રાપરમાં બે વર્ષથી ફરાર આરોપીને પકડવા જતા પોલીસ પર હુમલો
એક જ પરિવારનાં 10 સભ્યો વિરુદ્ધ ગુનો નોંધાયો
મહિલા કોન્સ્ટેબલની છેડતી કરાઈ, પોલીસ સાથે ઝપાઝપી કરી ઘરમાં પ્રવેશ કરતા રોકવાનો પ્રયત્ન કરાયો
રાપર પોલીસ સ્ટેશનમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા પી.એલ ફણેજાએ ફરિયાદ નોંધાવી હતી કે, વર્ષ ૨૦૨૩માં મારામારી અને રાયોટિંગનાં ગુનામાં છેલ્લા બે વર્ષથી ફરાર આરોપી હરેશ નામેરી રાઠોડ પોતાના રાપર ખાતે આરોગ્ય કેન્દ્રની સામે આવેલા મકાનમાં આવ્યો હોવાની પૂર્વ બાતમી આધારે ફરિયાદી પોતાની સાથે રાપર પોલીસનો કાફલો લઇ ૧૭ એપ્રિલનાં રાત્રે ૧૦ વાગ્યાનાં અરસામાં આરોપી હરેશનાં ઘરે તપાસ કરવા ગયા હતા. જ્યાં આરોપી હરેશ પોતાના રહેણાંક મકાનમાં હાજર હતો. જેથી પોલીસ દ્વારા તેની ધરપકડ કરવા જતા આરોપી હરેશનાં પરિવારનાં સભ્યો નામેરી બાઉ રાઠોડ, ગોમીબેન નામેરી રાઠોડ, નરેશ નામેરી રાઠોડ, વિપુલ નામેરી રાઠોડ, સચિન હરેશ રાઠોડ, સુનિલ હરેશ રાઠોડ, અશોક નામેરી રાઠોડ, ભાવના નામેરી રાઠીડ, મિતલબેન હરેશ રાઠોડે ફરિયાદી અને તેમની સાથેમાં પોલીસ કર્મચારીઓને બિભત્સ ગાળો આપી હતી અને કહ્યું હતુ કે, અમારા ઘરમાં કેમ આવ્યા છો નીકળી જાઓ અહીંથી નહિ તો મારી નાખીશું કહી ગાળો આપી હતી.
તેમજ આરોપી નરેશે ફરિયાદીની વર્ધીનો કોલર પકડી તેમની સાથે ઝપાઝપી કરી મહિલા હેડ કોન્સ્ટેબલની છેડતી કરી હતી અને તમામ ત્રણ મહિલા સહીત કુલ ૯ આરોપીઓએ મારામારીનાં ગુનામાં ફરાર શખ્સને ભગાડવામાં મદદ કરી પોલીસની ફરજમાં રુકાવટ કરી હતી. જેથી ફરિયાદીએ એક જ પરિવારનાં તમામ ૧૦ સભ્યો વિરુદ્ધ રાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તો બીજી તરફ આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો હતો જેમાં આરોપીના પરિવારજનો પોલીસ સ્ટાફ દારૂ પીને આવ્યા હોવા અંગે તેમજ કોઈ પકડ વોરંટ હોવા ન થતા ઘરમાં તોડફોડ કરી હોવાના આક્ષેપો કરતા પણ નજરે પડયા હતા.