રાજકોટમાં થર્ટી ફર્સ્ટ અન્વયે પોલીસનું ચેકીંગ, 28 પીધેલા, 5 છરી સાથે ઝબ્બે
ગમે ત્યારે માથાકૂટ કરવા છરી રાખીને,દારૂ ઢીંચીને રખડતા લુખ્ખાઅ
શિયાળામાં દારૂ જીવલેણ નિવડી શકે છતાં પીવાય છે, રોજ ચાર સ્થળોએ સરેરાશ ૨૫૦ને ટ્રાફિક દંડ, ૧૨૫ના શ્વાસોશ્વાસનું ચેકીંગ વધારવું જરૂરી
રાજકોટ: રાજકોટમાં વીસલાખની વસ્તીમાં મોટાભાગની વસ્તી શાંતિપ્રિય છે, પરંતુ, કેટલાક આવારા તત્વો ગમે ત્યારે, ગમે તેની સાથે વાહન અથડાતા રહી ગયું હોય તો પણ મારામારી,માથાકૂટ કરવાની કુટેવ ધરાવતા હોય છે અને આવા ગણ્યાગાંઠયા શખ્સો છરી રાખીને દારૂ ઢીંચીને શહેરમાં નીકળતા હોય છે અને શાંતિને ડહોળતા હોય છે. આવા તત્વો સામે પોલીસે રાત્રિના બે કલાક કામચલાઉ સમયનું ચેકીંગ હાથ ધર્યું છે જેમાં વધુ ૨૮ શખ્સો દારૂ પીને નીકળેલા તથા પાંચ છરી-તલવાર સાથે ઝડપાયા હતા.
પોલીસસૂત્રો અનુસાર તા.૨૩ના શહેરના ચાર ચોકમાં ૨૪૩ વાહનચાલકોને ટ્રાફિક નિયમના ભંગ બદલ દંડ કરાયો હતો જ્યારે ૭ વાહનો ડીટેઈન કરીને ૧૨૯ શખ્સોનું બ્રેથ એનેલાઈઝર મારફત તેણે દારૂ પીધો છે કે કેમ તે ચકાસવા ચેકીંગ કરાયું હતું. જ્યારે ગઈકાલે રાત્રિના આ જ રીતે ૨૪૫ને ટ્રાફિક દંડ કરાયો, ૧૧ વાહનો ડીટેઈન કરાયા અને ૧૨૯નું બ્રેથ એનેલાઈઝર દ્વારા ચેકીંગ કરાયું હતું. આમ, રોજ રાત્રિના ૮થી ૧૦ બે કલાક પુરતું દૈનિક સરેરાશ અઢીસોને દંડ અને સવાસોના શ્વાસોશ્વાસનું ચેકીંગ કરાય છે. પરંતુ, આ ચેકીંગને સરપ્રાઈઝ, વધુ સમય માટે અને વધુ સ્થળોએ આંતરિક માર્ગોમાં પણ કરવાની જરૂર છે.
ઉલ્લેખનીય છે કે રાત્રિના સમયે ઘણા શખ્સો ટ્રીપલ સવારીમાં કે ડબલ સવારીમાં ચિચિયારી પાડતા ધૂમ સ્ટાઈલથી નીકળે છે, રસ્તે ગમે તેમ વાહન હંકારે છે અને ટુ વ્હીલર કે કાર વચ્ચે ઘુસાડી દે છે અને કોઈ સભ્ય પરિવાર સાથે પણ જાહેરમાં માથાકૂટ કે મારામારી કરતા પણ ખચકાતા નથી. આવા તત્વો સામે હળવાને બદલે વધુ કડક પગલા લેવાય તેવી શાંતિપ્રિય લોકોની પણ તીવ્ર માંગ છે.