ગુજરાતને મળી પહેલી AIIMS, રાજકોટમાં PM મોદીના હસ્તે અનેક વિકાસ યોજનાનું લોકાર્પણ

Updated: Feb 25th, 2024


Google NewsGoogle News
ગુજરાતને મળી પહેલી AIIMS, રાજકોટમાં PM મોદીના હસ્તે અનેક વિકાસ યોજનાનું લોકાર્પણ 1 - image

PM Modi in Rajkot : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે છે. તેમણે આજે (રવિવાર) સવારે બેટ દ્વારકા મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. ત્યારબાદ સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું હતું. ત્યાંથી વડાપ્રધાન દ્વારકાધીશ મંદિર પહોંચ્યા હતા જ્યાં દ્વારકાધીશના દર્શન કર્યા હતા. ત્યારબાદ તેમણે દ્વારકાના દરિયામાં સ્કૂબા ડાઈવિંગ કર્યું હતું. ત્યારબાદ વડાપ્રધાને દ્વારકામાં જનસભાને સંબોધી હતી. ત્યાંથી વડાપ્રધાન રાજકોટ પહોંચ્યા હતા. આજે વડાપ્રધાને રાજકોટમાં 48,100 કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાઓનું ઉદ્ધાટન કર્યું.

રાજકોટથી વડાપ્રધાન મોદીએ ગુજરાત સહિત 5 રાજ્યોને આપી AIIMSની ભેટ

ગુજરાતને પ્રથમ એઈમ્સની ભેટ મળી છે. વડાપ્રધાન મોદીએ આજે રાજકોટ, બઠિંડા, રાયબરેલી, કલ્યાણી અને મંગલગિરી માટે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS)નું ઉદ્ધાટન કર્યું.


પહેલા લોકો એઈમ્સ-એઈમ્સ કહીને થાકી જતા હતા : વડાપ્રધાન મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'પહેલા લોકો એઈમ્સ-એઈમ્સ કહીને થાકી જતા હતા. આજે એક બાદ એક દેશમાં એઈમ્સ જેવી આધુનિક હોસ્પિટલ અને મેડિકલ કોલજે ખુલી રહી છે.'

'10 દિવસમાં 7 નવી એઈમ્સનો શિલાન્યાસ અને લોકાર્પણ થયું'

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે ગત 10 દિવસોમાં 7 નવી એઈમ્સનો શિલાન્યાસ અને લોકાર્પણ થયું છે. તેના માટે હું કહેવા માંગું છું કે જે 6-7 દાયકામાં ન થયું, તેનાથી કેટલાક ગણી ઝડપથી આપણે દેશનો વિકાસ કરીને જનતાના ચરણોમાં સમર્પિત કરી રહ્યા છે. આજે 23 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 200થી વધુ હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનો પણ શિલાન્યાસ અને લોકાર્પણ થયો છે.

'ગુજરાતને એઈમ્સની ગેરેન્ટી પૂરી'

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે દેશ કહી રહ્યો છે કે મોદીની ગેરેન્ટી એટલે ગેરેન્ટી પૂરી થવાની ગેરેન્ટી. દેશને મોદીની ગેરેન્ટી પર એટલા માટે અતૂટ ભરોસો છે, કારણ કે મેં રાજકોટને ગુજરાતની પહેલી એઈમ્સની ગેરેન્ટી આપી હતી. ત્રણ વર્ષ પહેલા તેનો શિલાન્યાસ કર્યો હતો અને આજે લોકાર્પણ કર્યું. તમારા સેવકે ગેરેન્ટી પૂરી કરી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટમાં રૂ. 1195 કરોડના ખર્ચે બનેલી ગુજરાતની પ્રથમ એઈમ્સ અને રૂ. 120 કરોડના ખર્ચે બનેલી રાજ્યની સૌથી ઊંચી મેટરનિટી એન્ડ ચાઈલ્ડ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું. આ સાથે તેઓ ગુજરાત તેમજ દેશના વિકાસને વેગ આપતા  રૂ. 48 હજાર કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું. આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સહિતના મંત્રીઓ, મહાનુભાવોની ઉપસ્થિત રહ્યા હતા.

નજીવા દરે એઇમ્સમાં થશે બ્લડ, એક્સ-રે સહિતના 200થી વધુ રીપોર્ટ્સ

રાજકોટ એઇમ્સ ખાતે 250 બેડના ઇન્ડોર પેશન્ટ વિભાગનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે અહીં દાખલ થયેલા દર્દીઓને વિવિધ લેબોરેટરી રીપોર્ટ્સ માટે ઇનહાઉસ સુવિધા પણ શરુ કરવામાં આવશે.

