સૌથી લાંબા કેબલ બ્રિજ સુદર્શન સેતુનું PM મોદીના હસ્તે ઉદ્ઘાટન, બેટ દ્વારકા મંદિરમાં કરી પૂજા
રાજ્યના મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા
PM Modi Gujarat Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે. આજે વહેલી સવારે તેઓ બેટ દ્વારકા પહોંચીને શ્રી કૃષ્ણ મંદિરમાં પૂજા અર્ચના બાદ સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાન મોદી સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી તેમના પ્રવાસ દરમિયાન જુદા-જુદા 52 હજાર કરોડના વિકાસના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે.
સુદર્શન સેતું દેશનો સૌથી લાંબો કેબલ બ્રિજ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે ત્યારે આજે ઓખા અને બેટ દ્વારકાને જોડતા અંદાજિત રૂ. 978.93 કરોડના ખર્ચે નવનિર્મિત દેશના સૌથી લાંબા કેબલ બ્રિજ સુદર્શન સેતુનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વિકસિત ભારત વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરતો અને સુદર્શન સેતુ રાજ્ય સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લાની આગવી ઓળખ બનનાર સુદર્શન સેતુનું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તક્તી અનાવરણ કરી ભાવિકો માટે ખુલ્લો મુક્યો હતો. ભગવાન દ્વારકાધીશની પાવન ભૂમિના સર્વાંગી વિકાસની ગતિમાં વધારો કરતાં સુદર્શન સેતુનું થ્રી ડી મોડલ નિહાળી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિસ્તૃત માહિતી મેળવી હતી.
સુદર્શન સેતુની વિશેષતાઓ
• સુદર્શન સેતુ સ્ટિલના તોરણ અને પંખા જેવી પેટર્નમાં ગોઠવાયેલા કેબલથી બનેલો છે. આ એક કેબલ-સ્ટેડ બ્રિજ છે. આ પ્રકારના પુલમાં વજન સ્ટિલના કેબલ પર રહે છે. બ્રિજ ડેક સ્ટિલ અને પ્રબલિત કોંક્રિટથી બનેલો છે
• સુદર્શન સેતુની પહોળાઈ 27.2 મીટર છે. અવરજવર માટે બે લેન છે. આ સાથે બંને બાજુ 8 ફૂટ પહોળી ફૂટપાથ છે
• ફૂટપાથ શેડની છત પર સોલાર પેનલ લગાવવામાં આવી છે. આ 1 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરશે
• ફુટપાથની બાજુ પર કાર્વિંગ પથ્થર પર કોતરણી કામ કરી ભગવદગીતાના શ્લોક તેમજ ભગવાન શ્રીકૃષ્ણનું જીવન દર્શાવવામાં આવ્યું છે.
• બ્રીજની લંબાઇ 2320 મીટર, જેમા 900 મીટર કેબલ સ્ટેયડ ભાગ છે, તે ભારતનો સૌથી લાંબો કેબલ-સ્ટેડ બ્રિજ છે
• બ્રિજના મુખ્ય ગાળામાં બંને પાયલોન પર 20 x 12 મીટરના 4 - મોરપંખ આકારવામાં આવ્યા છે.
• ઓખા સાઈડ એપ્રોચ બ્રિજની લંબાઈ 370 મીટર, બેટ સાઈડ એપ્રોચ બ્રિજની લંબાઈ 650 મીટર
• બ્રિજના બે પાઈલોન 129.985 મીટર ઊંચા છે. તેમનો આકાર A જેવો છે
• પુલ સાથે જોડાયેલા રસ્તાની કુલ લંબાઈ 2.8 કિલોમીટર છે
• પીએમ નરેન્દ્ર મોદીએ 7 ઓક્ટોબર, 2017ના રોજ આ પુલનો શિલાન્યાસ કર્યો હતો.
• બ્રીજ પર રાત્રિ દરમ્યાન ડેકોરેટીવ લાયટીંગની વ્યવસ્થા કરાઇ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રૂ. 1.25 લાખ કરોડથી વધુના રોકાણથી સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા અનેક પ્રોજેક્ટનો શુભારંભ કર્યો હતો. વડાપ્રધાને દુનિયાના સૌથી મોટા અનાજ ગોદામના પાયલટ પ્રોજેક્ટના ભાગરૂપે 11 રાજ્યોમાં પ્રાથમિક કૃષિ ઋણ સમિતિઓ (પીએસીએસ)માં અનાજના સંગ્રહ માટે 11 ગોદામોનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે જ તેમણે ગોદામો અને અન્ય કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માળખાના નિર્માણ માટે દેશભરમાં વધારાના 500ની પીએસીએસનો શિલાન્યાસ કર્યો.