પાયલ મેટરનીટી હોમમાં મહિલા દર્દીઓની તપાસ અને સારવારના પ્રાઈવેટ વીડિયો વાયરલ મામલે બે શકમંદોના નામ પોલીસને મળ્યા
Payal maternity hospital controversy : ગુજરાત અને બીજા રાજયોમાં આવેલી મેટરનીટી હોસ્પિટલોમાં મહિલાઓની સારવાર અને તપાસના વીડિયો યુ-ટયુબ અને ટેલીગ્રામ ચેનલ ઉપર અપલોડ કરવાના ચોંકાવનારા બનાવમાં અમુક વીડિયો રાજકોટના રૈયા સર્કલ પાસે આવેલી પાયલ મેટરનીટી હોમના હોવાનો ખુલાસો થયા બાદ અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે ગુનો દાખલ કર્યો છે. તપાસ માટે અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસની ટીમે રાજકોટમાં ધામા નાખી સ્થાનિક સાયબર ક્રાઈમ પોલીસની ટીમ સાથે મળી તપાસનો દોર જારી રાખ્યો છે. જે દરમિયાન બે શકમંદોના નામ પણ મળી જતાં તેમને ઝડપી લેવા પ્રયાસો શરૂ કર્યા છે.
મહિલાઓની સારવાર અને તપાસના પ્રાઈવેટ વીડિયો વાયરલ થયાની માહિતી અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસને મળી હતી. જેના આધારે તપાસ આગળ ધપાવાતા અમુક વીડિયો રાજકોટની પાયલ મેટરનીટી હોમના હોવાનું બહાર આવ્યું હતું. જેને કારણે રાજકોટમાં ઉહાપોહ મચી ગયો હતો. અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસની ટીમ રાજકોટ પહોંચી ગઈ હતી અને સ્થાનિક સાયબર ક્રાઈમ પોલીસની ટીમ સાથે મળી પાયલ મેટરનીટી હોમમાં તપાસ કરી ડીવીઆર અને સીસીટીવી ફૂટેજ કબજે કર્યા હતા.
અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસની ટીમે પાયલ મેટરનીટી હોમના સંબંધીત ડોકટરો અને સ્ટાફની મંગળવારે પુછપરછ કરી નિવેદનો પણ લીધા હતા. રાજકોટમાં સાયબર લેબોરેટરી છે. જેના સ્ટાફને પણ કામે લગાડાયા છે. તપાસ કરતાં બે શકમંદોના નામ મળ્યા છે. જે અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસની ટીમને આપી દેવામાં આવ્યા છે તેમ વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું.
રાજકોટના વરિષ્ઠ અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે જે વીડિયો અપલોડ થયા છે તે માત્ર પાયલ મેટરનીટી હોમના નથી પરંતુ બીજા રાજયની હોસ્પિટલોના પણ છે. અમુક વીડિયોમાં સાઉથ ઈન્ડિયન લેન્ગવેજ છે. જેના પરથી જ બીજા રાજયોની મેટરનીટી હોમના વીડિયો પણ અપલોડ કરાયાનું સ્પષ્ટ થયું છે. આ તમામ વીડિયોમાંથી અમુક વીડિયો રાજકોટની પાયલ મેટરનીટી હોમના હોવાનો સૌથી પહેલા ખુલાસો થતાં ત્યાં તપાસ કરવામાં આવી રહી છે. તેની સાથોસાથ ગુજરાત કે બીજા કયા રાજયની મેટરનીટી હોસ્પિટલોના વીડિયો છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
મુખ્ય સૂત્રધારો ઝડપાયા પછી જ પાયલ મેટરનીટી હોમના સીસીટીવી ફૂટેજ કેવી રીતે મેળવ્યા તેનો ખુલાસો થશે. સાથોસાથ હોસ્પિટલના સ્ટાફની તેમાં સંડોવણી છે કે કેમ તેનો પણ ખુલાસો થશે. હોસ્પિટલના સ્ટાફે સીસીટીવી ફૂટેજ હેક થયાનો બચાવ કર્યો છે. જે અંગે વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે આ શકયતા પણ હાલ નકારી શકાય તેમ નથી. બાકી મુખ્ય સૂત્રધારો ઝડપાયા પછી જ કઈ રીતે મેટરનીટી હોમના સીસીટીવી ફૂટેજ કમ વીડિયો મેળવતા હતા તેનો પર્દાફાશ થશે.
હાલ રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસની ટીમ તમામ એંગલ પર તપાસ કરી રહી છે. જે પણ માહિતી મળી રહી છે તે અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસની ટીમને આપી રહી છે. આઈપી એડ્રેસ અને બીજા ટેકનિકલ પાસાઓ અંગે રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસની ટીમ મુખ્યત્વે તપાસ કરી રહી છે.
પોલીસ અને ડોકટરો સાથે મહિલા કોંગ્રેસના કાયર્કરોને ઉગ્ર બોલાચાલી
રાજકોટની પાયલ મેટરનીટી હોમમાં મહિલા દર્દીઓની તપાસ અને સારવારના પ્રાઈવેટ વીડિયો વાયરલ થવાના મામલે આજે મહિલા કોંગ્રેસે હોસ્પિટલે ધસી જઈ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના મહિલા કાર્યકરોએ હોસ્પિટલે જઈ પાયલ હોસ્પિટલ હાય-હાય, હોસ્પિટલ બંધ કરો તેવા ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે હોસ્પિટલમાં અંદર જઈ ડોકટરોને રજૂઆત કરવાની માંગ કરી હતી.
પરંતુ ત્યાં બંદોબસ્તમાં તહેનાત પોલીસે તે માંગ નહીં સ્વીકારતા બને પક્ષો વચ્ચે ઉગ્ર દલીલબાજી થઈ હતી. આ ઉપરાંત ત્યાં હાજર ડોકટરો સાથે પણ ઉગ્ર બોલાચાલી થઈ હતી. પોલીસે કોઈપણ ભોગે હોસ્પિટલમાં અંદર પ્રવેશ આપ્યો ન હતો.
મહિલા કોંગ્રેસના કાર્યકરોએ જણાવ્યું કે હોસ્પિટલનાં લેબર રૂમમાં સીસીટીવી કેમેરા રાખવાનાં હોતા નથી, આમ છતાં હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા. જે બાબત ખુબ જ શરમજનક છે. જેનો વિરોધ કરવા હોસ્પિટલે ગયા હતા.