ભાજપ નેતાઓને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન, રાજકોટમાં બ્લેક ફિલ્મ ધરાવતી બે કાર ડિટેઇન કરાઇ
Rajkot Traffic Police : આપણે રાજકીય નેતાઓ કે તેમના કાર્યકરોની દાદાગીરીના સમાચારો હેડલાઈનોમાં ચમકતા રહે છે. ક્યારેક ટોલનાકા પર ટેક્સ ભરવાને લઇને તો ક્યારે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીને તેઓ દાદાગીરી કરતા હોય છે. કાયદો અને વ્યવસ્થા જાણે ખિસ્સામાં લઇને ફરતા એ પ્રમાણે સરકારી કર્મચારીઓ કે પોલીસ સાથે પણ ઉદ્ધતાઇભર્યું વર્તન કરતાં હોય છે. ત્યારે કડક અમલદાર આવા ફાંકાબાજોને પાઠ ભણાવે ત્યારે પ્રજાને પણ તંત્રમાં ફરી વિશ્વાસ જાગે છે. આવો જ એક કિસ્સો રાજકોટ શહેરમાં જોવા મળ્યો હતો.
રાજકોટમાં ટ્રાફિક પોલીસ દ્વારા શુક્રવારે સવારે રાજકોટ પોલીસના કિસાનપુરા ચોકમાં ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. આ દરમિયાન પોલીસની નજર ત્યાંથી પસાર થઇ રહેલી બે કાર પડી હતી, જેના કાચ પર કાળી ડિબાંગ ફિલ્મ લગાવેલી હતી અને નંબર પ્લેટ પણ ન હતી. પોલીસે આ બંને કારને અટકાવીને ડિટેઇન કરી. આ દરમિયાન સામે આવ્યું કે આ કાર ભાજપના બક્ષીપંચ મોરચાના વોર્ડ નંબર 12ના પ્રમુખ મહેશ અવાડિયા અને વોર્ડ નંબર 2 ના યુવા ભાજપ ઉપપ્રમુખ હર્ષવર્ધનસિંહ કિહોરની છે.
ભાજપના નેતાની કાર ડિટેઇન કરતાં બક્ષીપંચ મોરચા હોદ્દેદારોએ રીતસર દાદાગીરી કરીને હોબાળો મચાવ્યો હતો. પોલીસને હાજર દંડ લેવા માટે દબાણ કર્યું હતું પરંતુ કંઇ ન ઉપજતાં તેઓ ડીસીપી પૂજા યાદવ પાસે રજૂઆત કરવા દોડી ગયા હતા. તેમણે જણાવ્યું કે આરટીઓ મેમો નીકળી હોવાથી હવે કશું થઇ શકે છે તેમ નથી. જેથી 'ચોર ઉપર સે કોટવાલ કો ડાંટે' જેવો ઘાટ સર્જાયો હતો અને બક્ષીપંચ મોરચાએ પોલીસ કાર્યવાહી સામે સવાલો ઊભા કરવાના પ્રયત્નો અને કાર્યવાહીમાં અડચણ ઊભી કરવાના પ્રયાસ કર્યા હતા. જો કે પોલીસ ટસની મસ થઇ ન હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ભાજપના કાર્યકર્તાઓ માટે વટનો સવાલ બની જતાં તેમણે રાજકોટના ધારાસભ્યની ભલામણ લગાવી હતી. આ દરમિયાન રાજકોટ પશ્વિમના ધારાસભ્ય દર્શિતા શાહ દ્વાર કારને છોડી મૂકવા માટે ભલામણ કરવામાં હતી. ત્યારે અહીં ટાંકવું જરૂરી છે કે રાજકોટ શહેર ભાજપ પ્રમુખે કોઇપણ કાર્યકર્તાઓને પોતાના વાહનોમાં હોદ્દા અંગે બોર્ડ લગાવવાની સ્પષ્ટ મનાઇ ફરવાવી છે. આમ છતાં કેટલાક કાર્યકર્તાઓ વટ પાડવા માટે ખોટી રીતે રૌફ જમાવવા આ પ્રકારની પ્લેટ લગાવવતા હોય છે. જો કે આ કિસ્સામાં કાર્યવાહી કરીને દાખલો બેસાડ્યો છે કે નિયમો બધા માટે સરખા છે.