2016માં બાંગ્લાદેશ મોકલાયેલી ફાતિમા ફરી ઝડપાઈ, ભુજમાં પતિની મદદથી બનાવ્યા હતા બોગસ ડોક્યુમેન્ટ
AI Image |
Bhuj News : ભુજના જીઆઈડીસી હંગામી આવાસ પાસે બાંગ્લાદેશી મહિલા ગેરકાયદેસર ભારતીય નાગરિક હોવાના આધાર પુરાવા બનાવી રહેતી હોવાની SOGને બાતમી મળી હતી. જેને લઈને 30 મે, 2023ના રોજ SOGએ તપાસ કરતા ફાતિમા નામની બાંગ્લાદેશી મહિલાને ઝડપી પાડવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ આદરી હતી. જેમાં ભુજમાં સ્થાનિક યુવકને પતિ બનાવીને ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશી મહિલા ભારતીય નાગરિક હોવાના બોગસ ઓળખ બનાવી રહેતી હોવાનું સામે આવ્યું. સમગ્ર મામલે પશ્ચિમ કચ્છ SOGએ બાંગ્લાદેશી મહિલા અને તેના પતિ વિરુદ્ધ ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી.
ભારતીય નાગરિકની ખોટી ઓળખ બનાવીને રહેતી હતી બાંગ્લાદેશી મહિલા
મળતી માહિતી મુજબ, ભુજના માધાપરની ભવાની હોટેલ પાછળ એક સોસાયટીના ભાડાના મકાનમાં ભુજના મૂળ ફોટડીના લતીફ ફકીરમામદ ખલીફા નામના શખ્સ સાથે તેની પત્ની તરીકે ફાતિમા (ઉં.વ. 31) નામની બાંગ્લાદેશની મહિલા રહેતી હોવાની SOGને બાતમી મળી હતી. આ પછી 30 મે, 2023ના રોજ ભુજના જીઆઈડીસી હંગામી આવાસ પાસેથી બાંગ્લાદેશી મહિલા ફાતિમા અને લતીફને SOGએ ઝડપી પાડ્યા હતા. સમગ્ર મામલે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, ફાતિમાએ તેના પતિ લતીફની મદદથી ભારતીય નાગરિક હોવાના બોગસ આધાર પુરાવામાં આધાર કાર્ડ, પાન કાર્ડ, ઈ-શ્રમ કાર્ડ, રાશનકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ બનાવ્યા હોવાનો ખુલાસો થયો છે. આ ઉપરાંત, ફાતિમાએ બેન્ક ઑફ બરોડા સહિતની બેંકમાં એકાઉન્ટ ખોલાવ્યું હતું અને સરકારી દસ્તાવેજોમાં ફાતિમાએ પોતાનું જન્મસ્થળ કોલકતા દર્શાવ્યું હતું.
પોલીસની પ્રાથમિક માહિતી અનુસાર, અગાઉ પણ ફાતિમા કચ્છ પોલીસના હાથે ઝડપાઈ હતી. જેમાં ભુજની કોર્ટે તેને દોષી ઠેરવતા સજા ફટકારી હતી. જો કે, 2016માં સજા પૂરી થતાં ભારત સરકારે તેને બાંગ્લાદેશ ડીપોર્ટ કરી હતી. જ્યારે આ પછી ફરી ફાતિમા ભારતમાં ઘૂસી આવી હતી અને તે છેલ્લા પાંચ વર્ષથી લતીફ સાથે પત્ની તરીકે રહેતી હોવાનું જાણવા મળ્યું હતું. સમગ્ર મામલે પોલીસે બંને વિરુદ્ધમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી.