રાજકોટમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરનારા ત્રણની પોલીસે કરી અટકાયત, એક ફરાર
Rajkot Samuh Lagan : રાજકોટમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ વર-વધૂ પક્ષના જાનૈયાઓ આયોજન સ્થળે પહોંચ્યા તો સમૂહ લગ્નના આયોજકો ફરારા થઈ જતાં જાનૈયાઓ રસ્તે રઝળી પડ્યા હતા. જો કે, રાજકોટ પોલીસે 28 યુગલોના લગ્ન બીડું ઝડપ્યું હતું, જ્યારે કોંગ્રેસ નેતાએ જમણવારની જવાબદારી ઉપાડી લેતાં વર અને કન્યા પક્ષમાં ખુશીની લહેર ફેલાઈ હતી. સમગ્ર મામલે પોલીસે ત્રણ આયોજકની અટકાયત કરી લીધી છે. જ્યારે મુખ્ય આરોપી હજુ ફરાર હોવાનું સામે આવ્યું છે.
ત્રણ આયોજકની અટકાયત, એક ફરાર
રાજકોટમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં જાનૈયાઓ લગ્ન સ્થળે પહોંચ્યા ત્યારે આયોજકો હાજર ન રહેતા મામલો ગરમાયો હતો. જ્યારે સમગ્ર મામલે પોલીસ દ્વારા દિલિપ ગોહિલ, દિપક હિરાણી અને મનીષ વિઠ્ઠલાપરા નામના આયોજકની અટકાયત કરી લેવામાં આવી છે. જ્યારે મુખ્ય આરોપી ચંદ્રેશ છત્રોલા હજુ ફરાર છે.
વર-વધૂને તબીયત સારી ન હોવાનાં મેસેજ કર્યા
મળતી માહિતી અનુસાર, રાજકોટમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનાં આયોજક ચંદ્રેશ છત્રોલા પોતાનો બચાવ હોસ્પિટલમા સારવાર લઈ રહ્યા હોવાનાં ફોટા સ્ટેટસમાં મૂકી રહ્યા છે. આયોજકે સવારે મોબાઈલનાં સ્ટેટસમાં સારવારમાં ફોટા મૂક્યા હતા. આ ઉપરાંત તમામ કપલને તબિયત સારી ન હોવાનાં મેસેજ કર્યા હતા.
જાણો શું છે મામલો?
રાજકોટમાં ઋષિવંશી ગ્રૂપ દ્વારા સર્વજ્ઞાતિય સમૂહ લગ્નનું આયોજન કરવામાં કરવામાં આવ્યું હતું. સમૂહ લગ્નમાં 28 કપલે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. સમૂહ લગ્નમાં ભાગ લેવા માટે 40 હજાર રૂપિયા ઉઘારવ્યા હતા. સમૂહ લગ્ન 22 ફેબ્રુઆરીએ એટલે કે આજે હોવાથી વર-વધૂ પક્ષના જાનૈયાઓ આયોજન સ્થળે પહોંચ્યા હતા. આયોજન સ્થળે પહોંચ્યા તો જાનૈયાઓને ખબર પડી કે અહીં કોઈપણ પ્રકારની વ્યવસ્થા નથી. આયોજકો આવ્યા જ ન હોવાથી લગ્ન અટકી પડ્યા હતા. લગ્નની ખુશીના પ્રસંગમાં ગનગીમ દૃશ્યો સર્જાયા હતા. જાનૈયાઓ વીલા મોંઢે એકબીજા સામે જોઈ રહ્યા હતા. કન્યાની આંખોમાં આંસુ છલકાતા હતા. હરખ અને ઉત્સાહ પર પાણી ફરી વળ્યું હતું. જોકે, પરિવારો જાન પરત લઈ જવી પડે તેવી સ્થિતિ સર્જાતા પોલીસ મદદે આગળ આવી હતી. તેમણે ગોર મહારાજ બોલાવીને લગ્નવિધિ સંપન્ન કરાવતા વર અને વધુના પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ચંદ્રેશ છત્રોલા, દિપક હિરાણી, દિલીપ ગોહેલ દ્વારા માધાપર ચોકડી અને બેડી ચોકડી પાસે આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત રાજકોટ પોલીસે લગ્ન કરાવવાનું બીડું ઝડપ્યું હતું અને લગ્નની વિધિ શરુ કરવામાં આવી હતી. જ્યારે રાજકોટના વિપક્ષના નેતાએ જમણવારની જવાબદારી સ્વીકારી હતી.