Get The App

લઠ્ઠાકાંડને સોડાકાંડમાં ખપાવવા પોલીસના હવાતિયા

Updated: Feb 11th, 2025


Google NewsGoogle News
લઠ્ઠાકાંડને સોડાકાંડમાં ખપાવવા પોલીસના હવાતિયા 1 - image


- નડિયાદના જવાહરનગર વિસ્તારમાં દેશી દારૂ પીધા બાદ ત્રણેય મૃત્યુ પામ્યા : પરિવારજનો

- એક જ જીરા સોડા પીધા બાદ ત્રણેય વ્યક્તિ પાંચ મિનિટ તરફડિયાં ખાધા હોવાનું જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાનું રટણ બાળકને પણ ખબર પડે કે સોડા પીવાથી શું થાય ? : સિરપકાંડ જેવો ડાઘ ન લાગે તે માટે પોલીસના પ્રયાસો શરૂ

નડિયાદ : નડિયાદ ટાઉન પોલીસની હદમાં રવિવારે રાતે જવાહરનગર વિસ્તારમાં બુટલેગરના ત્યાંથી દેશી દારૂ પીધા બાદ ત્રણ વ્યક્તિઓ મૃત્યુ પામ્યા હતા. દારૂ પીધા બાદ મૃત્યુ થયું હોવાનું મૃતકોના પરિવારજનોએ ખૂદ વારંવાર જણાવ્યું હતું. ત્યારે સોમવારે સવારે જિલ્લા પોલીસ અધિક્ષકે લઠ્ઠાકાંડ નહીં પરંતુ સોડા પીવાના કારણે મૃત્યુ થયું હોવાની વિગતો રજૂ કરી છે. ત્યારે સમગ્ર ઘટનાને લઠ્ઠાકાંડમાંથી સોડાકાંડ તરફ લઈ જવાના પોલીસ તંત્ર પ્રયાસ કરતું હોવાનું લાગી રહ્યું છે. 

નડિયાદના જવાહરનગર વિસ્તારમાં દેશી દારૂની હાટડીઓ ખુલ્લેઆમ ધમધમી રહી છે. આ વચ્ચે દેશી દારૂના બંધાણી બનેલા કનુભાઈ ચૌહાણ, યોગેશ કુશવાહા અને રવિન્દ્ર રાઠોડનું ગતરોજ શંકાસ્પદ મૃત્યુ થયું અને આ મૃતકોના પરિવાર દ્વારા દેશી દારૂ પીધા બાદ મૃત્યુ થયાનો આક્ષેપ કર્યો હતો. એટલુ જ નહીં, મૃતકો જ્યાં લથડિયા ખાઈને પડયાં ત્યાં ૨૦ મીટરના અંતરે જ દેશી દારૂનો અડ્ડો છે. મૃતકોના પરીજનોના જણાવ્યા મુજબ આ જ અડ્ડા પર તેઓ દારૂ પીતા હતા અને ગતરોજ અચાનક તેઓ નજીકમાં લથડી પડયા અને બાદમાં મૃત્યુ થયું છે. જેથી શહેરભરમાં લઠ્ઠાકાંડ ગુંજી ઉઠયો હતો. 

આજે આ મામલે જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાએ જણાવ્યું છે કે, ત્રણેય ઈસમોએ જીરા સોડાની એક બોટલમાંથી પ્રવાહી પીધા બાદ ત્રણેય લોકો એક બાદ એક પાંચથી સાત મિનિટના અરસામાં લથડિયા ખાવા લાગ્યા અને ઢળી પડયા. જ્યાં તેમને હોસ્પિટલ લઈ જવાયા અને તેમને મૃત જાહેર કરાયા હતા. સોડા પીધા બાદ માત્ર પાંચેક મિનિટમાં આ પ્રકારનું રિએક્શન આવવું તે અંગે ઝેરી દ્રવ્ય અંદર ભેળવ્યું હોય તેવી આશંકાઓ પોલીસ વડાએ વ્યક્ત કરી છે. આ દિશામાં પોલીસ તપાસ કરી રહી હોવાનું પણ જણાવ્યું છે. 

