ભચાઉનાં શખ્સે વ્યાજે રૂપિયાની ઉઘરાણી કરી ધમકી આપતાં પોલીસ ફરિયાદ
50 હજાર સામે 48 હજાર રૂપિયાની વસૂલી કરી છતાં વ્યાજ પેટે વધુ 50 હજાર રૂપિયાની માંગણી કરી
ભચાઉનાં સિતારામપુરામાં રહેતા હીરુબેન નટુભાઈ લુહારે ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતુ કે, ફરિયાદીને હોસ્પિટલમાં સારવાર અર્થે રૂપિયાની જરૂરત પડતા ફરિયાદીએ એક વર્ષ પહેલા તેમના વિસ્તારમાં જ રહેતા ભચુભાઈ ખલીફા પાસે પોતાના સોના - ચાંદીનાં દાગીના ૫૦ હજાર રૂપિયામાં ગીરવે મૂકી ૧૦ ટકા વ્યાજ પર રૂપિયા લીધા હતા. જેમાં ફરિયાદી આરોપીને છેલ્લા એક વર્ષથી દર મહિને વ્યાજ પેટે ૪ હજાર રૂપિયા ચૂકવતા હતા. જેમાં છેલ્લા એક વર્ષ દરમિયાન ફરિયાદીએ આરોપીને કુલ ૪૮ હજાર રૂપિયા વ્યાજ પેટે ચૂકવી આપ્યા હતા. ફરિયાદી ગત ૨૦ ડિસેમ્બરનાં આરોપી ભચુભાઈનાં ઘરે રોકડા રૂપિયા ૫૦ હજાર લઇ પોતાનાં સોના - ચાંદીનાં દાગીના છોડાવવા ગઈ ત્યારે આરોપીએ સોના - ચાંદીનાં દાગીનાનાં બદલે ફરિયાદી પાસે વધુ એક લાખ રૂપિયાની માંગણી કરી હતી અને ફરિયાદીને ગાળો આપી તેના દિકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ફરિયાદીએ આરોપી વિરુદ્ધ ગુજરાત નાણાં ધીરધારનાં અધિનિયમ હેઠળ ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.