Get The App

મોદી જે નેનો યુરિયા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવાના છે એ શું છે?

Updated: May 28th, 2022


Google NewsGoogle News
મોદી જે નેનો યુરિયા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવાના છે એ શું છે? 1 - image


- ઈફ્કો નેનો યુરિયા લિક્વિડની 500 મિલીની બોટલ પરંપરાગત યુરિયાની ન્યૂનતમ એક બેગનું સ્થાન લેશે જેથી ખેડૂતોના ઈનપુટ ખર્ચમાં ઘટાડો થશે

અમદાવાદ, તા. 28 મે 2022, શનિવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક દિવસના ગુજરાત પ્રવાસે છે. સવારે તેઓ સૌ પ્રથમ રાજકોટના આટકોટ ખાતે નવ-નિર્મિત માતોશ્રી કેડીપી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કરશે અને ત્યાર બાદ સાંજના સમયે ગાંધીનગર ખાતે સહકાર સંમેલનમાં હાજરી આપવા ઉપરાંત કલોલ ખાતે નેનો યુરિયા પ્લાન્ટનું પણ લોકાર્પણ કરવાના છે. 

આશરે 175 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહેલો આ પ્લાન્ટ નેનો યુરિયા ફર્ટિલાઈઝરની 500 મિલીલીટર વજનની આશરે 1.5 લાખ બોટલ્સનું દૈનિક ઉત્પાદન કરશે. નેનો યુરિયાના ઉપયોગ દ્વારા પાકની ઉપજમાં થતા વધારાને ધ્યાનમાં રાખીને આ અલ્ટ્રામોર્ડન નેનો ફર્ટિલાઈઝર પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે. 

ઈફ્કો નેનો યુરિયા લિક્વિડ એ ઈફ્કોની પેટન્ટેડ ટેક્નોલોજી દ્વારા તેના ગુજરાતમાં કલોલ ખાતેના નેનો બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરમાં વિકસાવવામાં આવેલું વિશ્વનું પ્રથમ સ્માર્ટ ફર્ટિલાઇઝર છે. 

પર્યાવરણ સુરક્ષિત રાખવા સક્ષમ

ઈફ્કોના વાઈસ ચેરમેન દિલિપ સાંઘાણીએ આ અંગે જણાવ્યું હતું કે, ઈફ્કોનું નેનો યુરિયા 21મી સદીની પ્રોડક્ટ છે જે આપણી ભાવિ પેઢી માટે પર્યાવરણ- જમીન, હવા અને પાણી સુરક્ષિત રાખવા તથા ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સક્ષમ છે. 

ઉલ્લેખનીય છે કે, યુરિયાના વધારે પડતા ઉપયોગના કારણે પર્યાવરણ પ્રદૂષણ ઉપરાંત જમીનના આરોગ્યને નુકસાન થાય છે. સાથે જ છોડ રોગ અને જીવાતોના ઉપદ્રવ માટે વધારે પડતો સંવેદનશીલ બને છે અને પાકના વિકાસમાં વિલંબ ઉપરાંત ઉત્પાદનમાં નુકસાન થાય છે. જ્યારે નેનો યુરિયા લિક્વિડ પાકને મજબૂત અને સ્વસ્થ બનાવવાની સાથે અન્ય અસરોથી બચાવે છે. યુરિયા લિક્વિડના લીધે સંતુલિત પોષણ કાર્યક્રમને વેગ મળશે અને યુરિયાનો વધુ પડતો ઉપયોગ ઘટશે. 

વિશેષતાઓ

- ઈફ્કો નેનો યુરિયા લિક્વિડ પાકને પોષણ આપવા માટે અસરકારક અને કાર્યક્ષમ હોવાનું જણાયું છે. 

- તેનાથી પાકના પોષણની ગુણવત્તામાં અને ઉત્પાદનમાં વધારો થાય છે. 

- તે ભૂગર્ભ જળની ગુણવત્તા પર સકારાત્મક અસર સર્જવા ઉપરાંત આબોહવા પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગમાં નોંધપાત્ર ઘટાડો કરશે. 

- નેનો યુરિયા લિક્વિડ ખેડૂતોને નાણાકીય રીતે પણ ફાયદો કરાવશે અને આવકમાં વધારો કરવામાં મદદરૂપ બનશે. 

- ઈફ્કો નેનો યુરિયા લિક્વિડની 500 મિલીની બોટલ પરંપરાગત યુરિયાની ન્યૂનતમ એક બેગનું સ્થાન લેશે જેથી ખેડૂતોના ઈનપુટ ખર્ચમાં ઘટાડો થશે.  

- નેનો યુરિયા લિક્વિડની બોટલનું કદ નાનું હોવાથી તે પોકેટમાં પણ મુકી શકાય છે. આમ તેનાથી લોજીસ્ટિક અને વેરહાઉસિંગનો ખર્ચો પણ ઘટશે. 

ઈફ્કો નેનો યુરિયા લિક્વિડ હવે ફર્ટિલાઈઝર કંટ્રોલ ઓર્ડર (FCO, 1985)માં પણ સામેલ છે. ઈફ્કો નેનો યુરિયા લિક્વિડ પરંપરાગત યુરિયાને બદલવા માટે વિકસાવવામાં આવ્યું છે અને તે જરૂરિયાતમાં ઓછામાં ઓછો 50 ટકાનો ઘટાડો કરી શકે છે. નેનો યુરિયા લિક્વિડની 500 મિલીની બોટલમાં 40,000 પીપીએમ નાઈટ્રોજન હોય છે જે સામાન્ય યુરિયાની એક થેલીની સમકક્ષ નાઈટ્રોજન પોષણ પૂરૂં પાડે છે.  

મોદી જે નેનો યુરિયા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવાના છે એ શું છે? 2 - image


Google NewsGoogle News