સુરત ગેંગરેપ-લૂંટ કેસના બે આરોપી ભાવનગરથી પકડાયા, પોલીસના સ્વાંગમાં આવી ઘટનાને અંજામ આપ્યો હતો
Surat Robbery Case : સુરતના પુણા સીતાનગરમાં મળસ્કે ત્રણ વાગ્યે ઘરમાં ઘુસી લેસપટ્ટીના કારખાનેદારને બંધક બનાવી ચપ્પુની અણીએ તેની પત્ની પર ગેંગરેપની ઘટનામાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ કેસમાં રૂ. 60 હજારની મત્તાની લૂંટ પણ ચલાવાઈ હતી. મામલો સામે આવ્યા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં ભાવનગરના નારી નજીક અંતરિયાળ વિસ્તારમાં જંગલેશ્વર મહાદેવ મંદિરમાં છુપાયેલા બે હવસખોરને ઝડપી પાડ્યા હતા. આ નરાધમોએ પકડાયા બાદ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. પોલીસે જણાવ્યું કે ગેંગરેપ અને લૂંટની ઘટનાને અંજામ આપનારા આ નરાધમો પોલીસ તરીકેની ઓળખ આપી કારખાનેદારના ઘરમાં ઘૂસ્યા હતા.
શું હતો મામલો?
મૂળ સૌરાષ્ટ્રના અને હાલમાં પુણાના સીતાનગરમાં રહેતા લેસપટ્ટીના કારખાનેદારના ઘરમાં ગત રોજ વહેલી સવારે 3 વાગ્યે દરવાજો ખખડાવી બે અજાણ્યા શખશ જબરજસ્તી ઘરમાં ઘુસી ગયા હતા. બંનેએ ચપ્પુ વડે હુમલો કરી કારખાનેદાર યુવાનને છાતી અને બંને હાથના બાવડા ઉપર ઇજા પહોંચાડી દુપટ્ટા વડે બંધક બનાવી લીધો હતો અને મોંઢા ઉપર ટુવાલ બાંધી દીધો હતો.
ત્યારબાદ કારખાનેદારની પત્નીને ખંજર વડે બાનમાં લઈને બે હુમલાખોરો પૈકી એકે જબરજસ્તી ઢસડીને મકાનના ધાબા ઉપર લઇ જઇ દુષ્કર્મ કર્યુ હતું. પછી પહેલા માળે બીજાએ કારખાનેદારની પત્નીને હવસનો શિકાર બનાવી દુષ્કર્મ કર્યુ હતું. બંંને હવસખોરો પૈકી એકે બે બે વખત દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો અને પછીથી દાગીના રોકડ મળી કુલ રૂ. 60 હજારની મત્તા લૂંટીને તેઓ ભાગી ગયા હતા.
પોલીસે સીસીટીવીના આધારે ઓળખ કરી...
આ ઘટનાને પગલે સુરત પોલીસમાં દોડધામ મચી ગઇ હતી. સીસીટીવી તપાસના આધારે હવસખોર નરાધમની ઓળખ નિકુંજ ઉર્ફે જથર ઉર્ફે બુલેટ ભીંગરાડીયા (રહે. સાંઇનાથ સોસાયટી, કાપોદ્રા અને મૂળ. ભાવનગર) અને દિનેશ ઉર્ફે છોટુ રામખિલાડી યાદવ (રહે. ગીતાનગર, પુણા અને મૂળ. જોનપુર, યુ.પી) તરીકે થઇ હતી. ડીસીપી ઝોન 1 ની ટીમ દ્વારા આ મામલે ત્વરિત કાર્યવાહી કરવામાં આવી હતી અને બાતમીના આધારે ભાવનગરના નારી નજીક અંતરિયાળ વિસ્તારમાં શંકર ભગવાનના મંદિરમાંથી આ બંને હવસખોરોને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે વહેલી સવારે બંને નરાધમોએ દરવાજો ખખડાવ્યો ત્યારે જાગી ગયેલા દંપતી પૈકી કારખાનેદારે કોણ છે એવું પુછયું ત્યારે નરાધમોએ પુણા પોલીસ હોવાનું કહ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં બંને આરોપીઓ મારામારી, ચોરી અને હત્યાના પ્રયાસ સહિતના ગુનામાં સંડોવાયેલા રીઢા ગુનેગાર હોવાનું બહાર આવ્યું હતું.
