ગુજરાતમાં ન્યૂ યરે લોકોએ બનાવ્યો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ, 108 સ્થળે સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયા, PMએ કહી આ વાત
મહેસાણા ખાતે આશરે 3000 જેટલાં લોકોએ સૂર્યનમસ્કાર કર્યા હતા
પીએમ મોદીએ પણ આ મામલે એક્સ પર ટ્વિટ કરતાં લખ્યું કે ગુજરાતે એક ઉલ્લેખનીય સિદ્ધિ સાથે 2024નું સ્વાગત કર્યું
Gujarat Surya namaskar News | સૂર્ય નમસ્કારને વિશ્વસ્તરે લઈ જવા માટે ગુજરાત રાજ્યના યોગ બોર્ડ અને રમતગમત, યુવા તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગે સૂર્ય નમસ્કાર મહાઅભિયાન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. રાજ્યભરમાં 108 જગ્યાએ આ કાર્યક્રમ આયોજિત કરાયું હતું.
મહેસાણામાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાયો
2024ના આગમન સાથે પહેલા દિવસે જ જગપ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિર ખાતે રાજ્યકક્ષાનો સૂર્યનમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લગભગ 3000 જેટલાં લોકોએ સૂર્યનમસ્કાર કર્યા હતા. આ સાથે રાજ્યના પ્રસિદ્ધ 108 જેટલાં સ્થળોએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધવામાં આવ્યો હતો. મહેસાણામાં શર્મિષ્ઠા તળાવ અને હાટકેશ્વર મંદિરે આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં સીએમ ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ વર્ચ્યુઅલી જોડાયા હતા.
PM મોદીએ નોંધ લેતાં કરી ટ્વિટ
પીએમ મોદીએ પણ આ મામલે એક્સ પર ટ્વિટ કરતાં લખ્યું કે ગુજરાતે એક ઉલ્લેખનીય સિદ્ધિ સાથે 2024નું સ્વાગત કર્યું. 108 સ્થળોએ એકસાથે સૌથી વધુ લોકો દ્વારા સૂર્ય નમસ્કાર કરવાનો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સર્જવાનો પ્રયાસ કરાયો. જેવું કે આપણે બધા જાણીએ છીએ, આપણી સંસ્કૃતિમાં જ 108ના આંકડાનું વિશેષ મહત્ત્વ છે.
PM મોદીએ આ વાતનું કર્યું આહ્વાન
પીએમ મોદીએ આગળ કહ્યું કે આયોજન સ્થળોમાં પ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિર પણ સામેલ છે જ્યાં અનેક લોકો જોડાયા હતા. આ ખરેખર તો યોગ અને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે આપણી પ્રતિબદ્ધતાનો સાચો પુરાવો છે. હું તમને સૌને આગ્રહ કરું છું કે સૂર્ય નમસ્કારને તમારી દિનચર્યાનો હિસ્સો બનાવો, ઘણાં ફાયદા થશે.