સુરતમાં પરિવારથી છૂટું પડેલું બાળક આખરે મળ્યું, 100થી વધુ CCTVની તપાસ બાદ પોલીસને મળી સફળતા
Surat News: સુરતના રાંદેર વિસ્તારમાંથી શ્રમિક પરિવારનો પાંચ વર્ષીય બાળક અચાનક ગુમ થતા પરિવાર ચિંતામાં મુકાયો હતો. આ અંગે પોલીસને જાણ કરાતા તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા 100થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસીને બાળકને શોધી કાઢ્યો હતો અને પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.
જાણો શું છે મામલો
મળતી માહિતી અનુસાર, સુરત રહેતા અને મૂળ દાહોદના વતની અભેસ કાળુ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તે મજૂરી કરતા હોય અને સાથે સાથે બાળકો રમતા હોય છે. આ દરમિયાન તેમનું સૌથી નાનું 5 વર્ષનું બાળક રમતા રમતા ગુમ થઇ ગયું હતું. બાળકની શોધખોળ બાદ પણ કોઈ ભાળ નહીં મળતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો અને સમગ્ર મામલે રાંદેર પોલીસને જાણ કરી હતી.
પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને 100થી વધારે સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા અને બાળકને શોધી કાઢવામાં આવ્યો હતો. પોલીસને આ બાળક રાંદેરના ક્ષેત્રપાળ દાદાના મંદિર પાસેથી મળી આવ્યું હતું. આ બાળક માતા-પિતાથી વિખૂટો પડીને 7 કિ.મી. સુધી ચાલ્યો હતો. થાકી જતાં સૂઇ ગયો હતો. પોલીસે પરિવાર સાથે મિલન કરાવતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.