ભરૂચમાં ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખે મારામારી કરી રેસ્ટોરન્ટ માથે લીધી, 12 યુવાનોની ધરપકડ
BJP Youth Vice President Against Police Case : ભરૂચમાં કૉલેજ રોડ પર આવેલી દ્વારકાધીશ રેસ્ટોરન્ટમાં યંગસ્ટર્સ ખુરશીઓ ઉછાળી અને ડ્રમ ફેંકીને ધમપછાડાં કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, ત્યારે પોલીસને સમગ્ર ઘટનાની જાણ થતાં ભાજપના યુવા મોરચાના ઉપપ્રમુખ સહિત કુલ 12 યુવાનો સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ભરૂચની રેસ્ટોરન્ટમાં યુવાનોનું કારનામું
રાજકીય ઓળખાણ કે કોઈ પક્ષ સાથે જોડયેલા હોવાથી અમુક લોકો ઘણી વખત રોફ જમાવતા હોવાના કેટલાય બનાવ પ્રકાશમાં આવતાં હોય છે. બીજી તરફ, અમુક કિસ્સામાં સોશિયલ મીડિયામાં તેનો વીડિયો પણ વાયરલ થતો જોવા મળે છે, ત્યારે ભરૂચની એક દ્વારકાધીશ રેસ્ટોરન્ટમાં કેટલાક યુવાનો દ્વારા તોડફોડ કરી મારામારી કરી હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સાફ જોવા મળે છે કે, યુવાનોનું ટોળું રેસ્ટોરન્ટમાં ઘૂસીને ખુરશીઓનો ઘા કરીને ધમપછાડા કરી રહ્યા છે.
પોલીસે ભાજપના યુવા મોરચાના ઉપપ્રમુખ સહિત 12 યુવાનોની ધરપકડ કરી
મળતી માહિતી પ્રમાણે, ભરૂચની કૉલેજ રોડ પર આવેલી દ્વારકાધીશ રેસ્ટોરન્ટના પાનની દુકાનમાં કોઈ કારણોસર બબાલ થતાં મામલો ગરમાયો હતો. ત્યારબાદ યુવાનોએ રેસ્ટોરન્ટમાં તોડફોડ કરવાનું શરુ કરીને મારામારી કરી હતી. જો કે, આ પછી સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાંની સાથે પોલીસ દ્વારા રેસ્ટોરન્ટમાં મારામારી કરનાર ભાજપના યુવા મોરચાના ઉપપ્રમુખ સહિત કુલ 12 યુવાનોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ટોળા સામે હત્યાની કોશિશનો ગુનો નોંધાયો
સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ પ્રજ્ઞેશ દલપત પટેલ, જય ચૌહાણ સહિત 12 યુવાનોની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે સી-ડિવિઝન પોલીસે ટોળા સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.