સુરતમાં અકસ્માતના ચાર બનાવમાં ચારના મોત, અજાણ્યા વાહને ટક્કર મારતા પોલીસ કોન્સ્ટેબલનું મોત
Road Accident: સુરતમાં માર્ગ અકસ્માતના ચાર બનાવોમાં સચિન સાતવલ્લા બ્રિજ ઉપર અજાણ્યા વાહને બાઈકને ટક્કર ગંભીર ઈજા થતા વેસુ પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલનુ મોત નીપજ્યું હતું. બીજા બનાવમાં કાપોદ્રામાં ખાનગી હોસ્પિટલમાં રસી મુકાવીને આવતી વખતે બાઈક પરથી દાદી અને એક દિવસનો પૌત્ર નીચે પડી ગયા હતા. જેમાં ઈજા થતા પૌત્ર મોતને ભેટયો હતો. ત્રીજા બનાવમાં પાંડેસરામાં ચાર દિવસ પહેલા બાઇક સ્લીપ થતા ઇજા પામેલા યુવાનનું સારવાર દરમિયાન આજે મોત થયું હતું. ચોથા બનાવમાં ઉત્રાણમાં ગત સાંજે ડમ્પરે મોપેડને અડફેટે લેતા ઇજા પામેલા પ્રોઢનું મોત થયુ હતું.
નવી
સિવિલથી મળેલી વિગત મુજબ મૂળ મહુવા તાલુકામાં વાછાવાડગામમાં નાયકાવાડ ફળિયાના વતની
અને હાલમાં લિંબાયત નીલગીરી ખાતે જવાહર
મોહલ્લામાં સંબંધીના ત્યાં રહેતા ૫૩ વર્ષીય રાજુભાઈ ભાણાભાઈ નાયકા હાલમાં સુરતના
વેસુ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે પીસીઆર વેન પર ફરજ બજાવતા હતા.
જોકે સોમવારે રાત્રે તેઓ નોકરી પુરી કર્યા બાદ બાઈક પર ઘરે જવા માટે નીકળ્યા હતા.
તે સમયે સચિન -પલસાણા રોડ સાતવલ્લા બ્રિજ પર બાઇકને અજાણયા વાહનના ચાલકે ટક્કર મારીને
ભાગી છુટયો હતો. જેમાં તેમને ગંભીર ઈજા થતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં
ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. જયારે
રાજુભાઈને સંતાનમાં બે પુત્રો અને એક પુત્રી છે.તેઓ છેલ્લા 32 વર્ષથી પોલીસ
ખાતામાં ફજર બજાવતા હતા.તેમના મોતને પગલે પરિવારમાં માતમ છવાઇ ગઇ હતી. આ અંગે સચિન
જીઆઇડીસી પોલીસે તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં વરાછા રોડ પર સપના સોસાયટીમાં રહેતી રશ્મીકા નિતીન વાઝાને ત્રણ દિવસ પહેલા પ્રસૃતિની પીડા થતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી. ત્યાં તેને નવજાત બાળકો જન્મ થતા પરિવારમાં ખુશી છવાઇ ગઇ હતી. બાદમાં ગત સવારે રશ્મીકાના પતિ નિતીનભાઇ અને બાળકની દાદી સાથે તેમના એક દિવસના બાળકને બાઇક પર કાપોદ્રામાં હોસ્પિટલમાં રસી મુકાવીને આવતા હતા. ત્યારે વરાછા રોડ પર શૌચાલય પાસે ગાયત્રી સોસાયટી પાસે પુરપાટ હંકારતા અન્ય બાઇક ચાલક તેમની બાઇક પાસે પસાર થયો હતો. જેથી નાની ગભરાઇ જતા બાળક સાથે બાઇક ઉપર નીચે પડી ગયા હતા. જેમાં બાળકને ઇજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ બાદ સ્મીમેર હોસ્પિટલમાં લઇ ગયા હતા. જયાં ફરજ પરના ડોકટરે બાળકને મૃત જાહેર કર્યો હતો. જયારે દાદીને ઇજા થઇ નહી હોવાનું સુત્રો જણાવ્યું હતું. જયારે નિતીનભાઇ મુળ અમરેલીના વતની હતા. તે રત્નકલાકારનું કામ કરતો હતો. આ અંગે કાપોદ્રા પોલીસે તપાસ હાથ ધરી છે.
ત્રીજા બનાવમાં વેલંજામાં સૌરાષ્ટ્ર ચોકડી પાસે શુભમ રો-હાઉસમાં રહેતા 58 વર્ષીય જયતીભાઇ અરવિંદભાઇ વાટલીયા ગત સાંજે વરાછા ખાતે મોપેડ પર ઘરે જવા નીકળ્યા હતા. તે સમયે ઉત્રાણ રોડ દુખીયાના દરબાર રોડ વેદાંત બંગ્લોઝ પાસે ડમ્પર ચાલકે મોપડને અડફેટે લીધુ હતું. જેમાં તેને ગંભીર ઇજા થતા ધટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નીંપજયું હતું. જયારે જયતીભાઇ મુળ જામનગરમાં કાલાવાડમાં ઉમરાળાગામના વતની હતા. તે હીરાનું કામ કરતા હતા. તેમને સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર પોલીસકર્મી તરીકે ફરજ બજાવે છે. આ અંગે ઉત્રાણ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ચોથા બનાવમાં પાંડેસરામાં ચીકુવાડી પાસે રહેતો 35 વર્ષીય શશી ભુષણ યાદવ ગત 13મી સાંજે બાઇક પર જતો હતો. ત્યારે પાંડેસરામાં ચીકુવાડી બી.આર.ટી.એસ પાસે બાઇક સ્લીપ થતા તેને ઇજા થતા સારવાર માટે નવી સિવિલમાં દાખલ કર્યો હતો. ત્યાં સારવાર દરમિયાન આજે બપોરે તેનું મોત થયું હતું. તે મુળ ઉતરપ્રદેશમાં દેવરીયાનો વતની હતો. તેને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. તે ડાંઇગ મીલમાં નોકરી કરતો હતો.