Get The App

રાજકોટ-મોરબી-જામનગરમાં મિની જાપાન થવાની તાકાત... PM મોદીએ સૌરાષ્ટ્રને આપી દિવાળી ભેટ

Updated: Oct 28th, 2024


Google NewsGoogle News
રાજકોટ-મોરબી-જામનગરમાં મિની જાપાન થવાની તાકાત... PM મોદીએ સૌરાષ્ટ્રને આપી દિવાળી ભેટ 1 - image


PM Modi Amreli Visit: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે. આજે સવારે તેમણે સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ સાથે રોડ શો યોજ્યા બાદ ટાટા-એરબસ દ્વારા સ્થાપિત સૈન્યના કાર્ગો પ્લેનના એસેમ્બલ માટેના પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ તેઓ અમરેલીના દુધાળા પહોંચ્યા હતા, જ્યાં તેમણે ભારત માતા સરોવરનું લોકાર્પણ કર્યું  અને બાદમાં જાહેર સભાને સંબોધન કર્યું.  આ દરમિયાન તેમણે સૌરાષ્ટ્રના 9 જિલ્લાને રૂ. 4800 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી. તેનો લાભ અમરેલી, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, કચ્છ, ભાવનગર અને બોટાદ જિલ્લાઓને મળશે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ‘સૌરાષ્ટ્ર અને અમરેલીની ધરતી એટલે રત્નોની ધરતી એવી આ ભૂમિ છે. અમરેલી એ ભૂમિ છે જેણે યોગીજી મહારાજ, ભોજા ભગત, દુલા ભાયા કાગ, કલાપી, રમેશ પારેખ, કે.લાલ, જીવરાજ મહેતા આપ્યા છે. ગુજરાતના સાર્વજનિક જીવનમાં કોઈ સાંજ એવી ન હોય કે, ગુજરાતના કોઈને કોઈ ખૂણામાં દુલા ભાયા કાગને કોઈ યાદ ના કરતું હોય, એક એવો ડાયરો ના હોય, એવી કોઈ લોકસાહિત્યની વાત ન હોય જેમાં કાગ બાપુની ચર્ચા ના હોય.’ 


વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે 'એક તરફ સંસ્કૃતિનો ઉત્સવ અને બીજી બાજુ વિકાસનો ઉત્સવ અને આજ ભારતની એક નવી તાસીર છે. આજે આખી દુનિયા ભારતની વાત ગંભીરતાથી સાંભળે છે, ધ્યાનથી સાંભળે છે. રાજકોટ,મોરબી,જામનગર આ એવો ત્રિકોણ છે, કે જે ભારતના મેન્યુફેક્ચરિંગ હબ તરીકેની નામના થાય એવી તાકાત ધરાવે છે, આ મિની જાપાન થવાની તાકાત ધરાવે છે.'  

આ દરમિયાન તેમણે નર્મદાની વાત કરતા કહ્યું હતું કે ‘એક સમય હતો, નર્મદાની પરિક્રમા જઈએ ને તો પૂણ્ય મળે, યુગ બદલાયો માતા નર્મદા ખુદ પરિક્રમા કરીને ગામડે ગામડે પહોંચીને પુણ્ય વહેંચી રહી છે, પાણી પણ વહેંચી રહી છે. આજે નર્મદાનું પાણી જ્યાં જ્યાં પહોંચ્યું છે ત્યાં ત્રણ-ત્રણ પાક લેવાઈ રહ્યા છે, જે ખેડૂતને એક પાક લેવાના સાસા પડતા હતા આજે તે ત્રણ-ત્રણ પાક લેતો થયો છે.’ 

આ પણ વાંચો: સરકાર સામેનો આક્રોશ ડામવાનો પ્રયાસ? PM મોદીની ગુજરાત મુલાકાતને લઈને વિરોધીઓ નજરકેદ: કોંગ્રેસ

'મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ'નાં અભિયાનને વેગ મળશે

કેન્દ્ર સરકારની યોજનાઓ અંગે વાત કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, 'ભારતમાં ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ ઇકો સિસ્ટમ નવી ઊંચાઈઓ સર કરી રહી છે. C-295 એર ક્રાફ્ટ ફેક્ટરી નવા ભારતની નવી કાર્ય સંસ્કૃતિનું પ્રતિબિંબ છે. આ પ્લાન્ટથી બંને દેશો વચ્ચેનાં સંબંધો મજબૂત થવાની સાથે 'મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ'નાં અભિયાનને વેગ મળશે. વડોદરા ખાતે ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિ. ની ફાઇનલ એસેમ્બ્લી લાઇન (FAL) C-295 એરક્રાફ્ટ ફેસિલિટીનું ઉદ્ઘાટનએ ભારતની એરોસ્પેસ ઇન્ડસ્ટ્રી માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે. જે ભારતના ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ (સંરક્ષણ સંસાધનોનું ઉત્પાદન) ક્ષેત્ર માટે એક સીમાચિહ્નરૂપ છે.'   

આ પણ વાંચો: આજે તેઓ જીવતા હોત તો આજે ખુશ હોત, મોદી-સાંચેઝે ઉદઘાટન વખતે રતન ટાટાને યાદ કર્યા

ભારતમાં નવા કૌશલ્યો અને નવા ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે

સ્કિલિંગ અને રોજગાર સર્જન પર ભાર મૂકતાં કહ્યું કે, ‘એરબસ-ટાટા ફેક્ટરી જેવા પ્રોજેક્ટો હજારો રોજગારીનું સર્જન કરશે. આ ફેક્ટરી 18 હજાર એરક્રાફ્ટ પાર્ટ્સના સ્વદેશી ઉત્પાદનને ટેકો આપશે, જે સમગ્ર ભારતમાં એમએસએમઇ માટે વિપુલ તકોનું નિર્માણ કરશે. આજે પણ વિશ્વની મોટી એરક્રાફ્ટ કંપનીઓ માટે ભારત પાર્ટ્સનો સૌથી મોટો સપ્લાયર દેશ છે. નવી એરક્રાફ્ટ ફેક્ટરીથી ભારતમાં નવા કૌશલ્યો અને નવા ઉદ્યોગોને સારું એવું પ્રોત્સાહન મળશે.’


Google NewsGoogle News