વડાપ્રધાનના સુરત આગમન પહેલાં તડામાર તૈયારી : વહીવટી તંત્ર સાથે પાલિકાના શાસકોએ રૂટ તથા સ્થળ નિરીક્ષણ કર્યું
PM Modi Visits Surat : સુરતમાં આગામી 7 માર્ચના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત સહિત દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા વડાપ્રધાનના કાર્યક્રમને લઈને તડામાર તૈયારી શરુ કરી દીધી છે. સુરતના લિંબાયત વિસ્તારમાં વડાપ્રધાનના કાર્યક્રમ હોય તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારનો નકશો બદલી નાખ્યો છે. તો બીજી તરફ તંત્ર સાથે સાથે શાસકોએ પણ વડાપ્રધાનના રૂટ અને સભા સ્થળનું નિરીક્ષણ કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી 7મી માર્ચના રોજ સુરતમાં લિંબાયત ખાતે વડાપ્રધાનનો જાહેર કાર્યક્રમ છે તેના પગલે પાલિકા અને અન્ય વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. લિંબાયતના નીલગીરી સર્કલ ખાતે 7 મી માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 50 હજારથી વધુ લાભાર્થીઓને નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ આવરી લેવાની સાથે સાથે વિશાળ જનસભાને સંબોધિત કરવામાં આવશે.
લિંબાયતના હેલિપેડથી નીલગીરી સર્કલ સુધી ત્રણ કિલોમીટર વિસ્તારમાં રોડ શો માટે આયોજન થઈ રહ્યું છે. ગઈકાલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમગ્ર રૂટ અને સભા સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ આજે ભાજપ શાસકોએ પાલિકા અને તંત્ર સાથે મળીને સ્થળ અને રૂટનું નિરીક્ષણ કર્યું હતું.
વડા પ્રધાનના સુરત આગમનના પખવાડિયા પહેલાં વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. વડા પ્રધાનની જાહેર સભા અને રોડ શો માટે રસ્તાથી માંડીને ડિવાઈડરો અને લાઈટોથી માંડીને તમામ સ્તરે બ્યુટિફિકેશનની કામગીરી પણ અંતિમ તબક્કામાં આવી ગઈ છે. આજે મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલી તૈયારીનું સ્થળ નિરીક્ષણ મેયર દક્ષેશ માવાણી, ડે.મેયર ડો.નરેન્દ્ર પાટીલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ, નેતા શાસક પક્ષ શશી ત્રિપાઠી, મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ સાથે સમગ્ર રૂટ પર સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન ત્રણ કિલોમીટરના રોડ શો માટે આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રણ કિલોમીટરના શોમાં અભિવાદન માટે ત્રીસ જેટલા સ્ટેજ બનાવવામાં આવ્યા છે આ સ્ટેજ પરથી વિવિધ સમાજ અને સંસ્થાના અગ્રણીઓ વડાપ્રધાનનું અભિવાદન કરશે.