૧૫ટકાના વ્યાજે રૃપિયા આપનાર વ્યાજખોરની ધરપકડ કરતી પોલીસ
૧ લાખની સામે દર મહિને ૧૫ હજારની વસુલાત : ઘરે જઇને જાનથી મારી નાંખવાની ધમકી આપી
વડોદરા,શાકભાજીનો વેપાર કરતા વેપારી પાસેથી ૧૫ ટકા વ્યાજ વસુલનાર વ્યાજખોર સામે છાણી પોલીસે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે.
છાણી ગામ દુમાડ રોડ મારૃતિ હાઇટ્સમાં રહેતા સુરેશભાઇ મફતભાઇ રાણા છાણી શાક માર્કેટમાં શાકભાજીનો ધંધો કરે છે. છાણી પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા માતાના હાર્ટની બીમારી હોઇ સારવાર માટે રૃપિયાની જરૃરિયાત ઉભી થઇ હતી. છાણી ગામ રાણાવાસમાં રહેતા અને વ્યાજે રૃપિયા આપતા ધર્મેશભાઇ ચંદ્રકાંતભાઇ રાણાનો મેં એપ્રિલ - ૨૦૨૪ માં સંપર્ક કર્યો હતો. મેં તેઓની પાસેથી ૧ લાખ ઉછીના લીધા હતા. તેમણે મને દોઢ ટકા વ્યાજ થશે. તેવું જણાવ્યું હતું. મેં તેઓને સિક્યુરિટી પેટે કોરો ચેક આપ્યો હતો. બે દિવસ પછી ધર્મેશ રાણાએ મારી લારી પર આવીને કહ્યું કે, જ્યાં સુધી તમે મારી મૂડીના એક લાખ એકસાથે નહીં આપો ત્યાં સુધી દર મહિને ૧૫ હજાર આપવા પડશે. નહીંતર તમારા સિક્યુરિટિ પેટે આપેલા ચેકમાં પાંચ લાખની રકમ ભરીને કોર્ટમાં કેસ કરી દઇશ. તેમની ધમકીથી હું ગભરાઇ ગયો હતો અને દર મહિને ૧૫ હજાર ચૂકવતો હતો. મેં સતત છ મહિના સુધી ૧૫ હજાર ચૂકવ્યા હતા. મેં તેઓને ૯૦ હજાર આપવા છતાંય તેઓએ દર મહિને રૃપિયાની ઉઘરાણી ચાલુ રાખી હતી. મેં તેઓને દર મહિને ૧,૬૦૦ રૃપિયા આપવાનું ચાલુ કર્યુ હતું. મેં તેઓને ૧.૦૨ લાખ ચૂકવ્યા છે. તેમછતાંય છ ઠ્ઠી ડિસેમ્બરે ધર્મેશભાઇ રાણા મારા ઘરે આવીને મારા પત્ની અને દીકરાની હાજરીમાં ગાળો બોલી કહ્યું હતું કે, તું મને જ્યાં સુધી રૃપિયા નહીં આપે ત્યાં સુધી હું તારા ઘરે જ રહેવાનો છું. આજે મારા રૃપિયા નહીં આપું તો તને જાનથી મારી નાંખીશ.તેઓએ મારા ઘરે ધમાલ કરી સામાન ભરી જવાની ધમકી આપી હતી. મેં રૃપિયાની વ્યવસ્થા કરી આપવાનું કહેતા તેઓ ઘરેથી જતા રહ્યા હતા. તેઓની ધમકીના કારણે હું અને પરિવારજનો ડરી ગયા છે. છાણી પોલીસે આ અંગે ગુનો દાખલ કરી આરોપી ધર્મેશ રાણાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.