માથાભારે કલ્પેશ કાછીયાની સામેના કેસ પુરવાર કરવામાં પોલીસ નિષ્ફળ
કલ્પેશનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ચાલુ હોવાછતાંય પોલીસ તેને ટ્રેસ કરીને પકડી ના શકી
પોલીસની સતત નિષ્ફળતાથી કલ્પેશને છૂટો દોર મળ્યો
વડોદરા,માથાભારે કલ્પેશ કાછીયો પોલીસને હંફાવી રહ્યો છે. તેનો મોબાઇલ ફોન ચાલુ હોવાછતાંય પોલીસ તેને ટ્રેસ કરીને પકડવામાં નિષ્ફળ રહી છે. પોલીસે તેના ગુનાઇત ભૂતકાળમાં ડોકિયું કરતા જાણવા મળ્યું છે કે, કલ્પેશ સામે પહેલો ગુનો વર્ષ - ૧૯૯૦ માં સામાન્ય મારામારીનો નોંધાયો હતો. તેની સામેના કેસ પુરવાર કરવામાં પોલીસ તંત્ર સતત નિષ્ફળ રહેતા તે સતત ગુનાઓ કરતો રહ્યો છે.
ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં ફ્રૂટનો ધંધો કરતા વેપારી નરેશભાઇને પૈસાની જરૃરિયાત પડતા તેમણે ૪૭ લાખ સંતોષભાઇ ઉર્ફે બાબુભાઇ ભાવસાર ( રહે. રાજસ્થંભ સોસાયટી,રાજમહેલ રોડ) વ્યાજે લીધા હતા. તેની સામે પોણા બે કરોડ રૃપિયા ચૂકવ્યા હોવાછતાંય તેણે સતત ઉઘરાણી કરી સંતોષ ભાવસાર ઉઘરાણી કરતો હતો.જેનાથી કંટાળીને વેપારીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ કેસમાં પોલીસે સંતોષ ભાવસારની ધરપકડ કરી હતી. સંતોષે પોલીસને જણાવ્યું હતું કે, રૃપિયા કલ્પેશ કાછીયાએ તેને આપ્યા હતા. જેથી,પોલીસ કલ્પેશ કાછીયાને શોધી રહી છે. સંતોષની તા. ૨ જી એ ધરપકડ થઇ હતી. ત્યારબાદ ત્રણ દિવસ સુધી કલ્પેશ કાછીયો સતત સંતોષ જોડે વાતો કરતો હતો. ત્યારબાદ કલ્પેશનું સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ એક્ટિવ રહ્યું હતું. તેમછતાંય પોલીસ તંત્ર તેને ટ્રેસ કરીને પકડવામાં નિષ્ફળ નિવડયું છે.
કલ્પેશ અરવિંદભાઇ પટેલ ઉર્ફે કલ્પેશ કાછીયો ( રહે. રાધે ફ્લેટ, ઓલ્ડ પાદરા રોડ) નો પોલીસમાં નોંધાયેલો રેકર્ડ જોતા તેની સામે સૌથી પહેલો ગુનો વર્ષ - ૧૯૯૦ માં રાવપુરા પોલીસ સ્ટેશનમાં સામાન્ય મારામારીનો નોંધાયો હતો. ત્યારબાદ તેની સામે સતત ગુનાઓ નોંધાતા રહ્યા છે. તેની સામે સૌથી વધુ પાંચ ગુના વર્ષ - ૧૯૯૩ માં નોંધાયા હતા. જેમાં હત્યાની કોશિશ, ખંડણી અને પ્રોહિબીશનના ગુનાનો સમાવેશ થાય છે. તેની સામે મર્ડરનો સૌ પ્રથમ ગુનો વર્ષ - ૨૦૦૪ માં જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. જેમાં એન.આર.આઇ.નું મર્ડર થયું હતું. ત્યારબાદ આણંદમાં અલ્પેશ ચાકા મર્ડર કેસનો ગુનો વર્ષ - ૨૦૦૯ માં અને સિટિમાં વર્ષ - ૨૦૧૬ માં ગેંગસ્ટર મુકેશ હરજાણીના મર્ડર કેસમાં પણ તેનું નામ ખૂલ્યું હતું. તેની સામે વર્ષ ૧૯૯૦ થી ૨૦૧૮ દરમિયાન કુલ ૨૦ ગુનાઓ નોંધાયા છે. છ વર્ષના લાંબા ગાળા પછી ફરીથી હાલમાં નવાપુરાના વ્યાજખોરીના ગુનામાં તેનું નામ ખૂલ્યું છે. કલ્પેશની પાંચ વખત પાસામાં અટકાયત કરવામાં આવી છે.