આ પણ વાંચો: સુરતમાં પતિને બંધક બનાવી પત્ની પર સામૂહિક દુષ્કર્મ, પછી લૂંટ ચલાવી ફરાર થયા બાદ એક પકડાયો
ત્રણ વખત દુષ્કર્મના પગલે મહિલાને પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઇજા
પોલીસના સ્વાંગમાં દરવાજો ખોલાવી જબરજસ્તી અંદર ઘુસી જઇ પતિને બંધક બનાવી પત્ની ઉપર ગેંગરેપ કરનાર બંને નરાધમ પોલીસના સકંજામાં છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બંને નરાધમ લૂંટારૂ પૈકી નિકુંજ ભીંગરાડીયાએ બે વખત જયારે દિનેશે એક વખત દુષ્કર્મ કર્યુ હતું. ગણતરીની મિનીટોમાં ત્રણ-ત્રણ વખત દુષ્કર્મના પિશાચી કૃત્યને પગલે કારખાનેદારની પત્નીના ગુપ્તાંગમાં ગંભીર ઇજા થઇ હોવાનું તબીબોએ જણાવ્યું હતું.
બે પૈકીના નિકુંજ ભીંગરાડીયાએ બે વખત અને દિનેશે એક વખત દુષ્કર્મ આચરી વિડીયો પણ ઉતાર્યો હતો
કારખાનેદારને બંધક બનાવ્યા બાદ તેની પત્નીને નિકુંજ ભીંગરાડીયા ઢસડીને ધાબા ઉપર લઇ ગયો હતો. ધાબા ઉપર ગાદલું હોવાથી ત્યાં સુવાનું કહી દુષ્કર્મ કર્યું હતું અને આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ ઉતાર્યો હતો. બીજી તરફ ઘટનાને અંજામ આપ્યા બાદ જ્યારે લૂંટારૂઓ જઇ રહ્યા હતા ત્યારે કારખાનેદારનો આધારકાર્ડ પણ લઇ લીધો હતો અને તે બતાવીને ધમકી આપી હતી કે જો કોઇને જાણ કરશે તો આધારકાર્ડના આધારે ગમે ત્યાંથી શોધી કાઢી મારી નાંખીશું.
ગોવાળીયાનો વેશ ધારણ કરી 7 કિલોમીટર બાવળીયા જંગલમાં પોલીસનું ઓપરેશન
વરાછા પોલીસ સ્ટેશનના પીઆઇ રામ ગોજીયાના નેતૃત્વમાં ડીસીપી ઝોન 1 ની ટીમ દ્વારા હવસખોર લૂંટારૂઓનું પગેરૂ દબાવવા માટે તાબડતોબ ટીમ રવાના થઇ હતી. ઘટનાને અંજામ આપ્યા બાદ બંને નરાધમો બેથી ત્રણ વખત રીક્ષા બદલી અને ત્યારબાદ એક પછી એક ત્રણથી ચાર બસ બદલીને તેઓ ભાવનગર પહોંચ્યા હતા. બીજી તરફ પોલીસ ટીમે પણ ભાવનગરમાં ધામા નાંખ્યા હતા. આ અરસામાં નરાધમો નારી નજીકના અંતરિયાળ વિસ્તારમાં હતા પરંતુ ત્યાં સરળતાથી જઇ શકાય એમ ન હતું. ઉપરાંત પોલીસે પણ ઓળખ છુપાવી હોવાથી પીઆઇ ગોજીયા સહિતના સ્ટાફે ગોવાળિયાનો વેશ ધારણ કરી બાવળિયો રસ્તો ખુંદતા-ખુંદતા અંદાજે 7 કિલોમીટરનું અંત્તર કાપ્યું. ત્યારબાદ શંકર ભગવાનનું અવાવરૂ મંદિર હતું. જયાં બંને છુપાયેલા હતા ત્યાંથી દબોચી લેવામાં આવ્યા હતા.