Get The App

ભાવનગર જિલ્લામાં 1400 શંકાસ્પદ લોકોની તપાસમાં પોલીસને એકપણ ઘુસણખોર ન મળ્યો

Updated: Apr 28th, 2025

GS TEAM


Google News
Google News
ભાવનગર જિલ્લામાં 1400 શંકાસ્પદ લોકોની તપાસમાં પોલીસને એકપણ ઘુસણખોર ન મળ્યો 1 - image


- ઘુસણખોરો સામેની પોલીસની સ્ટ્રાઈક સતત બીજા દિવસે યથાવત્, શહેરના કું.વાડા ઉપરાંત અલંગ-તળાજા, મહુવામાં પણ ચેકિંગ

- એસઓજી,સ્થાનિક પોલીસના 200 પોલીસ કર્મચારીઓની અલગ-અલગ ટીમો 'ઓપરેશન ઘુસણખોર'માં જોડાઈઃ 100 શકમંદોના ડોક્યુમેન્ટસની ખરાઈના આધારે કાર્યવાહી થશે 

ભાવનગર : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકારના આદેશથી સમગ્ર રાજ્યની સાથોસાથ ભાવનગર શહેર અને જિલ્લામાં ઘુસણખોરો સામે પોલીસે શરૂ કરેલી સ્ટ્રાઈક આજે સતત બીજા દિવસે પણ ચાલી હતી. આજે પોલીસે શહેરના વિવિધ વિસ્તારો ઉપરાંત અલંગ-તળાજા, મહુવામાં ચેકિંગ હાથ કરી વધુ ૯૦૦ જેટલાં શંકાસ્પદ લોકોના ડોક્યુમેન્ટસ તપાસ્યા હતા. પરંતુ, સતત બીજા દિવસે પણ પોલીસને એકપણ શંકાસ્પદ કે ઘુસણખોર મળી આવ્યો ન હતો. ઉલ્લેખનિય છે કે, બે દિવસ દરમિયાન પોલીસે ૧૫૦૦  શંકાસ્પદ લોકોની હાથ ધરેલી તપાસ પૈકી ૧૦૦ લોકો સામેની શંકા પ્રબળ બનતાં તેમના તેમના ડોક્યુમેન્ટસની ખરાઈ શરૂ કરી છે. એ સિવાય ૧૪૦૦ શકમંદોની તપાસમાં પોલીસને એકપણ શંકાસ્પદ કે ઘુસણખોર મળ્યો ન હતો.  

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકારના આદેશથી ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશી સહિતના વિદેશી ઘુસણખોરોને ઝડપી પાડવા'ઓપરેશન ઘુસણખોર' શિર્ષક તળે ભાવનગર પોલીસે સ્પેશયલ ઓપરેશન ગુ્રપના નેતૃત્વ નીચે ૨૦૦થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓની અલગ-અલગ ટીમો બનાવી ગત શનિવારે  શહેરના છેવાડે આવેલાં વિવિધ વસ્તારોમાં વિશેષ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં પ્રથમ દિવસે ૬૦૦ લોકોના આધાર-પુરાવાની તપાસ કરવામાં આવી હતી. જો કે, પ્રથમ દિવસે એકપણ શંકાસ્પદ નાગરિક મળી આવ્ય ન હતો દરમિયાનમાં આજે સતત બીજા દિવસે પણ પોલીસના મસમોટા કાફલાએ ભાવનગર શહેરના કુંભારવાડાના અમુક વિસ્તારો ઉપરાંત, જિલ્લાના તળાજા, અલંગ ગામ તથા અલંગ શિપ યાર્ડમાં આવેલી મજુર કોલોની, મહુવામાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશી સહિતના વિદેશી ઘુસણખોરોને શોધવા ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં આજે દિવસના અંતે કુલ ૯૦૦ શંકાસ્પદ અને પરપ્રાંતિય લોકોના ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવી હતી. જો કે આજે સતત બીજા દિવસે પણ ચેકિંગ દરમિયાન પોલીસને કોઈ શંકાસ્પદ નાગરિક મળ્યો ન હોવાનું સતાવાર સૂત્રોએ વિગત આપતાં જણાવ્યું હતું આમ, ભાવનગર પોલીસ દ્વારા શહેર અને જિલ્લામાં ગત શનિવાર અને આજે રવિવાર એમ બે દિવસ દરમિયાન ભાવનગર ડિવિઝનના ૧૨ વિસ્તારો, પાલિતાણા ડિવિઝનના ૮ વિસ્તારો અને મહુવા ડિવિઝનના ૬ વિસ્તારો મળી કુલ ૨૬ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરી કુલ ૧૫૦૦ શંકાસ્પદ લોકોના ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવી હતી, જો કે, ૧૫૦૦ પૈકી ૧૦૦ લોકોના ડોક્યુમેન્ટસમાં પોલીસને શંકા જાગી હતી. જેના પગલે તેમનારહેઠાણના પુરાવાથી લઈ વિવિધ ડોક્યુમેન્ટસની ખરાઈ હાથ ધરી છે. જેમાં પણ બીજા દિવસે પોલીસને કોઈ ફળદાયી પરિણામ મળ્યું ન હતું. જો કે, તમામની ખરાઈ બાદ તેના આધારે કાર્યવાહી થશે. તેમ જિલ્લા પોલીસ વડાએ વિગતો આપતાં જણાવ્યું હતું. આગામી દિવસોમાં પણ ગેરકાયદેસર વસતા ઘુસણખોરોને ઝડપી પાડવા પોલીસ દ્વારા આવી રીતે ચેકિંગ હાથ ધરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.

બાંગ્લાદેશ સાથે સરહદ ધરાવતા રાજ્યોના નાગરિકોની ઝીણવટભરી તપાસ

બે દિવસ દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવેલા ચેકિંગમાં ભાવનગરમાં મોટાભાગે ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, ઝારખંડ અને ઓરિસ્સાના નાગરિકાનો વસતા હોવાનું સામે આવ્યું છે. જેમાં પોલીસ દ્વારા બાંગ્લાદેશ સાથે સરહદ ધરાવતા રાજ્યો અને ખાસ કરીને પશ્ચિમ બંગાળના નાગરિકોના ડોક્યુમેન્ટની ઝિણવટભરી તપાસ કરવામાં આવી રહી હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.

Tags :