હું કોંગ્રેસને ચેતવણી આપું છું કે કાશ્મીરમાં કલમ 370 ફરી લાગુ કરી બતાવે: વડાપ્રધાન મોદી
Lok Sabha Elections 2024: ગુજરાતમાં લોકસભા 2024ની ચૂંટણીના મતદાનને હવે પાંચ દિવસ જેટલો સમય બાકી છે ત્યારે ભાજપ મતદારોનો રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. વડાપ્રધાન મોદીએ આણંદ બાદ સુરેન્દ્રનગરમાં જનસભા સંબોધતા કોંગ્રેસ પર આક્રમક પ્રહાર કર્યા હતા.
LIVE : જૂનાગઢમાં PM મોદીનું સંબોધન
જૂનાગઢમાં પીએમ મોદીએ સરદાર પટેલને યાદ કર્યા
જૂનાગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલને યાદ કરતા કહ્યું કે 'હું સરદાર પટેલની ભૂમિથી આવું છું, જો સરદાર પટેલ હોત તો દેશનું સંવિધાન પણ જમ્મુ-કાશ્મીરમાં શાનથી લાગુ હતો. પરંતુ જે કામ સરદાર પટેલનું અધુરુ રહી ગયું તે આ ધરતીના પુત્ર અને તમારા સેવકએ પુરુ કર્યું. જો સરદાર પટેલ ન હોય તો આજે જૂનાગઢ પાકિસ્તાનમાં હોત.'
જૂનાગઢની ધરતી પરથી કોંગ્રેસને સવાલો કર્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને સવાલ કરતા કહ્યું હતું કે 'કોંગ્રેસ અને તેના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું છે કે તેમનો ઉદ્દેશ્ય ભગવાન રામને હરાવવાનો છે. કોંગ્રેસ લોકશાહી માટે ચૂંટણી નથી લડી રહી, કોંગ્રેસ માટે આ ચૂંટણી ભગવાન પ્રભુ શ્રી રામ સામે લડવાની ચૂંટણી છે. ભગવાન રામને હરાવીને તેઓ કોને જીતવા માગે છે?
મહેનત મારા નસીબમાં છે, મારા સંસ્કારનો વારસો છે
જૂનાગઢની સભામાં બોલતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે 'મહેનત કદાચ મારા નસીબમાં લખેલી છે, મહેનત કદાચ મારા સંસ્કારનો વારસો છે અને મહેનત કદાચ મારી જવાબદારીની પ્રેરણા છે અને એના કારણે ગયા 10 વર્ષમાં આપે મને મોકલ્યા પછી મેં ક્યારેય પાછું વળીને જોયું નથી. 2024ની આ ચૂંટણી મારા મિશન માટે છે અને દેશનું ઉજ્જવળ ભવિષ્ય તેમજ દેશને આગળ લઈ જવું એ મારું મિશન છે.'
કોંગ્રેસને ચેતવણી આપું છું કે કલમ 370 ફરી લાગુ કરી બતાવે
આ પ્રસંગે તેમણે કોંગ્રેસને ચેતવણી આપતા કહ્યું હતું કે, 'જો તેઓનો છુપો એજન્ડા હોય તો હિંમત સાથે દેશની સામે આવીને કહે કે તેઓ ફરીથી કલમ 370 ફરી લાગુ કરશે. હું જોઉ છું કે બાબાસાહેબ આંબેડકરનું અપમાન કરવાની એમનામાં કેટલી તાકાત છે.'
અગાઉ આણંદ અને સુરેન્દ્રનગરમાં ચૂંટણી રેલી કરી હતી
વડાપ્રધાન મોદીએ આજે સૌપ્રથમ આણંદના વલ્લભ વિદ્યાનગરમાં પહેલી જનસભા સંબોધી હતી. ત્યાર બાદ સુરેન્દ્રનગર ખાતે બીજી સભા સંબોધન કર્યા બાદ પીએમ મોદી સંતો-મહંતો તેમજ નરસિંહ મહેતાની ભૂમિ જૂનાગઢમાં સતત ત્રીજી જનસભાને સંબોધવા પહોંચ્યા. અહીં તેમણે જય ગિરનારીના નાદ તેમજ સંતો-વડીલોને પ્રણામ કરીને ચૂંટણી સભાની શરુતાત કરી હતી.
