ઈદના દિવસે મારા ઘરે દિવાળી ઉજવાતી, માતા જાતભાતના પકવાન પીરસતા: PM મોદી
- PM મોદીનો હીરાબાના જન્મદિવસે ખાસ બ્લોગ વાંચવા લાયક
- અબ્બાસના પિતાનું અવસાન થયા બાદ અબ્બાસ અમારા ઘરે જ રહીને અભ્યાસ કરતો હતો
ગાંધીનગર, તા. 18 જૂન 2022, શનિવાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા આજે 18 જૂનના રોજ પોતાના 100માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. આ અવસરે PM મોદી ગાંધીનગર પહોંચ્યા હતા. તેમણે પોતાની માતાના પગ ધોઈને તે પાણી પોતાની આંખે લગાડ્યું હતું. મોદીના માતાએ પણ જન્મદિવસ નિમિત્તે તેમને મળવા પહોંચેલા પુત્રનું મોં મીઠું કરાવ્યું હતું અને આશીર્વાદ આપ્યા હતા. PM મોદીએ પોતાની માતાના જન્મદિવસના વિશેષ અવસર પર એક બ્લોગ લખ્યો છે. આ બ્લોગમાં તેમણે પોતાની માતા સાથે જોડાયેલી પોતાની બાળપણની યાદો શેર કરી છે.
PM મોદીએ લખ્યું છે કે, મારી માતા હીરીબા આજે 18 જૂનના રોજ 100માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. એટલે કે, તેમનો જન્મ શતાબ્દી વર્ષમાં પ્રારંભ થઈ રહ્યો છે. જો પિતાજી હોત તો ગયા અઠવાડિયે તેમના પણ 100 વર્ષ પૂરા થયા હોત. એટલે કે, 2022 એક એવું વર્ષ છે જ્યારે મારા માતાનું જન્મશતાબ્દી વર્ષ પ્રારંભ થઈ રહ્યું છે અને આજ વર્ષે મારા પિતાજીનું જન્મશતાબ્દી વર્ષ પુરુ થાય છે.
મારી માતાનો જન્મ મહેસાણા જિલ્લાના વીસનગરમાં થયો હતો. વડનગરથી તે વધારે દૂર નથી. મારી માતાને પોતાની મા એટલે કે, મારી નાનીનો પ્રેમ નસીબ નહોતો થયો. એક શતાબ્દી પહેલા આવેલી વૈશ્વિક મહામારીનો પ્રભાવ ત્યારે ઘણા વર્ષો સુધી રહ્યો હતો. તે મહામારીએ મારી નાનીને મારી માતાથી છીનવી લીધી હતી. મારી માતાએ સ્કૂલનો દરવાજો પણ નથી જોયો. તેમણે માત્ર ગરીબી અને ચારે બાજુ અભાવ જોયો છે.
નાનપણમાં અમારા ઘરે ઈદના દિવસે દિવાળી જેવો માહોલ બનતો હતો. મારા પિતાના એક મિત્ર નજીકના ગામમાં રહેતા હતા અને તેના પુત્રનું નામ અબ્બાસ હતુ. અબ્બાસના પિતાનું અવસાન થયા બાદ અબ્બાસ અમારા ઘરે જ રહીને અભ્યાસ કરતો હતો. નાનપણમાં ઈદના દિવસે માતા ઘરે અબ્બાસ માટે ખૂબ પકવાન પણ બનાવતા હતા.
પ્રધાનમંત્રી મોદીએ આજે લખેલા પોતાના બ્લોગમાં અનેક રોચક વાતો જણાવી છે.
બાળપણના સંઘર્ષોએ મારી માતાને ઉંમર કરતા વહેલા મોટા કરી દીધા હતા. તેઓ પોતાના પરિવારમાં સૌથી મોટા હતા જ્યારે લગ્ન થયા ત્યારે પણ તેઓ સૌથી મોટા વહૂ બન્યા હતા. વડનગરના જે ઘરમાં અમે રહેતા હતા તે ઘર ખૂબ જ નાનું હતું. આ ઘરમાં કોઈ બારી નહોતી. બાથરૂમ પણ નહોતું. ઘર ચલાવવા માટે થોડા પૈસા વધુ મળે એટલા માટે માતા બીજાના ઘરમાં વાસણ સાફ કરતા હતા.