ગેંગરેપની ધમકી આપનાર આરોપીઓનું સરઘસ કાઢતી પોલીસ
રૃપિયાની ઉઘરાણી કરી મહિલાના ઘરે જઇને ધમકી આપી હતી
વડોદરા,રૃપિયાની ઉઘરાણી માટે મહિલાના ઘરે જઇ મહિલા અને તેની દીકરીને ઉપાડી જઇ ગેંગરેપ કરવાની ધમકી આપતા આરોપીઓને પોલીસે ઝડપી પાડયા હતા. પોલીસે ત્રણેયને વિસ્તારમાં ફેરવી સરઘસ કાઢતા લોકોના ટોળા ઉમટી પડયા હતા.
ખાનગી ફાઈનાન્સ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતી મહિલાએ અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, મારા પતિ શિક્ષક છે. બિલ ચાપડ રોડ પર વુડ્સ કેપ વિલામાં રહેતા પાર્થ શર્મા તથા પ્રદીપ શર્મા સાથે મારા પતિના સારા સંબંધ હતા બે વર્ષ અગાઉ પ્રદીપ શર્માનું અવસાન થયું હતું. પ્રદીપ શર્માએ કરેલા રોકાણના રૃપિયાની તકરારમાં પાર્થ શર્મા અને તેના મિત્રો ઇલિયાસ અજમેરી, સમીરખાન પઠાણ તથા બિચ્છૂ ગેંગ સાથે અગાઉ સંકળાયેલા તનવીર હુસેન વગેરે મારા ઘરે આવી બાકીના રૃપિયાની ઉઘરાણી કરતાં મારા પતિએ ૮ લાખના ચેક આપ્યા હતા. તેઓએ ધમકી આપી હતી કે, રૃપિયા નહીં મળે તો મને અને મારી દીકરીને ઉપાડી જઈ ગેંગરેપ કરશે અને મારા પતિની હાલત ખરાબ કરી નાંખશે. આ ગુનામાં પોલીસે ઇલિયાસ અજમેરી, સમીરખાન પઠાણ તથા તનવીર હુસેનની ધરપકડ કરી હતી. પોલીસ ત્રણેયને લઇને વિસ્તારમાં તપાસ માટે નીકળી હતી. ત્રણેય આરોપીઓને ચાલતા લઇ જવામાં આવતા તેઓનું સરઘસ પોલીસે કાઢ્યું હોવાની વાત વિસ્તારમાં ફેલાતા લોકોના ટોળા ઉમટી પડયા હતા.