નડિયાદમાં અરજીઓને નજરઅંદાજ કરતા એક વર્ષમાં 5 ઘટનાઓ રોકવામાં પોલીસ નિષ્ફળ
- શહેરમાં લઠ્ઠાકાંડ વચ્ચે અરજીઓ દબાવી ધ્યાન નહીં દેવાતા પોલીસની કામગીરી સામે સવાલો
- પશ્ચિમમાં મહિલા પર ત્રાસ, ટોળકી સહિતના સાગરિતોથી જીવનું જોખમ, ગ્રામ્યમાં ખાડના માથાભારે શખ્સોના ગેરકાયદે નાણાની ઉઘરાણી અંગે અરજીથી આગોતરી જાણ કરવા છતાં પોલીસ ઊંઘતી રહી બાદમાં કાર્યવાહી કરવી પડી
પોલીસે યેનકેન પ્રકારે સમાધાન કરાવ્યું પણ બાદમાં સિદ્ધાર્થ અને તેના સાગરિતોએ વિકાસ આહીર પર જીવલેણ હુમલો કર્યો. નડિયાદ પશ્ચિમની હદમાં મિલકત સબંધી તકરારમાં માથાભારે શખ્સોએ ગેરકાયદે ઘરમાં ઘૂસી ચોરી કર્યા મામલે મહિલાએ ફરિયાદ નોંધાવવા વારંવાર પોલીસ મથકના પગથિયા ઘસી નાખ્યાં પરંતુ, પોલીસે આંખ આડા કાન કરતા અંતે કોર્ટના શરણે જતા હાઈકોર્ટના ડાયરેક્શન બાદ પોલીસે ફરિયાદ નોંધવી પડી. નડિયાદ ગ્રામ્યમાં સલુણમાં એક પરિવારે નડિયાદના ખાડના માથાભારે શખ્સોના ત્રાસથી આત્મહત્યાનો પ્રયાસ કર્યો. પરિવારના યુવકે પોલીસને ફરિયાદ નોંધાવવા વિનંતી કરી પરંતુ, પોલીસે માત્ર અરજી લઈ અને મામલો ટાળ્યો, અંતે મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો અને બાદમાં નડિયાદ ગ્રામ્યમાં ગુનો દાખલ કરવાની ફરજ પડી હતી.
પરિવારના આપઘાતના પ્રયાસમાં પણ હાઈકોર્ટની સૂચનાથી ફરિયાદ નોંધાઈ
નડિયાદના સલુણ ગામના ખુસાલપુરામાં બાલુબેન રમેશભાઈ તળપદા, રમેશભાઈ સોમાભાઈ તળપદા અને મીનાબેન મનીષભાઈ તળપદાએ નડિયાદના ખાડ વિસ્તારમાં રહેતા અસોકભાઈ શનાભાઈ તળપદા સહિત ચારથી પાંચ શખ્સોના ત્રાસથી તા. ૬ ફેબુ્રઆરી ૨૦૨૪ના રોજ સામુહિક ઝેરી દવા પી લીધી હતી. પરિવાર સપ્તાહ સુધી સારવાર હેઠળ રહ્યો હતો. ત્યારે પરિવારે ઉપરોક્ત શખ્સોના ગેરકાયદે નાણાંકીય ઉઘરાણીથી ત્રસ્ત થઈ આત્પહત્યાનો પ્રયાસ કર્યાનું મામલતદારને નિવેદનમાં જણાવ્યું હતું. આ મામલે વારંવાર ફરિયાદ નોંધવા પોલીસને લેખિત અરજીઓ આપી હતી.
આટલી મોટી ઘટનામાં પણ પોલીસ ફરિયાદ નોંધવા તૈયાર નહોતી. બાદમાં પરિવારના સભ્યએ હાઈકોર્ટ સમક્ષ દાદ માંગતા હાઈકોર્ટે પોલીસનો ઉધડો લીધા બાદ નડિયાદ ગ્રામ્ય પોલીસે ફરિયાદ નોંધવાની ફરજ પડી હતી.
જેના ત્રાસથી યુવતીએ આપઘાત કર્યો તેને આગોતરા સુધી પકડયો જ નહીં
સલુણ ગામની યુવતીને માનસિક ત્રાસ આપતા આપઘાત કર્યો હોવાનું ઓક્ટોબર મહિનામાં સામે આવ્યું હતું. સલુણનો બુટલેગર અંકિત મહીડા હોસ્પિટલમાં નોકરી કરતી યુવતી સપનાને પ્રેમસંબંધ બાંધવા દબાણ કરતો હતો. ઘરે અને હોસ્પિટલે જઈ યુવતીના ફોટા વાઈરલ કરી બદનામ કરવા અને જાનથી મારી નાખવાની ધમકી અંકિત આપતો હતો. આખરે યુવતીએ સેલ્ફોસની ગોળીઓ ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. યુવતી હોસ્પિટલમાં જીવન- મરણ વચ્ચે ઝોલા ખાતી હતી ત્યારે પણ અંકિત મહીડાએ યુવતીને ધમકાવી હતી. યુવતીના મૃત્યુ બાદ તેના ભાઈએ વારંવાર ધક્કા ખાધા બાદ નડિયાદ રૂરલ પોલીસે અંતે ૧૦ દિવસ બાદ ફરિયાદ નોંધી હતી. આરોપી અંકિત મહીડા પર યુવતીના પરિવારજનોએ આક્ષેપ લગાવતા જણાવ્યું છે કે, અંકિત મહીડા રાજકીય વગર ધરાવતો હોવાથી તેની ફેબુ્રઆરી-૨૦૨૫ની શરૂઆત સુધી ધરપકડ કરાઈ નહોતી. તેને જામીન મુકવા પોલીસ સમય આપી રહી હતી. અંતે અંકિત મહીડાએ આગોતરા જામીન અરજી મૂકતા હાઈકોર્ટે નામંજૂર કરી હતી. બાદ વાસદ પોલીસે તાજેતરમાં તેને ઝડપી તેના રિમાન્ડ મેળવવાના બદલે પોલીસે કોર્ટમાં રજૂ કરી બિલોદરા જેલમાં મોકલી દીધો.