સ્વામિનારાયણ મંદિરમાં સ્વામીના 2 જૂથ વચ્ચે મારામારી અટકાવવા પોલીસ બંદોબસ્ત
બગસરાના સ્વામિનારાયણમંદિરમાં સંતો વચ્ચે વિવાદ : સંતોના અલગ અલગ જૂથ : સાંજના સમયે હજારો હરિભક્તોના ટોળાં ઉમટી પડયા : પોલીસે સંતોને ઉપદેશ આપી સમજાવવા પડયા!
બગસરા : બગસરા સ્વામિનારાયણ મંદિરમાં છેલ્લા ઘણા દિવસોથી સંતો વચ્ચે વિવાદ હોવાની ચર્ચા લોકોમાં થઈ રહી છે. જેને પગલે શનિવારે સંતો વચ્ચે મારામારી થવાની દહેશતે રાત્રે પોલીસ દ્વારા બંદોબસ્ત કરવાની ફરજ પડી હતી. અહી નવા સંતો અને જૂના સંતોના બે જૂથ પડી ગયા છે. મંદિરમાં ચડસાચડસી વધી ગઈ છે. તેમજ સભા પણ બે થાય છે. આની વચ્ચે બે જુથ વચ્ચે મારામારી થવાની શક્યતા ખડી થઈ જતાં તેમજ હરિભક્તોના ટોળેટોળા ઉમટી પડતાં ભગવાધારીઓને કાબૂમાં લેવા પોલીસ દોડી આવી હતી. પોલીસે સંતોને ઉપદેશ આપવાની ફરજ પડી હતી.
મળેલ માહિતી મુજબ બગસરા સ્વામિનારાયણ મંદિર ખાતે છેલ્લા ઘણા દિવસોથી નવા અને જૂના સંતો વચ્ચે અનેક બાબતોએ વિવાદ ચાલતો હોવાની વાત બહાર આવી હતી. જેને પગલે વારંવાર સંતો વચ્ચે ઉગ્ર બોલાચાલી થયેલ હોવાનું પણ હરિભક્તો વચ્ચે ચર્ચાય રહ્યું છે. આજે સંતો વચ્ચેનો વિવાદ વધતા બગસરા સ્વામિનારાયણ મંદિર ખાતે સાંજના સમયે પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડયો હતો. સાથે સાથે આ ઘટનાને પગલે સાંજના સમયે અનેક હરિભક્તોના ટોળેટોળા મંદિર પરિસરમાં આવી પહોંચ્યા હતા. પોલીસ દ્વારા આ વિવાદને શાંત પાડવા માટે તેમજ સંતો વચ્ચે ચાલી રહેલા ઝઘડાને પૂરો કરવા માટે પ્રયત્ન કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી મંદિરના મુખ્ય સંતો બહાર હોવાથી નાના સંતો વચ્ચે વારંવાર ઝઘડા થતા હોવાથી આવા બનાવો બની રહ્યા છે. મંદિરમાં છેલ્લા ઘણા સમયથી બે અલગ અલગ સભાઓ પણ થઈ રહી હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. જોકે સમગ્ર ઘટનાને પગલે હાલ કોઈ પોલીસ ફરિયાદ નોંધવામાં આવેલ નથી. ધામક આસ્થાના સ્થળોમાં આવી ઘટના બનતા ચર્ચાનો વિષય બનેલ છે