સોમનાથ મહાદેવ મંદિરે PM મોદીએ આસ્થાભેર પૂજા કરી
યાત્રિકો તથા સ્થાનિકોનું અભિવાદન કર્યું : હેલિકોપ્ટર દ્વારા સાસણ ગીર પહોંચ્યા
વેરાવળ, જૂનાગઢ, : ગુજરાતના ત્રિ-દિવસિય પ્રવાસના બીજા દિવસે વડાપ્રધાન મોદીએ પ્રથમ જયોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ મંદિરે પહોંચીને આસ્થાભેર પૂજા કરી હતી. એ પછી તે સાસણ પહોંચ્યા છે, જ્યાં કાલે- સોમવારે સિંહ દર્શન કર્યા બાદ નેશનલ બોર્ડ ફોર વાઈલ્ડ લાઈફની સાતમી બેઠક યોજાશે.
જામનગરથી વડાપ્રધાન મોદી આજે બપોરે સવા ચારના અરસામાં સોમનાથમાં ત્રિવેણી સંગમ પાસે આવેલા હેલીપેડ ખાતે હેલિકોપ્ટર દ્વારા પહોંચતા તેમનું કલેકટર, એસ.પી. તથા આગેવાનોએ સ્વાગત કર્યું હતું. તેઓ ત્યાંથી સોમનાથ મંદિરે પહોંચ્યા હતા. પ્રથમ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ભાવવંદન કર્યા હતા. ત્યાર બાદ યાત્રિકો તથા સ્થાનિકોનું અભિવાદન કરી સોમનાથ મહાદેવ મંદિરે પહોંચ્યા હતા. સોમનાથ મંદિરે આસ્થાભેર પૂજન કર્યું હતું તથા મંદિરના શિખર પર પધરાવવાના સોનાના કળશની પણ પૂજા કરી હતી. ત્યાર બાદ સીધા હેલીપેડથી સાસણ જવા રવાના થયા હતા.
વર્ષ 2007 પછી પ્રથમવાર મોદી ગીરની મુલાકાતે આવ્યા છે. આજે સાંજે સાસણ સિંહ સદન ખાતે ટ્રેકરો સાથે વાર્તાલાપ કર્યા બાદ ઉચ્ચ અધિકારીઓ પાસેથી ગીર અને સિંહે વિશેની જાણકારી મેળવશે અને સિંહ સદનમાં રાત્રિ રોકાણ કરશે. તા. 3ના વહેલી સવારે જંગલ સફારીમાં સિંહ દર્શન માટે જશે. સિંહ દર્શન કર્યા બાદ વડાપ્રધાનની અધ્યક્ષતામાં નેશનલ બોર્ડ ફોર વાઈલ્ડ લાઈફની સાતમી બેઠક યોજાશે. આ બેઠકમાં પ્રોજેક્ટ લાયનને સત્તાવાર રીતે અમલમાં મુકવામાં આવે તેવી શક્યતાઓ છે.