Get The App

વડોદરામાં વિશ્વામિત્રીએ ભયજનક સપાટી વટાવી, શહેરમાં પાણી ઘૂસતા બ્રિજ બંધ, પોલીસ તહેનાત

Updated: Jul 25th, 2024


Google NewsGoogle News
વડોદરામાં વિશ્વામિત્રીએ ભયજનક સપાટી વટાવી, શહેરમાં પાણી ઘૂસતા બ્રિજ બંધ, પોલીસ તહેનાત 1 - image


Vishwamitri river rising water level: વડોદરામાં બુધવારે પડેલા અનરાધાર વરસાદના કારણે શહેરના તમામ વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા. જો કે હજુ સુધી કેટલાક વિસ્તારોમાંથી પાણી ઉતર્યા નથી, ત્યારે ફાયર બ્રિગેડ દ્વારા ગઈકાલે પણ 500 ઉપરાંતના લોકોનું રેસ્ક્યુ કરી સહી સલામત સ્થળે ખસેડ્યા હતા. અકોટા ગામ વિસ્તારમાં ફસાયેલા 20 જેટલા લોકોને રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા. બીજી તરફ વિશ્વામિત્રની સપાટી 29 ફૂટ વહી રહી હોય કોઈ દુર્ઘટના ન સર્જાય તેના માટે ટ્રાફિક સહિતના પોલીસ જવાનોને બ્રિજ પર તહેનાત કરી દેવાયા છે. હાલમાં કાલા ઘોડા બ્રિજ બંધ કરવામાં આવ્યો છે.

 કાલા ઘોડા બ્રિજ બંધ કરાયો, આજવાનું પાણી છોડવાનું શરૂ

વડોદરાના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં આજવા સરોવરના પાણીને કારણે સપાટી વધતી હોય છે અને શહેરમાં તેના પાણી પ્રવેશતા હોય છે. જેને કારણે ગઈકાલે રાતથી કોર્પોરેશન દ્વારા નીચાણવાળા વિસ્તારોના રહેવાસીઓને સ્થળાંતર કરવા લાઉડ સ્પીકરથી અપીલ કરવામાં આવી હતી. 

આ પણ વાંચો : વડોદરામાં 13 ઇંચ ખાબક્યા બાદ મેઘરાજાના ખમૈયા, વિશ્વામિત્રીએ ભયજનક સપાટી વટાવી, જનજીવન ઠપ

વડોદરામાં વિશ્વામિત્રીએ ભયજનક સપાટી વટાવી, શહેરમાં પાણી ઘૂસતા બ્રિજ બંધ, પોલીસ તહેનાત 2 - image

વડોદરા શહેર પોલીસ દ્વારા બ્રિજના બંને બાજુએ બેરીગેટ મૂકીને અવરજવર બંધ કરી દેવામાં આવી હતી. હજી એકાદ બે ફૂટ સપાટી વધતા બાકીના વિસ્તારોના બ્રિજ પણ બંધ કરવામાં આવશે. જેથી વડોદરામાં વિશ્વામિત્રીનો પૂર્વ અને પશ્ચિમ ભાગ અલગ પડી જશે.

વડોદરા શહેરમાં વરસેલા ભારે વરસાદના કારણે સમગ્ર શહેર પાણીથી જળબંબાકાર થઈ ગયું હતું. શહેરના વિવિધ વિસ્તારોના તમામ રસ્તાઓ પાણીથી તરબોળ બની ગયા હતા. વરસાદી પાણીમાં વાહનો ફસાઈ જવાના કારણે લોકો વાહનો ત્યાં છોડીને પોતાના ઘરે ચાલતા રવાના થયા હતા. તારે હજુ પણ કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઓસર્યા નથી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા 24 જુલાઈએ પણ નીચાણવાળા વિસ્તારોમાં ફસાઈ ગયેલા 500 ઉપરાંતના લોકોનું રેસ્ક્યુ કરીને તેમને સહી સલામત સ્થળ પર મોકલી આપવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : વડોદરામાં 2019માં વરસાદ અને પૂરના કારણે સર્જાયેલી તારાજી જેવા દ્રશ્યો ફરી સર્જાયા

વડોદરામાં વિશ્વામિત્રીએ ભયજનક સપાટી વટાવી, શહેરમાં પાણી ઘૂસતા બ્રિજ બંધ, પોલીસ તહેનાત 3 - image

ત્યારે આજે પણ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા અકોટા ગામના દેવનગર ઝુપડપટ્ટી વિસ્તારમાં ફસાઈ ગયેલા 20 જેટલા લોકોને પાણીમાંથી રેસ્ક્યુ કરી સહી સલામત સ્થળે ખસેડ્યા હતા. બીજી તરફ પાણીનું સ્તર સતત વધવાના કારણે વિશ્વામિત્રી નદી 29 ફૂટની સપાટીએ વહી રહી છે.

કોઈ દુર્ઘટના ન સર્જાય તેના માટે વડોદરા શહેર અને ટ્રાફિક પોલીસ પોલીસ દ્વારા વિશ્વામિત્રીના તમામ બ્રિજ ઉપર ટ્રાફિકના જવાનો તથા સ્થાનિક પોલીસના માણસોને તહેનાત કરી દેવામાં આવ્યા છે. બ્રિજ પરનો રસ્તો પણ અધિકારીઓની સૂચના મુજબ બંધ કરવામાં આવશે તેમ પણ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.


Google NewsGoogle News