વિદ્યાર્થીઓ કરવા ગયા 'ભોજન'ની ગુણવત્તાની રજૂઆત કરવા અને 'ખાવી' પડી પોલીસની લાઠી
Police Lathicharged on Student : પાટણ ખાતે આવેલી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં આવેલી આદિજાતિ કુમાર છાત્રાલયમાં બે દિવસ પહેલાં ભોજનમાંથી દેડકો નીકળતાં હોબાળો મચ્યો હતો. જે મુદ્દે હોબાળો થતા ભોજનની ગુણવત્તામાં સુધારો કરવા બાબતે આશ્વાસન આપવામાં આવ્યું હતું. પરંતુ તેમછતાં સમસ્યાનો ઉકેલ ન આવતાં આજે છાત્રાલયના વિદ્યાર્થી અને એનએસયુઆઇના નેતાઓ પાલનપુર ખાતે આવેલી આદિજાતિ કમિશનરની કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં તેમણે કચેરીનો ઘેરાવ અને તાળાબંધી કરી હતી.
આ દરમિયાન પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ચકમક થતા પોલીસ અને વિદ્યાર્થીઓ આમને-સામને આવી ગયા હતા. જેથી પોલીસે ટોળાને વિખેરવા માટે હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. સમગ્ર મામલે પોલીસે 30 જેટલા વિદ્યાર્થીની અટકાયત કરી હતી.
પાલનપુર તાલુકા પી.આઇએ જણાવ્યું હતું કે આજે પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં આવેલી હોસ્ટેલમાં ભોજનની ગુણવત્તા સારી ન હોવાથી તેને લઇને વિદ્યાર્થીઓ દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ કોઇ નિવેડો ન આવતાં આજે એનએસયુઆઇનાના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થી દ્વારા તાળાબંધી અને ઘેરાવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ દરમિયાન તેમને સમજાવવામાં આવ્યા હતા અને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમ છતાં તેમણે તાળાબંધીનો પ્રયાસ કર્યો હતો જેને લઇને પોલીસ સાથે ઘર્ષણ થયું હતું.
શું છે સમગ્ર મામલો?
પાલનપુરમાં મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં કુમાર છાત્રાલયનું સંચાલન કરવામાં આવે છે. જ્યાં વારંવાર હલકી ગુણવત્તાનું ભોજન તેમજ રહેવામાં પડતી અગવડોની રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં ભોજનાલયમાં 22 સપ્ટેમ્બરના રોજ વિદ્યાર્થીઓને ભોજનમાં દેડકો જોવા મળતા હોબાળો થયો હતો. સંચાલકો ફરિયાદ ધ્યાને ન લેતા હોવાથી વિદ્યાર્થીઓએ રેલી યોજી કલેક્ટરને આવેદન પત્ર આપી ન્યાયની માગ કરી હતી.