લાલપુરના પીપળી ગામ, ચારણનેશ અને પીપળીનેશમાં રહેતા બુટલેગરોના મકાન પર પોલીસ તંત્ર અને વીજ ટુકડીના સામુહિક દરોડા
Jamnagar PGVCL Cheaking : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પીપળી ગામ, ચારણનેશ અને પીપળીનેશ ગામમાં વસવાટ કરતા 57 જેટલા બુટલેગરોના મકાન પર લાલપુર અને મેઘપર પોલીસની ટીમ તેમજ વીજ ટુકડીએ સામુહિક રીતે દરોડા પાડ્યા હતા, અને વીજ ચેકિંગ દરમિયાન આઠ ઘરોમાં વીજ ચોરી મળી આવી હતી, જેઓને રૂપિયા બે લાખના દંડના પુરવણી બીલ આપવામાં આવ્યા છે.
લાલપુરના નવ નિયુક્ત એ.એસ.પી. પ્રતિભાના માર્ગદર્શન હેઠળ લાલપુર પોલીસ સ્ટેશનની ટુકડી તેમજ મેઘપર પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ દ્વારા લાલપુર તાલુકાના પીપળી ગામ, ચારણનેશ ગામ તેમજ પીપળીનેશ ગામમાં વસવાટ કરતા 57 જેટલા દારૂના ધંધાર્થીઓ કે જેઓ પર અગાઉ દારૂની પ્રવૃત્તિ અંગેના કેસ નોંધાયેલા છે, તેવા ધંધાર્થીઓની યાદી બનાવીને સામુહિક રીતે વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું.
ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન કુલ 57 ઘરોમાં વીજ ચેકિંગની કાર્યવાહી પોલીસ પહેરા હેઠળ કરવામાં આવી હતી. જેમાં જુદા જુદા 4 બુટલેગરો કે જેઓના અલગ અલગ 8 મકાનમાં ગેરકાયદે રીતે વીજ ચોરી થતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી વિજતંત્ર દ્વારા તેઓના વીજ મીટર ઉતારી લઈ અને તેઓને રૂપિયા બે લાખના દંડના પુરવણી બિલો આપવામાં આવ્યા છે. પોલીસ તંત્ર અને વીજ વિભાગની આ સામુહિક કાર્યવાહીને લઈને વીજ ચોરોમાં ફફડાટ મચી ગયો છે.