કોંગ્રેસના કાળમાં બે બંધારણ, બે ધ્વજ અને બે પીએમ હતા
વડાપ્રધાન મોદીએ સુરેન્દ્રનગરમાં ચૂંટણી સભાને સંબોધન કરતા કહ્યું કે, 'કોંગ્રેસ સત્તામાં હતી, ત્યારે 75 વર્ષ સુધી બંધારણ ભારતના તમામ ભાગોમાં લાગુ નહોતું. મોદી આવ્યા પહેલા આ દેશમાં બે બંધારણ હતા. બે ધ્વજ અને બે વડાપ્રધાન હતા. આ બંધારણને માથે લઈને નાચતા રાજકુમારોના પરિવારે દેશમાં બંધારણનો અમલ થવા દીધો નથી. કાશ્મીરમાં ભારતનું બંધારણ લાગુ પડતું ન હતું. કલમ 370 હતી. સરદાર પટેલની ભૂમિમાંથી આવેલા આ પુત્રે તેમને 370 જમીન પર પછાડીને સૌથી મોટી શ્રદ્ધાંજલિ આપી.’
ગુજરાતે મારું પાક્કું ઘડતર કર્યું છે, ટપલાં મારી મારી મારીને...
અહીં વડાપ્રધાન મોદીએ ચૂંટણી સભાને સંબોધન કરતા કહ્યું કે, ‘મારી શાસકીય કારકિર્દીની શરુઆત સૌરાષ્ટ્રથી શરુ થઈ હતી. મને પહેલીવાર ધારાસભ્ય સૌરાષ્ટ્રે બનાવ્યો છે. એટલે હું હંમેશા ગુજરાતનો ઋણી રહીશ. ગુજરાતે મારું પાકું ઘડતર કર્યું છે, ટપલાં મારી મારી મારી ને. ક્યાંય કાચો પડ્યો છું બોલો? ક્યાંય ઉણો ઉતર્યો છું? તમારું માથું ઊંચું રહે એવું કર્યું છે કે નથી કર્યું? છાતી તમારી 56ની થાય એવું કર્યું છે કે નથી કર્યું?’
અનામત મુદ્દે પણ કોંગ્રેસને પણ આડે હાથ લીધી
આ દરમિયાન વડાપ્રધાન મોદીએ અનામત મુદ્દે કોંગ્રેસને આડે હાથ લઈને કહ્યું હતું કે' એસસી, એસટી, ઓબીસી કે પછી બક્ષીપંચના ભાઈઓ અને બહેનોને જે બાબાસાહેબ આંબેડકર દ્વારા અનામત મળી રહ્યું છે તે અનામત ધર્મને આધારે મુસ્લિમો સુધી પહોંચાડવા માંગે છે.’
આ ઉપરાંત તેમણે કોંગ્રેસને સામે ત્રણ પડકાર ફેંકીને હતું કે 'કોંગ્રેસ બંધારણમાં કોઈ છેડછાડ નહીં કરે તે લેખિતમાં આપે તેમજ ધર્મના આધારે મુસ્લિમોને અનામત આપશે નહીં. તેમજ ST, OBCનો અનામતનો અધિકાર છીનવશે નહીં. એટલું જ નહીં, કોંગ્રેસ શાસિત રાજ્યોમાં મતબેંકનું રાજકારણ કરશે નહીં.'
વડાપ્રધાન મોદીએ સુરેન્દ્રનગરના લોકોને અપીલ કરતા કહ્યું હતું કે ‘સાતમી તારીખે મતદાનના તમામ રેકોર્ડ તૂટવા જોઇએ. કોંગ્રેસના સમય દરમિયાન થયેલા કોંભાડો યાદ કરો. 2G કૌભાંડ, કોમનવેલ્થ, કોલસા કૌભાંડ, હેલિકોપ્ટર કૌભાંડ જેવા અનેક કૌભાંડ થયા, જ્યારે છેલ્લા 10 વર્ષમાં એક પણ ગોટાળા થયા હોય તેવા સમાચાર આવ્યા નથી.'
