Get The App

PM મોદીએ ગાંધીનગરને આપી મેટ્રોની ભેટ, જાણો અમદાવાદ સુધીના રૂટનું સંપૂર્ણ શેડ્યુલ

Updated: Sep 16th, 2024


Google NewsGoogle News
PM મોદીએ ગાંધીનગરને આપી મેટ્રોની ભેટ, જાણો અમદાવાદ સુધીના રૂટનું સંપૂર્ણ શેડ્યુલ 1 - image


PM Narendra Modi Metro Train : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની મુલાકાત દરમિયાન સોમવારે સવારે સૌ પ્રથમ સૂર્ય ઘર યોજનાના લાભાર્થીઓના ઘરની મુલાકાત લીધી હતી. બાદમાં તેમણે મહાત્મા મંદિરમાં રિ-ઇન્વેસ્ટ સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. એક પછી એક કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ તેમણે ગાંધીનગર સેક્ટર-1માં મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ ગાંધીનગરના સેક્ટર-1 સ્ટેશનથી અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2ના 20.8 કિલોમીટરની લંબાઈ ધરાવતા કોરિડોરનું ઉદ્ઘાટન કરી લીલીઝંડી આપી હતી. આ દરમિયાન તેમણે સેક્ટર 1ના મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી કરી હતી.  

જાણો અમદાવાદ-ગાંધીનગર મેટ્રોનું સંપૂર્ણ શેડ્યુલ 

આ મેટ્રો મોટેરા સ્ટેડિયમ સ્ટેશનથી ગાંધીનગરના સેક્ટર-1 સ્ટેશન સુધી સવારે 8:00થી સાંજે 6:35 વાગ્યા સુધી દોડશે, તો ગાંધીનગર સેક્ટર-1 સ્ટેશનથી મોટેરા સ્ટેડિયમ સ્ટેશન સુધી સવારે 7:20થી સાંજે 7:20 સુધી દોડશે. 


આ પણ વાંચો: પેરિસમાં નક્કી કરેલી ક્લાઈમેટ કમિટમેન્ટની ડેડલાઈન ભારતે નવ વર્ષ વહેલી હાંસલ કરીઃ PM મોદી

મોટેરા સ્ટેડિયમથી GNLU રૂટ વચ્ચે કુલ 17 ફેરા

મેટ્રોની આ સુવિધા દ્વારા મોટેરા સ્ટેડિયમ સેક્ટર-1નું અંતર 35 મિનિટમાં કાપી શકાશે. મોટેરા સ્ટેડિયમથી રવાના થઈને ટ્રેન 17 મિનિટમાં GNLU (ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી) પહોંચશે. આ દરમિયાન બંને રૂટ વચ્ચે 17 ફેરા થશે.

GNLUથી ગિફ્ટ સિટીના રૂટના કુલ 19 ફેરા થશે

આ મેટ્રો GNLU મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી સ્ટેશન વચ્ચે સવારે 8:25થી સાંજે 6:35 વાગ્યા સુધી, જ્યારે ગિફ્ટ સિટી મેટ્રો સ્ટેશનથી GNLU મેટ્રો સ્ટેશન સુધી સવારે 7:18થી સાંજે 6:48 વચ્ચે દોડાવાશે. 

આ દરમિયાન GNLUથી PDEU (પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી) ચાર મિનિટમાં અને ગિફ્ટ સિટી 10 મિનિટમાં પહોંચાશે. આ રૂટ પર કુલ 19 ફેરા થશે. આગામી સમયમાં મોટેરાથી સેક્ટર-1 અને GNLUથી ગિફ્ટ સિટીની ફ્રિક્વન્સી વધારાશે. 

મોટેરાથી ગાંધીનગર સેક્ટર-1 જવા છેલ્લી ટ્રેન સાંજે 6 વાગે 

ગાંધીનગર સેક્ટર-1થી સવારે 7:20થી આ મેટ્રો ઉપડશે. સવારે 7:36 વાગ્યે GNLU અને 7:55 વાગ્યે મોટેરા પહોંચશે. સેક્ટર-1થી છેલ્લી ટ્રેન સાંજે 6:40 વાગે ઉપડશે. એવી જ રીતે, મોટેરાથી સવારે 8 વાગે ટ્રેન ઉપડશે. પછી સવારે 8:17 વાગ્યે GNLU અને 8:35 વાગે સેક્ટર-1 પહોંચશે. મોટેરાથી છેલ્લી ટ્રેન સાંજે 6 વાગે ઉપડશે.

હાલ મેટ્રો માટે 1.20 કલાક રાહ જોવી પડશે

હાલ આ મેટ્રો મોટેરાથી સેક્ટર-1 સુધી જ દોડાવાશે કારણ કે, મહાત્મા મંદિરના રૂટ પર કામ હજુ ચાલુ છે. હાલ અમદાવાદમાં દર 12 મિનિટે મેટ્રો મળે છે, પરંતુ મોટેરાથી ગાંધીનગર વચ્ચે મેટ્રો માટે 1 કલાક, 20 મિનિટ રાહ જોવી પડશે. બાદમાં મુસાફરોની સંખ્યા વધતા ફ્રિક્વન્સી વધારાશે. 

નોંધનીય છે કે, આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેક્ટર 1ના મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી કરી હતી. આ મેટ્રો શરૂ થવાથી અમદાવાદથી ગાંધીનગર અપડાઉન કરનારા મુસાફરો, સરકારી કર્મચારીઓ અને બીજા હજારો લોકોનો સમય બચશે.


Google NewsGoogle News