કચ્છમાં હિસ્ટ્રીશીટરો સામે કાર્યવાહી, હાજી આમદ અને કાના બઢીયાના દબાણો પર બુલડોઝર ફેરવાયું
Police Action In Kutch: અમદાવાદના વસ્ત્રાલમાં માથાભારે તત્ત્વો દ્વારા વાહનો, દુકાનોમાં તોડફોડ કરવાની ઘટના સામે આવ્યા બાદ ડીજીપીએ ગંભીર નોંધ લીધી હતી. 100 કલાકની અંદર સમગ્ર રાજ્યના તમામ પોલીસ સ્ટેશનની હદમાં સક્રિય માથાભારે ગેંગની યાદી તૈયાર કરવા માટે આદેશ કર્યો હતો. ડીજીપીના આદેશ બાદ રાજ્યમાં સૌપ્રથમ કચ્છમાં હિસ્ટ્રીશીટરો સામે કડક કાર્યવાહી આરંભી છે અને દબાણ પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે.
ગેરકાયદે બાંધકામ અને મકાનો તોડી પાડ્યા
DGPના આદેશ બાદ કચ્છમાં હિસ્ટ્રીશીટરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે શિકારપુરના અનેક ગુનામાં સામેલ આરોપી હાજી આમદના ગેરકાયદે બાંધકામ અને મકાનો પર બુલડોઝર ફરી વળ્યું છે. બોર્ડર રેન્જ IG ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ SP સાગર બાગમારએ જિલ્લાના અસમાજિક તત્ત્વો અને ગુનાહિત ઈતિહાસ ધરાવતા શખસો સામે કડક કાર્યવાહી કરી હતી.
પીઆઈ વી.કે. ગઢવીએ જણાવ્યું કે આમદ ત્રાયા સામે ભૂતકાળમાં રાયોટીંગ, હુમલો, લૂંટ, હત્યા, આર્મ્સ એક્ટ, ધાક ધમકી આપવા સહિતના સાત ગુના નોંધાયેલાં છે. તે વારંવાર ગુના આચરવાની ટેવ ધરાવે છે. આમદે ગામના જૂનાં સરકારી દવાખાનાની જમીન અને મકાનમાં કબજો કર્યો હોવાનું સ્પષ્ટ થતાં સામખિયાળી પોલીસે આજે અન્ય સરકારી તંત્રોની મદદથી તેના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવી નાખ્યું છે.
આ પણ વાંચો: હાઇવે માટે સંપાદિત કરેલી જમીનો મૂળ માલિકોને પરત કરશે સરકાર! કાયદામાં ફેરફારની તૈયારી
બૂટલેગર કાનજી પાસા હેઠળ ધકેલાયો
વરિષ્ઠ અધિકારીઓની સૂચનાના પગલે કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે પણ અંજાર ભચાઉના બૂટલેગર કાનજી ઊર્ફે કાના વેલા બઢિયાને પાસા હેઠળ ધકેલાયો છે. ગત એક જ વર્ષમાં આરોપી સામે અંજાર અને ભચાઉ પોલીસમાં કુલ 11 ગુના નોંધાયા હતા. આરોપીને સુરતની લાજપોર જેલ ધકેલી દેવાયા છે.
આ ગેંગ વિરૂદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી થશે
રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે વસ્ત્રાલની ઘટના સામે આવ્યા બાદ સમગ્ર રાજ્યમાં સક્રિય હોય તેવી અસામાજીક તત્ત્વો સામે કાર્યવાહી કરવા માટે શનિવારે ઉચ્ચ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરીને 100 કલાકમાં અસામાજીક તત્ત્વોની યાદી કરવા માટે સુચના આપી હતી. જે અનુસંધાનમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ તાકીદની બેઠક યોજીને અમદાવાદમાં સક્રિય હોય તેવી ગેંગની તેમજ અસામાજીક તત્ત્વોની યાદી તૈયાર કરવાની કામગીરી શરૂ કરી હતી.