવારોને રાજ્યના 15 શહેર/જીલ્લામાં આવેલા SRP જૂથના પરીક્ષા કેન્દ્રો (ગ્રાઉન્ડ) ખાતે શારીરિક ક્ષમતા કસોટી PET અને શારીરિક માપ કસોટી PST માટે બોલાવવામાં આવ્યા છે.
પોલીસ ભરતી માટે ઉમેદવારોને કોલ લેટરમાં આપેલા સમયે ગ્રાઉન્ડ ખાતે હાજર રહેવાનું જણાવવામાં આવ્યું છે. જેમાં માત્ર ને માત્ર ઉમેદવારને એન્ટ્રી આપવામાં આવે છે. ઉમેદવાર માત્ર કોલ લેટર અને પોતાનું આધાર કાર્ડ જ સાથે રાખીને એન્ટ્રી લેવાની હોય છે અને અન્ય કોઈ દવા, પીણાં કે સેવન કરવાની વસ્તુ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ફરજ પર હાજર એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઉમેદવારોને તેમને કોલ લેટરમાં જણાવવામાં આવેલા સમય મુજબ જ ગ્રાઉન્ડમાં શારીરિક કસોટી માટે હાજર રહેવાનું હોય છે. આ સમય મુજબ હાજર બેચને રનિંગ ટેસ્ટ કરાવવામાં આવે છે અને ત્યારબાદ ઉતીર્ણ થયેલા ઉમેદવારની ઊંચાઈ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા માપવામાં આવે છે.
ગ્રાઉન્ડના સુપર વિઝન અધિકારી તરીકે DIGP- IGP કક્ષાના અધિકારી
એક IPS અધિકારીએ જણાવ્યું કે ભરતી પ્રક્રિયા પારદર્શિત રહે એ માટે થઈને દરેક શારીરિક ક્ષમતા કસોટી - PET સ્થળ પર જિલ્લા પોલીસ અધિક્ષક સિવાયના અન્ય પોલીસ અધિક્ષકને ગ્રાઉન્ડના ઉપરી અધિકારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. દરેક ગ્રાઉન્ડના સુપર વિઝન અધિકારી તરીકે DIGP- IGP કક્ષાના અધિકારીની નિમણુક કરવામાં આવી છે. પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારી અને તેઓની સાથે મદદમાં કુલ-96 જેટલો પોલીસકર્મીઓનો સ્ટાફ દરેક ગ્રાઉન્ડ ખાતે તહેનાત કરવામાં આવ્યો છે.
આ ભરતીમાં દરેક ગ્રાઉન્ડ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેમાં, ભરતી સ્થળ ઉપર બહારની જગ્યા પોલીસ અધિકારીઓ- કર્મીઓ દ્વારા ખાનગી વાહનો પાર્ક કરવા પર પ્રતિબંધ, ખાનગી માણસોના ટોળાંને ભરતી સ્થળની આજુબાજુ ઊભું રહેવા પર પ્રતિબંધ અને ગ્રાઉન્ડની પ્રક્રિયાની ખાનગી રાહે વિડીયો ફોટોગ્રાફી કરવા પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. રોજ દરેક ગ્રાઉન્ડ પર આશરે 700 જેટલા ઉમેદવારોને બોલાવવામાં આવી રહ્યા છે અને જેમાં 200ના સ્લોટને ગ્રાઉન્ડ પર દોડાવવામાં આવે છે.
પોલીસ ભરતી માટે RFID ટેગનો ઉપયોગ
સૌ પ્રથમવાર પોલીસ ભરતી માટે RFID ટેગનો ઉપયોગ મુંબઈ પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ ભરતીમાં દરેકમાં મોટે ભાગે ભરતીમાં દોડ માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. ઉમેદવારનું ભરતીમાં રનિંગ ટાઈમ નોંધવા માટે શરૂઆત અને અંત પર સ્કેનર્સ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. સમય આપમેળે રેકોર્ડ કરે છે જેથી ઉમેદવારે તેની દોડનો ટ્રેક કેટલા સમયમાં પૂર્ણ કર્યો તેની ચોક્કસ નોંધ થાય.