Get The App

વિંછીયામાં પોલીસ પર પથ્થરમારો થતાં લાઠીચાર્જ, ટીયરગેસ છોડાયો

Updated: Jan 6th, 2025


Google NewsGoogle News
વિંછીયામાં પોલીસ પર પથ્થરમારો થતાં લાઠીચાર્જ, ટીયરગેસ છોડાયો 1 - image


થોરીયાળીનાં હત્યા પ્રકરણમાં આરોપીનો વરઘોડો કાઢવાની માંગણી સમયે ઉશ્કેરાટ

આરોપીઓ પાસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યા બાદ ૩૦૦૦થી વધુ લોકોના ટોળાએ પોલીસ સ્ટેશનને ઘેરાવ સાથે હલ્લાબોલ કરતા ભારે તંગદિલ્લી પ્રસરીપાંચ પોલીસ કર્મી ઘાયલ

જસદણ :  વિંછીયા તાલુકાનાં થોરિયાળી ગામે થોડા દિવસ પહેલા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનાર યુવાનની હત્યા કરી નાખવામાં આવી હતી. જે મામલે આઠ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાંથી છ આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી અને આજે બપોરે તેઓને ઘટના સ્થળ પર રીકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા અને આરોપીઓની જાહેરમાં સરભરા કરીને સરઘસ કાઢવાની માંગણી કરી હતી. પરંતુ પોલીસે ઈન્કાર કરતા જતા ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. એકાએક પોલીસ પર પથ્થરમારો કરાતા  માહોલ તંગ બની ગયો હતો અને સ્થિતિને કાબુમાં લેવા માટે ૩૦૦૦થી વધુ લોકોનાં ટોળાને વિખેરવા પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી તેમજ ૨૦ જેટલા ટીયર ગેસના સેલ પણ છોડયા હતા. આ ઘટનામાં પાંચ પોલીસ કર્મીઓને પણ નાની-મોટી ઈજા પહોંચી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ, વિંછીયાના થોરીયાળી ગામના ઘનશ્યામભાઈ રાજપરા નામના યુવાનની ૮ શખ્સો દ્વારા હત્યા નીપજાવવામાં આવી હતી. જે ઘટનામાં વિંછીયા પોલીસ દ્વારા કુલ ૮ આરોપીઓ પૈકી ૬ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં આ હત્યાનો મુખ્ય આરોપી શેખા ગભરૃભાઈ સાંબડ (રહે-વાંગધ્રા, તા-વિંછીયા), ભગવાન ઉર્ફે ભગો કાનાભાઈ કણોતરા (રહે- થોરીયાળી, તા-વિંછીયા), નવઘણ ઉર્ફે રામ ઉર્ફે રામો ભુરાભાઈ મોરી (રહે-કાનીયાડ, તા.જી.-બોટાદ), બીજલ સોમાભાઈ આલ (રહે-અમરાપુર, તા-વિંછીયા), રણછોડ ઉર્ફે અશોક મોતીભાઈ આલ (રહે-જસદણ, તા-જસદણ) અને વાઘા દેવશીભાઈ ખટાણા (રહે-થોરીયાળી, તા-વિંછીયા)ની વિંછીયા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે અન્ય બે આરોપીઓ દેવરાજ પોલાભાઈ સાંબડ (રહે-મોટી લાખાવડ, તા-વિંછીયા) અને કનુ ધીરૃભાઈ કરપડા(રહે-હાલ થાન, તા-સુરેન્દ્રનગર) નામના બન્ને શખ્સો હજુ ફરાર હોવાથી પોલીસ દ્વારા તેની શોધખોળ ચાલુ રાખવામાં આવી છે.

ચકચારી હત્યા બાદ મૃતક યુવાનના પરિવારજનો સહિત કોળી સમાજ દ્વારા જ્યાં સુધી હત્યારાઓ પકડાઈ નહીં અને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ મુદે હત્યા થઈ એ વિવાદીત દબાણો હટાવવામાં ન આવે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની જાહેરાત કરીને વિંછીયામાં ધરણા પર બેસી ગયા હતા. જેના પાંચમાં દિવસે રાજકોટ જિલ્લા કલેકટરે ન્યાયની ખાતરી આપતા બે દિવસ પહેલા મૃતદેહ સ્વીકારીને અંતિમવિધિ કરવામાં આવી હતી. જેના બીજા જ દિવસે મુખ્ય આરોપી શેખા સાંબડને પોલીસે ઝડપી લીધો હતો અને આજે શેખા સાંબડ ઉપરાંત અગાઉ પકડાયેલા અન્ય પાંચ આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈને ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. જો કે, આ અંગેની ખબર પડતા થોરીયાળી ગામ સહિત વિંછીયા-જસદણ તાલુકામાંથી મોટી સંખ્યામાં કોળી સમાજ ઉમટી પડયો હતો અને આરોપીઓનું સરઘસ કાઢીને જાહેરમાં સરભરા કરવાની માંગ કરવામાં આવી હતી.

આજે બપોરે વિંછીયા પોલીસ સ્ટેશન સામે ત્રણ હજારથી વધુ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. જેથી વિંછીયા પોલીસ દ્વારા આરોપીઓનું માત્ર રિકન્સ્ટ્રકશન જ કરવામાં આવ્યું હતું અને જાહેરમાં સરઘસ કાઢવાનો ઈન્કાર કરતા ઉશ્કેરાટ ફેલાઈ ગયો હતો. આ દરમિયાન લોકોના ટોળા દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવતા ભારેલા અગ્નિ જેવી સ્ફોટક સ્થિતિ સર્જાઈ હતી. વિફરેલા ટોળાને કાબુમાં લેવા માટે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. આમ છતાં મામલો શાંત ન પડતા પોલીસ દ્વારા ૧૨ જેટલા ટીયરગેસ સેલ છોડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા રાજકોટ એસ.પી. હિંમકરસિંહ તાત્કાલિક વિંછીયા ખાતે દોડી આવ્યા હતા અને પોલીસ પર પથ્થરમારો કરનારા ૫૨ જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હતી. બાદમાં રાજકોટ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન ખાતેથી મોટી સંખ્યામાં પોલીસ કાફલો વિંછીયા ખાતે ઉતારી દેવામાં આવ્યો હતો. આ પથ્થરમારાની ઘટનામાં ૫ાંચ જેટલા પોલીસ કર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા. જે મામલે ગુનો દાખલ કરવાની તજવીજ ચાલુ કરાઈ હતી.


Google NewsGoogle News