બોટાદના ગડઢામાં પોલીસ કોન્સ્ટેબલે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી, અમદાવાદનો રહેવાશી હતો
Ahmedabad Gadhada Police Constable News | બોટાદના ગડઢાથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ જિલ્લાના ધંધૂકાના રહેવાશી અને ગઢડા પોલીસમાં ફરજ બજાવતા 28 વર્ષના પ્રહલાદ બાવળીયાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા પોલીસ વિભાગમાં સોંપો પડી ગયો હતો. ઉલ્લેખનીય છે કે જ્યારે ધૂળેટીએ રાજ્યભરમાં ઉજવણીનો માહોલ હતો ત્યારે જ પોલીસ જવાન દ્વારા આત્મહત્યા કરી લેવાની આવી ઘટના બની હતી.
કેમ કરી આત્મહત્યા?
ઘટનાની જાણ થતાં જ પ્રહલાદના ઘરે પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેમને મૃત જાહેર કરી દેવામાં આવ્યો હતો. જોકે ઘટનાસ્થળેથી હજુ કોઈ સ્યુસાઇડ નોટ જેવું મળ્યું નથી એટલા માટે કયા કારણોસર આત્મહત્યા કરી તે તપાસનો વિષય છે.
પોલીસે શું કહ્યું?
માહિતી અનુસાર પ્રહલાદ બાવળીયા કોન્સ્ટેબલ તરીકે ગઢડા પોલીસમાં ફરજ બજાવતો હતો. આ મામલે ગઢડા પોલીસના ટોચના અધિકારીએ માહિતી આપી હતી કે પ્રહલાદ છસીયાણા, ધંધૂકાના રહેવાશી હતા. તે ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. પ્રહલાદે પોતાના ઘરે જ આત્મહત્યા કરી હતી. હાલમાં તેમનો મૃતદેહ કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે અને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.