'મેં ઊંડા દરિયામાં જઈને પ્રાચીન દ્વારકાજીના દર્શન કર્યા', જનસભામાં બોલ્યા વડાપ્રધાન મોદી

Updated: Feb 25th, 2024


Google NewsGoogle News
'મેં ઊંડા દરિયામાં જઈને પ્રાચીન દ્વારકાજીના દર્શન કર્યા', જનસભામાં બોલ્યા વડાપ્રધાન મોદી 1 - image


PM Modi in Rajkot : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે છે. તેમણે આજે (રવિવાર) સવારે બેટ દ્વારકા મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. ત્યારબાદ સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું હતું. ત્યાંથી વડાપ્રધાન દ્વારકાધીશ મંદિર પહોંચ્યા હતા જ્યાં દ્વારકાધીશના દર્શન કર્યા હતા. ત્યારબાદ તેમણે દ્વારકાના દરિયામાં સ્કૂબા ડાઈવિંગ કર્યું હતું. ત્યારબાદ વડાપ્રધાન મોદી દ્વારકામાં જનસભાને સંબોધિત કરવા પહોંચ્યા હતા. અહીં તેમનું સોનાનો મુગટ પહેરાવીને સ્વાગત કરાયું હતું.

જનસભાને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મેં ઊંડા દરિયામાં જઈને પ્રાચીન દ્વારકા જીના દર્શન કર્યા. પુરાતત્વના જાણકારોએ દરિયામાં સમાયેલી આ દ્વારકા અંગે ઘણું બધુ લખ્યું છે. કહેવામાં આવે છે કે, ભગવાન વિશ્વમકર્માએ ખુદ આ દ્વારકાનગરીનું નિર્માણ કર્યું હતું. આજે મારું મન ખુબ ગદગદ છે. હું ભાવવિભોર છું. દાયકાઓ સુધી જે સપનું જોયું હોય અને આજે તે પવિત્ર ભૂમિને સ્પર્ષ કરીને પૂર્ણ થશે. તમે કલ્પના કરી શકો છો કે, મારી અંદર કેટલો આનંદ હશે.'

વધુમાં વડાપ્રધાને કહ્યું કે, 'હું આજે સમુદ્રની દ્વારકાના દર્શનથી વિકસિત ભારતના સંકલ્પને વધુ મજબૂત કરવા આવ્યો છું. આજે મને સુદર્શન સેતુના લોકાર્પણનું પણ સૌભાગ્ય મળ્યું છે. 6 વર્ષ પહેલા મને આ સેતુના શિલાન્યાસનો અવસર મળ્યો હતો. આ સેતુ ઓખાી બેટ દ્વારકાને જોડશે અને દ્વારકાધીશના દર્શનને સરળ બનાવશે. જેનું સપનું જોયું, તેની આધારશિલા રાખી.. તેને પૂર્ણ કર્યું. આ જ ઈશ્વરરૂપી જનતા-જનાર્દનના સેવક મોદીની ગેરેન્ટી છે.'

નોંધનીય છે કે, વડાપ્રધાન દ્વારા ગુજરાતને અંદાજે રૂ. 35,700 કરોડની રકમના પ્રકલ્પોની ભેટ મળશે. વડાપ્રધાનના હસ્તે જે લોકાર્પણ-ખાતમુહૂર્ત થવાના છે, તેમાં નેશનલ હાઈવેના રૂ. 3800 કરોડથી વધુની રકમના વિવિધ પ્રોજેક્ટસ, રેલવે વિભાગના રૂ. 2100 કરોડથી વધુ રકમના પ્રકલ્પ, રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના રૂ. 1550 કરોડથી વધુ પ્રોજેક્ટસ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ હેઠળના રૂ. 550 કરોડથી વધુના મૂલ્યના વિકાસ પ્રકલ્પો, માર્ગ અને મકાન વિભાગ હેઠળના રૂ. 200 કરોડથી વધુના મૂલ્યના વિકાસ પ્રકલ્પો પાણી પુરવઠા વિભાગ હેઠળના રૂ. 250 કરોડથી વધુના મૂલ્યના વિકાસ પ્રકલ્પો, પ્રવાસન વિભાગના રૂ. 60 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનો સમાવેશ થાય છે.


Google NewsGoogle News