એક જ બોટલમાંથી ૩ લોકોએ પીણુ પીધુ અને તેમનું મોત થયું, તે અનેક શંકાઓ જન્માવે છે. હાલ એફએસએલની ટીમ દ્વારા પણ તપાસ શરૂ કરાઈ છે. પોલીસની આ સોડા થિયરી અંગે અનેક પ્રશ્નાર્થ પણ ઉઠયા છે. પોલીસે પ્રત્યદર્શીના ઓથા હેઠળ આખી થિયરી રજૂ કરી છે. એટલુ જ નહીં, અહીંયા ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થતું હોવાનું પણ સ્પષ્ટ દેખાયું છે. જેથી સોડાની થિયરી લઠ્ઠાકાંડ પર પડદો પાડવા માટે છે કે કેમ? તે અંગે અનેક શંકાઓ ઉઠી છે.

નાના બાળકને પણ ખબર પડે કે સોડાં પીવાથી શું થાય ત્યારે જિલ્લા પોલીસ નશાકારક દેશી દારૂ પીવાના લીધે થયેલા મૃત્યુને સોડાના પિણાંમાં ખપાવી હાસ્યાસ્પદ વાત કરી રહી છે. સિરપકાંડ જેવો ડાઘ ન લાગ

તે માટે નડિયાદ સહિત જિલ્લાની પોલીસ પ્રયાસો કરતી હોય તેવી ચર્ચાએ જોર પકડયું છે. 

સીરપકાંડમાં દિવસો લાગ્યા, લઠ્ઠાકાંડનો રિપોર્ટ ફક્ત 12 જ કલાકમાં ?

સવા વર્ષ પહેલા નડિયાદ ગ્રામ્ય વિસ્તારોમાં આયુર્વેદિક સીરપના નામે નશાયુક્ત પ્રવાહી પીધા બાદ ૭ના મોત થયા હતા. તે વખતે મૃતકોના સેમ્પલ લીધા બાદ રિપોર્ટ આવતા દિવસોના દિવસો વીતિ ગયા હતા. હવે જ્યારે લઠ્ઠાકાંડનો મામલો આવ્યો છે, ત્યારે મોડી રાતે ૯ વાગે ઘટના સામે આવી અને સવારે ૧૦ વાગે તો રિપોર્ટ આવી ગયો છે. ખેડા એસપીએ જણાવ્યું છે કે, મિથેનોલ ન મળ્યો હોવાનું રિપોર્ટમાં તારણ આવ્યું છે. 

એસએમસી, એફએસએલ સહિતની ટીમોએ તપાસ શરૂ કરી

મોડી રાતે ઘટના બન્યા બાદ તાત્કાલિક ગાંધીનગરથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ આવી પહોંચી હતી. નડિયાદ એસઓજી, એલસીબી અને ટાઉન પોલીસ સહિતની ટીમો મોડી રાત સુધી દોડતી રહી હતી. તેમજ બુટલેગરોને પણ રાઉન્ડઅપ કરી અને તપાસ આદરી હતી.

પોલીસે બુટલેગરોને રાઉન્ડઅપ કર્યા

જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાએ જણાવ્યુ હતુ કે, ઘટનાની જાણ થયા બાદ તુરંત જ આખા વિસ્તારમાંથી જે અગાઉ લિસ્ટેડ હોય અને પોલીસના હીટલિસ્ટમાં હોય, તેમજ દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા હોય તેવા બુટલેગરોને રાઉન્ડઅપ કરી અને તેમની પણ પૂછપરછ ચાલી રહી છે. આ રાઉ્ડઅપ કરાયેલા બુટલેગરોમાં ગલ્યાની પણ અટકાયત કરાઈ હતી.

જો સોડાકાંડ હોય તો આ પ્રશ્નો વણઉકલ્યા

સોડા પીધી તો કયા સ્થળે?

સોડા ક્યાંથી ખરીદી?

સોડાની બ્રાંડ કઈ?

ત્રણેક મૃતકો એકબીજાના પરીચિત હતા કે કેમ?

સોડામાં ઝેરી પ્રવાહી હોય તો મૃતકોને સ્વાદમાં ફેર કેમ ન લાગ્યો?

માત્ર એક જ સોડામાં ઝેરી દ્રવ્ય કેવી રીતે આવ્યું?

આ પોલીસ અધિકારીઓની જવાબદારી ફિક્સ કરવી જરૂરી

નામ

હોદ્દો

વી.આર. બાજપાઈ

ડીવાયએસપી, નડિયાદ વિભાગ

એમ. બી. ભરવાડ

પી.આઈ., નડિયાદ ટાઉન

સુભાષ એમ. નાવી

એ.એસ.આઈ., નડિયાદ ટાઉન

આઇ.ડી.વાઘેલા

જવાહરનગર પોલીસ ચોકીના પીએસઆઈ

 

નડિયાદ ટાઉનનો સ્ટાફ


Google NewsGoogle News