ખેડૂત અને તેના પુત્રને માર મારતા પોલીસે ચાર શંકાસ્પદોને ઝડપ્યા
જીન માલિક અને તેનો પુત્ર ફરાર : બંનેને પકડવા પોલીસની ત્રણ ટીમ કામે લાગી : ખેડૂતોમાં આક્રોશ : આદોલનની ચીમકી
સંખેડાના હાંડોદના જીનમાં કપાસ વેચા આવેલા
નસવાડી, સંખેડા છોટાઉદેપુર જિલ્લાના સંખેડાના હાંડોદ ખાતે જગદંબા જીનમાં ખેડૂત અને તેના પુત્રને માર મારવાની ઘટનામાં પોલીસે જીન કમ્પાઉન્ડમાં જઇને સીસીટીવી ફૂટેજ મેળવી ચાર શંકાસ્પદ લોકોને ઝડપી લીધા છે. ચારેયને પોલીસ સ્ટેશને પૂછપરછ માટે લઇ જવાયા છે. જીન માલિક અને તેનો પુત્ર ફરાર છે. પોલીસની ત્રણ ટીમો તેઓને પકડવા માટે કામે લાગી છે. આ બનાવથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. આજે ખેડૂતો મોટી સંખ્યામાં એમએમસી ખાતે ભેગા થયા હતા.
છોટાઉદેપુર જિલ્લાના હાંડોદ ખાતે જગદંબા કપાસની જીનમાં તિલકવાડા તાલુકાના પુછપુરા ગામના ખેડૂત દિનેશભાઇ ઇશ્વરભાઇ બારીયા અને તેનો પુત્ર કૌશિક દિનેશ બારીયા કપાસ વેચવા માટે આવ્યા હતા.
તેઓના કપાસના ભાવ સીસીઆઇના અધિકારીઓએ ૭૧૦૦ રૃપિયા આપતા તેઓએ કપાસ વેચવાની ના પાડતા કપાસ પરત ભરી આપવા માટે માંગણી કરી હતી. જીન માલિક હિતેશભાઇ શાહ અને તેમના પુત્ર તથા અન્યોએ ભેગા મળીને ખેડૂતને બાંધીને માર મારતા જંતુનાશક દવા લાવીને ખેડૂતે જીન કમ્પાઉન્ડમાં જ દવા પી લેતા હાલત નાજૂક બની હતી. તેમને ડભોઇ દવાખાને લઇ જતા હાલ આઇસીયુમાં દાખલ છે. પુછપુરાના ખેડૂતે સંખેડા પોલીસ સ્ટેશનમાં જીન માલિક, તેના પુત્ર તેમજ અન્ય લોકો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ બાદ ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ જીન પહોંચી વજન કાંટા પાસે સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવ્યા હતા. જ્યાં આ ઘટના બની હતી ત્યાં ખેડૂતનું કપાસ ભરેલું ટ્રેક્ટર પણ પડયું છે. ત્યાંના પણ પોલીસે સીસીટીવી ફૂટેજ કબ્જે કર્યા છે.
જે ખેડૂતને માર મારવામાં આવ્યો હતો તે ખેડૂતની ફરિયાદ લઇને તપાસ હાથ ધરી છે. ખેડૂતે જાતે ફરિયાદ નોંધાવવા અમને રજૂઆત કરતા ડભોઇ પહોંચીને ફરિયાદ નોંધી છે, જ્યારે સી.સી.આઇના અધિકારીઓની વિરૃધ્ધમાં ફરિયાદ નથી થઇ. જીન માલિક વિરૃધ્ધમાં જ ફરિયાદ થઇ છે. કપાસના ભાવ ઓછા બાબતે રકઝક થઇ હતી. આરોપીને પકડવાની કાર્યવાહી ચાલુ છે, ૪ શંકાસ્પદ લોકોને પકડયા છે, તેમ એએસપી ગૌરવ અગ્રવાલે કહ્યું છે. જોકે આ મામલકે સીસીઆઇના અધિકારીઓ સામે પણ તપાસ થવી જોઇએ તેમ ગામના એક ખેડૂતે જણાવ્યું હતું.
હાંડોદ એપીએમસીમાં દેડિયાપાડાના ધારસભ્યે ખેડૂતોની મુલાકાત લઇને ખેડુત પિતા પુત્ર પર થયેલા અત્યાચાર મુદ્દે સાંત્વના આપી હતી અને એએસપીને મળી યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.
આગામી ૫ દિવસમાં કાર્યવાહી નહિ કરાય તો જીન બહાર જ આંદોલ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.