એમજીરોડ પર રણછોડજીના મંદિરે તા.11મીએ તાેપ ફૂટશે કે કેમ,પોલીસ કમિશનરે ઐતિહાસિક તોપનું નિરીક્ષણ કર્યું
વડોદરાઃ એમજી રોડ પર આવેલા રણછોડજીના મંદિરે તોપ ફોડવાની દોઢસો વર્ષની પરંપરા ૩૦ વર્ષથી બંધ થવાના વિવાદને પગલે આજે પોલીસ કમિશનરે તોપનું નિરીક્ષણ કર્યું હતું.
માંડવી નજીક આવેલા રણછોડજીના મંદિરે દોઢસો વર્ષથી ભગવાનના વરઘોડા દરમિયાન તોપ ફોડવામાં આવતી હતી.પરંતુ સુરક્ષાના કારણોસર છેલ્લા ત્રણ દાયકાથી તેને મંજૂરી આપવામાં આવતી નહતી. મુખિયાજી જનાર્દન ભાઇએ ચંપલ નહિ પહેરવાની બાધા પણ લીધી હતી.જે બાધા કોર્ટની અંશતઃમંજૂરી બાદ પુરી થાય તેવી આશા બંધાઇ હતી.
કોર્ટે સુરક્ષાના પાસાને મહત્વ આપી પુરતી ચકાસણી કર્યા પછી જ મંજૂરી અંગે પ્રશાસન નિર્ણય લે તેવી સૂચના આપી હતી.જેને પગલે તા.૨૬મી નવેમ્બરે વિજયયાત્રા કાઢવામાં આવનાર હતી.પરંતુ પોલીસે મંજૂરી નહિ આપતાં વિજયયાત્રા રદ કરવામાં આવી હતી.
તોપનો વિવાદ ઉકેલવા માટે પોલીસ કમિશનર નરસિમ્હા કોમર ખુદ તોપનું નિરીક્ષણ કરવા મંદિરે પહોંચ્યા હતા.તેમણે મહંતના પરિવારજનો સાથે ચર્ચા કરી મંદિરના ઇતિહાસ તેમજ દસ્તાવેજોની ચર્ચા પણ કરી હતી.જેથી હવે આગામી તા.૧૧મીએ મોક્ષદા એકાદશીએ તોપ ફોડવામાં આવશે કે કેમ તે મુદ્દો ભક્તોમાં ચર્ચાનો વિષય બન્યો છે.