દારૂની ખાલી બોટલો જ્યાં ત્યાં કેમ રાખો છો..? વડોદરામાં નશેબાજ પતિએ પત્નીને ઢોર માર મારતા પરિણીતાની પોલીસ ફરિયાદ
Vadodara : વડોદરાના ગોરવા વિસ્તારના રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટના મકાનમાં દારૂની ખાલી બોટલો વેર વિખેર પડી હોવાથી ઘરમાં કચરો કેમ ભરી રાખો છો એમ કહેતા રેલવે સ્ટેશને નાસ્તાની લારી પર રાતપાળી કરી નોકરી કરતા ઉશ્કેરાયેલા દારૂડિયા પતિએ અસહ્ય માર મારતા પરિણીતાએ ગોરવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ગોરવા વિસ્તારના રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટમાં રહેતી પરિણીતા વંદનાબેનના લગ્ન પરેશભાઈ અગ્રવાલ સાથે 2017માં થતા પરિણીતા પુત્રી (ઉં-7)ની માતા બની હતી. રેલ્વે સ્ટેશને નાસ્તાની લારીએ નાઈટશિફ્ટ કરતો પતિ અવારનવાર દારૂ ઢીંચીને પરિણીતાની મારઝુડ કરતો હતો. પરંતુ લગ્નજીવન ન તૂટે એવા ઇરાદે પરિણીતા પતિનો ત્રાસ મૂંગે મોઢે સહન કરતી હતી. પરંતુ પતિ પરેશ અગ્રવાલ નોકરી પરથી દારૂ પીધેલી હાલતમાં પરત આવ્યો હતો ત્યારે ઘરમાં ચારે બાજુએ દારૂની ખાલી બોટલો વેર વિખેર પડી હતી. આ અંગે પરિણીતાએ ઘરમાં કચરો કેમ ભરી રાખો છો એવો ઠપકો આપ્યો હતો. જેથી ઉશ્કેરાયેલા દારૂડિયા પતિએ પરિણીતાને ઢોર માર માર્યો હતો. અસહ્ય માર માર્યા બાદ પતિએ પરિણીતા વંદનાબેને છૂટાછેડા આપવાની ધમકી આપી હતી. જેથી ગભરાયેલી પરિણીતાએ બનાવ અંગે ગોરવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.