નામચીન કલ્પેશ કાછીયાના ઘરે સતત બીજે દિવસે પોલીસની તપાસ
કલ્પેશ કાછીયો વિદેશ ભાગી ના જાય તે માટે પોલીસ દ્વારા એરપોર્ટ ઓથોરિટીને જાણ કરવા તજવીજ
વડોદરા,ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં ફૂટનો ધંધો કરતા વેપારીએ વ્યાજખોરના ત્રાસથી આપઘાતની કોશિશ કરી હતી. આ કેસની તપાસ દરમિયાન નામચીન કલ્પેશ કાછીયાનું નામ ખૂલતા પોલીસ તેને શોધી રહી છે. પરંતુ, તે મળી આવતો નથી. આજે સતત બીજા દિવસે પણ પોલીસે તેના ઘરે તપાસ હાથ ધરી હતી.
વારસિયા વિનાયક રેસિડેન્સીમાં રહેતા નરેશભાઇ કેસરીચંદ નેનાની ખંડેરાવ માર્કેટ ખાતે એસ.કે.ફ્રૂટ અને એન.કે.ફ્રૂટ નામની દુકાન ચલાવે છે. ફ્રૂટનો વેપાર કરવા માટે વર્ષ ૨૦૧૨ થી ૨૦૨૦ સુધીમાં સંતોષભાઇ ઉર્ફે બાબુભાઇ ભાવસાર (રહે. રાજસ્થંભ સોસાયટી, રાજમહેલ રોડ) પાસેથી તેમણે ટૂકડે - ટૂકડે ૪૭ લાખ વ્યાજે લીધા હતા. જેની સામે પોણા બે કરોડ જેટલી રકમ ચૂકવી દીધી છે. તેમછતાંય વ્યાજખોર દ્વારા સતત ઉઘરાણી કરીને ધમકી આપવામાં આવતી હતી. આ કેસમાં પોલીસે સંતોષની ધરપકડ કરી ૪૭ લાખ અંગે તપાસ કરતા સંતોષે જણાવ્યું હતું કે, લોકોને વ્યાજે રૃપિયા આપવા માટે તે કલ્પેશ કાછીયા પાસેથી રૃપિયા લાવતો હતો. આ ગુનામાં કલ્પેશ કાછીયાનું નામ ખૂલતા નવાપુરા પોલીસ તપાસ માટે ઓલ્ડ પાદરા રોડ પરના રાધે ફ્લેટમાં ગઇકાલે ગઇ હતી. પરંતુ, તે મળી આવ્યો નથી. દરમિયાન પોલીસની ટીમે આજે સતત બીજા દિવસે પણ તેના ઘરે તપાસ કરી હતી. પરંતુ, તે મળી આવ્યો નથી. તેના ઘરે પોલીસ સર્ચ કર્યુ હતું. પરંતુ, કોઇ દસ્તાવેજ, મોબાઇલ ફોન કે પાસપોર્ટ મળી આવ્યા નથી. કલ્પેશ કાછિયો વિદેશ ભાગી ના જાય તે માટે પોલીસ દ્વારા એરપોર્ટ ઓથોરિટીને જાણ કરવા માટેની તજવીજ શરૃ કરવામાં આવી છે. કલ્પેશ કાછીયાના મોબાઇલ નંબરની વિગતો મંગાવી પોલીસે તેના સંપર્ક સૂત્રોની તપાસ હાથ ધરી છે. કલ્પેશ કાછીયાને કોણ મદદ કરી શકે છે. તે દિશામાં પોલીસે તપાસ શરૃ કરી છે.