એઇમ્સ ડિરેક્ટર ડો. સી.ડી.એસ. કટોચના જણાવ્યા અનુસાર સી.બી.સી, બાયોપ્સી, લિપિડ પ્રોફાઈલ, કિડની ફન્કશન સહિતના લોહીના 160 જેટલા વિવિધ રીપોર્ટ્સ અને ઍકસ-રેના અલગ અલગ 30 જેટલા રીપોર્ટ્સ નોમિનલ ચાર્જમાં કરી આપવામાં આવશે.

એઇમ્સ અને ખાનગી લેબમાં થતા રિપોર્ટ્સની કમ્પૅરિઝન કરીએ તો અહીં સી.બી.સી.રિપોર્ટનો દર માત્ર ૨૫ રૂ. જે ખાનગીમાં રૂ. 200, બાયોપ્સી રૂ. 374 જે ખાનગીમાં રૂ. 1200, લિપિડ પ્રોફાઈલ 275 સામે ખાનગીમાં 600, લીવર ફંક્શન ટેસ્ટના રૂ. 225 જે ખાનગીમાં રૂ. 700, કીડીની ફંક્સનના રૂ. 225 જે ખાનગીમાં રૂ. 600 જેટલો ચાર્જ લેવામાં આવે છે. વિવિધ સીરમ ટેસ્ટ રૂ. 75 ની અંદર થશે. આ સાથે ડેન્ગ્યુ, ચિકન ગુનિયાના ટેસ્ટ માત્ર રૂ. 25 માં, મેલેરિયા રૂ. 50, ટાઈફોડનો રૂ. 80 તેમજ સ્ટુલ રૂટિન ટેસ્ટ રૂ. 35 જેવા ન્યુનતમ દરે કરી આપવામાં આવશે.      

એક્સ-રે માં છાતીના 70 રૂ., ખભ્ભો, ગોઠણ, પગ, કોણી, કરોડરજ્જુ, હથેળી, આંગળી, સ્કલ સહિતના શરીરના બાહ્ય અંગોના એક્સ-રેના માત્ર 150 રૂ. ચાર્જ કરવામાં આવશે, જેનો ચાર્જ ખાનગી જગ્યાએ સામાન્ય રીતે રૂ. 500 જેટલો થતો હોય છે. 

એઇમ્સ ખાતે ઇન્ડોર પેશન્ટ વિભાગમાં 14 થી વધુ ફેકલ્ટીમાં સઘન સારવારના શ્રીગણેશ થવા જઈ રહ્યા છે, ત્યારે સંલગ્ન સેવાઓ પૈકી રીપોર્ટ તેમજ દવાઓ પણ દર્દીને પોસાય તે રીતના ચાર્જિઝ રાખી કેન્દ્ર સરકારનો આરોગ્ય વિભાગ સામાન્ય માણસની તબિયતની ચિંતા સુપેરે કરી રહ્યો છે, તેમ કહી શકાય.

નોંધનીય છે કે, વડાપ્રધાન દ્વારા ગુજરાતને અંદાજે રૂ. 35,700 કરોડની રકમના પ્રકલ્પોની ભેટ મળશે. વડાપ્રધાનના હસ્તે જે લોકાર્પણ-ખાતમુહૂર્ત થવાના છે, તેમાં નેશનલ હાઈવેના રૂ. 3800 કરોડથી વધુની રકમના વિવિધ પ્રોજેક્ટસ, રેલવે વિભાગના રૂ. 2100 કરોડથી વધુ રકમના પ્રકલ્પ, રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના રૂ. 1550 કરોડથી વધુ પ્રોજેક્ટસ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ હેઠળના રૂ. 550 કરોડથી વધુના મૂલ્યના વિકાસ પ્રકલ્પો, માર્ગ અને મકાન વિભાગ હેઠળના રૂ. 200 કરોડથી વધુના મૂલ્યના વિકાસ પ્રકલ્પો પાણી પુરવઠા વિભાગ હેઠળના રૂ. 250 કરોડથી વધુના મૂલ્યના વિકાસ પ્રકલ્પો, પ્રવાસન વિભાગના રૂ. 60 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનો સમાવેશ થાય છે.

Google NewsGoogle News