વલ્લભ વિદ્યાનગરમાં પણ વડાપ્રધાને સંબોધન કર્યું
લોકસભા ચૂંટણીના પ્રચાર માટે આજે વડાપ્રધાન મોદીએ આણંદમાં જનસભા સંબોધી હતી. તેમણે કહ્યું હતું, કે 'કોંગ્રેસના 60 વર્ષના શાસનમાં ભારતની 60 ટકા ગ્રામીણ વસ્તી પાસે શૌચાલય નહોતું, 10 વર્ષમાં અમે બનાવ્યા. માત્ર ત્રણ કરોડ ગ્રામીણ ઘર સુધી જ નળથી પાણી પહોંચતું, અમે 10 વર્ષમાં 14 કરોડ નળથી જળ પહોંચાડ્યું. 10 વર્ષમાં અમે 50 જનધન બેન્ક ખાતા ખોલાવ્યા. આ ગુજરાતી ચા વાળાએ દેશનું અર્થતંત્ર 11માં નંબરથી પાંચમા સ્થાને પહોંચાડી દીધું છે.'
આતંકી એક્સપોર્ટની વાત કરીને પાકિસ્તાન પર કટાક્ષ
વલ્લભ વિદ્યાનગરમાં ભારે જનમેદની વચ્ચે વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં પાકિસ્તાનની વર્તમાન સ્થિતિનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે 'આતંકી એક્સપોર્ટ કરનાર અત્યારે લોટ માટે તરસે છે.' તો રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે 'પાકિસ્તાનના લોકો શેહજાદાને PM બનાવવા માગે છે.’
આ દરમિયાન કોંગ્રેસનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે ‘દેશના લોકોએ 60 વર્ષ સુધી કોંગ્રસનું શાસન જોયું છે જ્યારે લોકોએ ભાજપના દસ વર્ષના સેવાકાળને પણ જોયો છે. પહેલા શાસનકાળ હતો, હવે સેવા કાળ છે.’
હવે વડાપ્રધાન મોદી ગુજરાતમાં ક્યાં ચૂંટણી રેલી કરશે?
• વઢવાણ, લોકસભા વિસ્તાર: સુરેન્દ્રનગર, રાજકોટ,ભાવનગર
• જૂનાગઢ, લોકસભા વિસ્તાર: જૂનાગઢ, પોરબંદર, અમરેલી
• જામનગર, લોકસભા વિસ્તાર: જામનગર, પોરબંદર
બુધવારે પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા
અગાઉ બુધવારે ગુજરાતમાં પહોંચીને ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસાથીમા અંબાના જય જયકારથી જાહેરસભા સંબોધવાનું શરૂ કર્યું હતું. વડાપ્રધાને પોતાના સંબોધન દરમિયાન કહ્યું હતું કે, હવે કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધન 2024ની ચૂંટણીમાં જૂઠ લઇને આવી છે, તેઓ સંવિધાન બતાડે છે, તેઓ ડર બતાવે છે કે, અનામત લઇ લેશે. જોજો તેઓ આ ચૂંટણીમાં પણ અગાઉ કરતા ઓછી બેઠકોમાં સમેટાઇ જશે. બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. પડોશી રાજ્ય રાજસ્થાનમાં તેમને એક પણ બેઠક મળવાની શક્યતા દેખાતી નથી, જુઓ તેમની આવી સ્થિતિ છે. તેમણે અનામત મુદ્દે કોંગ્રેસને આડેહાથ લઈ કહ્યું કે, અમે આવું પાપ કરવા માટે જન્મ્યા નથી. આવા પાપના માર્ગે જવાનું અમારું કામ નથી. કોંગ્રેસ પાર્ટી... તમે કાન ખોલીને સાંભળી લો કે, જ્યાં સુધી મોદી જીવે છે, ત્યાં સુધી ક્યારે ધર્મના આધારે અનામતની રમત રમવા નહીં દઉ. હું કોંગ્રેસને પડકાર ફેંકુ છું કે, જો તેમના (કોંગ્રેસ)માં હિંમત હોય તો તેઓ બોલે કે, ધર્મના આધારે ક્યારેય અનામતનો દુરુપયોગ નહીં કરીએ, બંધારણમાં ફેરફાર નહીં કરીએ, ધર્મના આધારે કોઈને અનામત નહીં આપીએ. હિંમત હોય તો કોંગ્રેસ આવી જાહેરાત કરે, પરંતુ તેઓ આવું ક્યારેય નહીં કરે, કારણ કે દાળમાં કંઈક કાળું છે.
આ પણ વાંચો : ‘કોંગ્રેસ જીતી તો તમારી પાસે બે ભેંસ હશે તો એક સરકાર લઈ જશે’